રસીકભાઈ ચેવડાવાળા, યશવંતભાઈ ચેવડાવાળા, બજરંગ ફરસાણ, ન્યુ ભારત ફરસાણ સહિત ૧૮ વેપારીઓને ત્યાં ચેકિંગ : કેળા પકવવા માટે વપરાતા બિન આરોગ્યપ્રદ ઈથેલીન કેમીકલની ૩ બોટલનો નાશ
શ્રાવણ મહિનામાં લોકો ભક્તિભાવ સાથે ઉપવાસ, એકટાણા કરતા હોય છે. વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં કેળા સહિતના ફળ પકવવા માટે કેમીકલનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ઉપરાંત ફરાળી વાનગીમાં પણ વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થતી હોવાની શંકાના આધારે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૧૨ સ્થળે કેળાની વખારો અને ફરાળી વાનગી વેંચતા ૧૮ વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બિનઆરોગ્યપ્રદ ત્રણ બોટલ ઈથીલીન કેમીકલનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના છોટુનગરમાં ન્યુ ભારત ફ્રૂટ, દૂધ સાગર રોડ પર વિશ્ર્વાસ ફ્રૂટ, કુવાડવા રોડ પર જલારામ ફ્રૂટ, કોઠારીયા રોડ પર જય જલારામ ફ્રૂટ, વિશ્ર્વાસ ફ્રૂટ, રૈયા રોડ પર ગોલી કેળા, શિતલપાર્ક ચોકડી પાસે પટેલ કોલ્ડ્રીકસ અને ઈમરાન કેળા, જામનગર રોડ પર ફેમસ કેળાવાળા, ગોલ્ડ કેળા, યુસુફભાઈ સુલેમાન અને હનીફભાઈ સુલેમાન સહિત કેળાની ૧૨ વખારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ફેમસ કેળાવાળાને ત્યાંથી બિન આરોગ્યપ્રદ પર્લ બ્રાન્ડ ઈથીલીન રાઈપનરની ૩ બોટલનો નાશ કરવામાં આવ્યો છે. ગોડાઉન ધારકોને આરોગ્ય પ્રદ સ્થિતિ જાળવી રાખવા માટે પણ સુચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં રસીકભાઈ ચેવડાવાળા, અંબીકા ફરસાણ, સાગર ફરસાણ, પાયલ ડેરી ફાર્મ, બજરંગ ફરસાણ, જ્યુબેલી ચોકમાં આર.ગોરધનભાઈ, યશવંતભાઈ ચેવડાવાળા, પારેવડી ચોકમાં અંબીકા ફરસાણ, બાલાજી ફરસાણ, ભારત ફરસાણ, પેડક રોડ પર રાધેશ્યામ ડેરી, વિજય ફરસાણ, મયુર ફરસાણ, ન્યુ ભારત ફરસાણ, શ્રીનાથજી ફરસાણ, જલારામ ફરસાણ, વરીયા ફરસાણ અને શ્રીજી ફરસાણ સહિત કુલ ફરાળી વાનગી વેંચતા ૧૮ વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પારેવડી ચોકમાં ભારત ફરસાણમાંથી ૩ કિલો દાઝયા તેલનો નાશ કરવામાં આવ્યો હતો.