વ્યાજ, શેરસટ્ટા અને ગોવાના કેસીનામાં એન્ટ્રીથી રોડપતિ બનેલો યુવાન ભુગર્ભમાં
એકના ડબલની લાલચમાં કેટલાય અધિકારીઓ પણ ફસાયા
ગોંડલની એક સરકારી કચેરીમાં ફિક્સ પગારથી નોકરી કરતો યુવાન રાતોરાત કરોડપતિ બની અનેકનાં ફુલેકા ફેરવી રફુચક્કર થઈ જતાં કેટલાંક બાહુબલી લેણદારો એ મકાન અને વાહનો પર કબ્જો કર્યો છે તો બાકીના આ એક દિન કા સુલતાન બનેલાં યુવાનને શોધી રહયાંની ચર્ચા ‘ટોક ઑફ ટાઉન’ બનવાં પામી છે.
સરકારી કચેરીમાં ફિક્સ પગારથી નોકરી કરતાં આ યુવાને ટુંકા સમય માં જ અધિકારીઓ સાથે નજદિકીયાં કરી કચેરીમાં માનીતો બની ગયો હતો. માહિતગાર વર્તુળો અનુસાર આ યુવાન અધિકારીઓની અમીદૃષ્ટીને કારણે “ટેબલ નીચેના વહીવટમાં પણ માહીર બની જતાં અનેક ફાઇલો કલીયર થવાં લાગતાં આ યુવાનનાં ખિસ્સાં ગરમ રહેવાં લાગ્યાં હતાં. આ યુવાન ને કારણે કચેરીમાં પણ ચોક્કસ અધિકારીઓને ‘ફાયદા હી ફાયદા’ હોય યુવાને વ્યાજે ધિરધાર, શેર સટ્ટામાં પણ ઝંપલાવ્યું હતું. ગોંડલથી ગોવાનાં કેશીનોમાં પણ એન્ટ્રી લગાવી હતી.
સામાન્ય નોકરીયાતમાંથી રાતોરાત માલેતુજાર બનેલાં આ યુવાનનાં ટુંકા સમયગાળામાં વળતાં પાણી થતાં અધિકારીઓ, મોટા માથા સોરઠ પંથકનાં એક મહંત સહીત અનેકનાં નાણાં ફસાઇ જવાં પામ્યાં છે. જે પૈકી શહેરનાં પોશ વિસ્તારમાં યુવાને બનાવેલ વૈભવી બંગલો અને બે થી ત્રણ જેટલી ફોરવ્હીલર પર બાહુબલી લેણદારોએ કબ્જો મેળવી લીધાની ચર્ચા થઇ રહી છે. કેટલાક અધિકારીઓએ એકના ડબલની લાલચે આ યુવાનને મોટી રકમ આપેલી. આજે આ અધિકારીઓની હાલત કફોડી બનવાં પામી છે. જો ઉચ્ચ કક્ષાએ આ પ્રકરણની તપાસ થાય તો કેટલાક અધિકારીઓનાં ચહેરા બહાર આવે તેવી શક્યતા છે. અલબત આ યુવાન હાલ ભુગર્ભમાં હોય સત્ય પણ ઢંકાયેલું બન્યું છે.