એસોસિએશનનાં પ્રમુખ રાજુભાઈ નંદવાણીનું કોરોનાનાં કારણે અવસાન થતા શ્રદ્ધાંજલીરૂપે દુકાનો બંધ કરવાનો નિર્ણય
સૌરાષ્ટ્ર-કચ્છ સસ્તા અનાજ દુકાન એસોસીએશનનાં પ્રમુખ રાજુભાઈ નંદવાણીનું કોરોનાનાં કારણે અવસાન થતા સસ્તા અનાજની દુકાનો આગામી રવિવારે બંધ રાખી તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવશે તેવી એસોસીએશને જાહેરાત કરી છે.
જુનાગઢમાં રહેતા અને સૌરાષ્ટ્ર-કચ્છ એફપીએસ એસોસીએશનનાં પ્રમુખપદે સુપેરે ફરજ બજાવતા તેમજ જુનાગઢ મહાપાલિકાનાં સભ્ય એવા રાજુભાઈ નંદવાણીનું કોરોનાનાં કારણે અવસાન થયું છે. તેઓએ સસ્તા અનાજનાં દુકાનદારોનાં હકક માટે અનેક વખત અવાજ ઉઠાવ્યો છે અને સરકાર સામે બાયો ચઢાવીને લડત આપી છે.
તેઓની અનેક લડતમાં એસોસીએશનને સફળતા મળી છે. તેઓને કોરોના પોઝીટીવ આવતા રાજકોટ સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા. અહીં ટુંકી સારવાર બાદ તેઓએ દમ તોડતા સસ્તા અનાજ એસોસીએશનમાં શોકની લાગણી છવાઈ છે.
રાજુભાઈ નંદવાણીને શ્રદ્ધાંજલી આપવા અર્થે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં સસ્તા અનાજનાં દુકાનદારો આગામી રવિવારનાં રોજ બંધ પાળવાનાં છે જેને ધ્યાને લેવા કાર્ડધારકોને રાજકોટ જિલ્લા સસ્તા અનાજ એસોસીએશનનાં પ્રમુખ નરેન્દ્રભાઈ ડવે અનુરોધ કર્યો છે.