દર વર્ષે ચોમાસામાં રૂપાવટી નદીના પાણીથી હજારો એકર જમીનનું મોટાપાયે ધોવાણ થાય છે
દર વર્ષે ચોમાસામાં રૂ પાવટી નદીનું પાણી ભાયાવદર, મોજીરા, ખાખીજાળીયા સહિતનાં ગામોની હજારો એકર જમીનનું મોટાપાયે ધોવાણ કરતું હોવાથી ખેડુતોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ પાણીનાં ખુબ મોટા જથ્થાનો દર વર્ષે બગાડ થતો હોવાથી રૂ પાવટી નદીનાં પાણીનો પ્રવાહ મોજ ડેમ તરફ વાળીને ખેડુતોની જમીન, પાક તેમજ વરસાદી પાણીનો બગાડ ન થાય તે હેતુસર જિલ્લાનાં ગઢાળા ગામનાં સરપંચ નારણભાઈ આહિરે રાજયનાં સિંચાઈ મંત્રીને પત્ર લખી રૂ પાવટી નદીનાં પ્રવાહને મોજ ડેમ તરફ વાળી દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ગઢાળાના સરપંચ નારણભાઈ આહિરે રાજયના સિંચાઈ મંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી માંગણી કરતા જણાવેલ છે કે, તાલુકાના ભાયાવદર, મોજીરા, ખાખીજાળીયાની સીમમાંથી નિકળતી રૂ પાવટી નદી ભાયાવદર ઉપરના ગામોના પાણી આવે છે. મોજ ડેમમાં જેટલું પાણી આવે છે તેનાથી વધારે પાણી આ રૂ પાવટીનું પાણી વેડફાઈ જાય છે. ચોમાસામાં આ નદીના ધસમસતા પાણી ભાયાવદર, મોજીરા, ખાખીજાળીયા અને ઉપલેટાની સીમમાં ફેલાઈ જાય છે અને ઉપરોકત ગામોના સીમની હજારો એકર જમીનોનું ધોવાણ કરે છે. ખેડુતોના વાવેતર પણ નિષ્ફળ જાય છે. ખેડુતોને જમીન સમથળ કરી બે-બે વખત વાવેતર કરવુ પડે છે જેમાં કરોડો રૂ પિયાનું આંધણ થાય છે જે સરકારમાં બેઠેલા અધિકારી-પદાધિકારીઓ સૌ કોઈ જાણે છે.
વધુમાં નારણભાઈએ જણાવેલ છે કે મોજ ડેમના ઉપરવાસમાં ઘણા જ ચેકડેમો બનાવવામાં આવ્યા છે જયારે વરસાદ થાય ત્યારે તે પાણી સીધા ચેકડેમો રોકી લે છે પણ જો ઉપરવાસના જામકંડોરણા, કાલાવડ, ખીજડીયા, ટીંબડી વગેરે ગામોમાં ૧૦-૧૫ ઈંચ જેટલો ભારે વરસાદ થાય ત્યારે જ મોજડેમમાં પાણી આવે ઓછા વરસાદમાં પાણી આવતા નથી. તેથી દર વર્ષે મોજડેમ ઓવરફલો થતો નથી જો રૂ પાવટીનું પાણી વાળીને મોજ ડેમમાં નાખવાની યોજના તૈયાર થાય તો ખાખીજાળીયા, મોજીરા સહિતના ગામોમાં જે મોટાપાયે નુકસાન થાય છે તે અટકી જાય અને મોજડેમ પણ દર વર્ષે ભરાઈ જાય આવી યોજના આ વિસ્તારના વિકાસમાં જેમનું મોટુ યોગદાન છે તેવા સ્વ.જયરામભાઈ પટેલ જયારે ગૃહમંત્રી હતા ત્યારે આ યોજના બનાવવામાં આવેલી પણ કોઈ કારણસર યોજના અટકી ગયેલી છે તે યોજના ફરીથી શરૂ કરવી જોઈએ જે મોટી સંખ્યામાં ખેડુતોના હિતમાં છે. અંતમાં તેમણે ચાલુ વર્ષે રૂ પાવટી નદીએ જે ખાના ખરાબી કરી છે તેનો ભોગ બનેલા ખેડુતોને તાત્કાલિક સર્વે કરી વળતર આપવું જોઈએ તેવી પણ માંગણી કરેલ છે.