ખાનગી મેળાઓ ઉપર પણ રોક, ગણેશ મહોત્સવની ઉજવણી પણ ઘર બેઠા જ કરવી પડશે : કોઈ પણ સામાજીક કે ધાર્મિક મેળાવડા નહિં યોજી શકાય
રાજકોટવાસીઓનો રંગીલો લોકમેળો આ વર્ષે નહિ યોજાઈ. જિલ્લા કલેકટર દ્વારા આ અંગે સતાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. વધુમાં ખાનગી મેળાઓ ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. સાથે ગણેશ મહોત્સવની ઉજવણી પણ ઘરબેઠા કરવાનું પ્રજાજોગ જિલ્લા કલેકટરે જાહેર કર્યું છે.
જન્માષ્ટમી નિમિત્તે રેસકોર્સ ખાતે યોજાતા લોકમેળામાં દરરોજ લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડી મેળાની મોજ માણતા હોય છે.
હાલની વર્તમાન સ્થિતિમાં આ મેળો ન યોજી શકાય તે સ્વાભાવિક છે. છેલ્લા ઘણા સમયથી લોકમેળો ન યોજાઈ તેવી અટકળો વહેતી થઈ હતી. ત્યારે જિલ્લા કલેકટર રેમ્યા મોહને કહ્યું હતું કે મેળાની પરવાનગી આપવી કે નહીં તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. હવે જન્માષ્ટમી નજીક આવી હોય અને કોરોનાનો કહેર ઘટવાને બદલે વધ્યો હોય જિલ્લા કલેકટર દ્વારા મેળાઓ નહિ યોજવાનો નિર્ણય લીધો છે.
આ અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે રાજકોટમાં યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શકતા હોય મેળો યોજવો સંભવ નથી. લોકમેળા ઉપરાંત ખાનગી મેળાઓ પણ યોજવા દેવામાં આવશે નહિ. આ સાથે ધાર્મિક સ્થળોએ પણ જે નાના મેળાઓ થાય છે. ત્યાંના વહીવટકર્તાઓ સાથે તંત્ર દ્વારા બેઠક કરીને તેઓને મેળાઓ ન યોજવાની સૂચના આપવામાં આવશે.
વધુમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે ગણેશ મહોત્સવ પણ લોકોએ ઘરે રહીને જ ઉજવવાનો રહેશે. કોઈને ભીડ એકત્ર કરવા દેવામાં આવશે નહિ. આ ઉપરાંત કોઈ પણ ધાર્મિક કે સામાજિક મેળાવડાઓ જમાવવા દેવામાં આવશે નહિ.
ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા જતા કેસને પગલે રંગીલા રાજકોટનો રંગીલો મેળો ૫૦ વર્ષમાં પ્રથમ વાર રદ થયો છે. તેની સાથે નાના- મોટા ખાનગી મેળાઓ પણ બંધ રહેવાના છે. ૫ દિવસીય મેળામાં અંદાજે ૧૦ લાખ લોકો આવતા હોય છે. આ મેળાથી ઘણા લોકોને રોજીરોટી પણ મળતી હોય છે. ત્યારે આ મેળાનું આયોજન રદ કરાતા અનેક લોકોને ફટકો પડવાનો છે.
કોરોના હજુ અનેક તહેવારો બગાડશે
કોરોનાની મહામારી અનેકવિધ તહેવારો બગાડવાની છે. જેમાં જન્માષ્ટમી નિમિતે મેળાઓ તો બંધ રાખવાની સતાવાર જાહેરાત થઈ ગઈ છે. સાથે ગણેશ મહોત્સવની ઉજવણી પણ ઘર બેઠા જ કરવાનું જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરાયુ છે. હવે સ્વતંત્રતા દિવસ, નવરાત્રી અને દિવાળી પણ બગડવાની છે. કારણકે ત્યાં સુધી મેળાવડાઓ ઉપર પ્રતિબંધ રહે તેવી પ્રબળ શક્યતાઓ છે.