અમરેલી, સોમનાથ, મોરબી, જામનગર, જુનાગઢમાં વધતું જતુ કોરોનાનું સંક્રમણ
રાજકોટમાં એક જ રાતમાં ૮ દર્દીઓએ દમ તોડયો: જામનગર-જુનાગઢમાં વધુ ૪નો વાયરસે ભોગ લીધો
સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ૨૪ કલાકનાં સમયગાળા દરમિયાન કોરોના વાયરસ બેકાબુ બન્યો હોય તેમ એક દિવસમાં રેકોર્ડબ્રેક ૨૧૨ પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટ હોસ્પિટલમાં એક જ રાતમાં જુદા-જુદા શહેરનાં ૮ દર્દીઓનો વાયરસે ભોગ લેતા સૌરાષ્ટ્રમાં એક દિવસમાં કુલ ૧૭ દર્દીઓના મોત નિપજયા છે. જુનાગઢ, જામનગર, અમરેલી, મોરબી અને ગીર સોમનાથમાં કોરોના સંક્રમણનાં કેસ સતત વધતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
રાજકોટ જિલ્લામાં ગઈકાલે શહેરી વિસ્તારમાં ૪૩ અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૨ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જયારે રાજકોટની જુદી-જુદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા જુનાગઢનાં રંજનબેન પરસોતમભાઈ ગજેરા, સુરેન્દ્રનગરનાં કમલેશભાઈ મીઠાભાઈ શાહ, સલીમભાઈ અજીઝભાઈ મકરાણી, મોરબીનાં મંજુલાબેન લાલજીભાઈ, સુરેન્દ્રનગરનાં હેમાક્ષી સતિષભાઈ શાહ, વઢવાણનાં કંચનબેન વાલજીભાઈ, જુનાગઢનાં કોર્પોરેટર અને સિંધી આગેવાન હાસાનંદભાઈ (રાજુભાઈ) નંદવાણી અને વાંકાનેરનાં મુકુંદભાઈ દોશીનું આજરોજ સારવાર દરમિયાન મોત નિપજતા કોરોનાની ક્રુરતા વધતી જતી હોવાનું જણાય રહ્યું છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણનાં કેસ વધતા જોવા મળી રહ્યા છે. ગોંડલ તાલુકામાં ૫, કોટડાસાંગાણીમાં ૩, જેતપુરમાં ૪ તેમજ ધોરાજી, લોધીકા, પડધરી, રાજકોટ રલમાં એક-એક પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. જુનાગઢ જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ બેફામ વધી રહ્યું છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં જુનાગઢ શહેરમાં ૧ અને વંથલી પંથકમાં ૩ દર્દીઓનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજયું છે. જયારે શહેરમાં વધુ ૧૯ અને જૂનાગઢ જિલ્લામાં ૩૧ પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. પોઝીટીવ આવેલા દર્દીઓમાં ગુજરાત સરકારનાં બાળ આરોગ્યનાં ડાયરેકટર અને મનપાનાં કોર્પોરેટર તથા જુનાગઢનાં પૂર્વ પાલિકા પ્રમુખ આરતીબેન જોશી, સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજનાં અગ્રણી અને સિનિયર ધારાશાસ્ત્રી પરેશભાઈ જોષી તથા મેડિકલ કોલેજનાં વધુ એક આરોગ્ય કર્મચારીનો પોઝીટીવ રીપોર્ટ આવેલા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના બેકાબુ બન્યો હોય તેમ એક દિવસમાં સૌથી વધુ ૨૨ પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારો કરતા શહેરી વિસ્તારોમાં કેસોની સંખ્યા વધતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યા ૬૦૦ને પાર પહોંચી છે. સુરેન્દ્રનગર, રતનપર અને વઢવાણ સહિતનાં શહેરી વિસ્તારોમાં તેમજ અલગ-અલગ તાલુકાઓમાં ૨૨ પોઝીટીવ કેસ નોંધાયા છે અને સુરેન્દ્રનગરનાં એક વૃદ્ધનું રાજકોટ સારવારમાં મોત નિપજયાનું જાણવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લાઓમાં જુનાગઢમાં ફરી કોરોનાએ પોતાનો પ્રકોપ દર્શાવ્યો છે. એક દિવસમાં સૌથી વધુ ૩૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે અમરેલી જિલ્લામાં પણ કોરોનાનાં વધુ ૧૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જામનગરમાં રાહતનો શ્ર્વાસ લેતા વધુ ૧૦, સોમનાથ જિલ્લામાં વધુ ૧૩ કોરોનાગ્રસ્ત અને મોરબી જિલ્લામાં ૮ પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે.
જુનાગઢનાં કોર્પોરેટરનું રાજકોટ ખાતે કોરોનાની સારવારમાં મોત
જુનાગઢ મહાનગરપાલિકાનાં કોર્પોરેટર તથા સસ્તા અનાજ વેપારી એસોસીએશનનાં સૌરાષ્ટ્રનાં પ્રમુખ તેમજ જુનાગઢ સિંધી કો.ઓપરેટીવ ક્રેડિટ બેંકનાં ડિરેકટર તથા સીંધી સમાજની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા રાજુભાઈ નંદવાણીનું આજે કોરોનાની લાંબી સારવાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું છે. રાજુભાઈ નંદવાણી છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું સારવારમાં મોત નિપજતા જુનાગઢ શહેરમાં અને સિંધી સમાજની સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓમાં શોક ફેલાઈ રહ્યો છે.
જુનાગઢ જિલ્લામાં ખુબ જ ઝડપથી વધી રહેલા કોરોનાનાં કેસને કાબુમાં લેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. કોરોનાનાં શંકાસ્પદ તેમજ એકટીવ કેસ શોધવા માટે ૫૦૦થી વધુ ગામ અને નગરપાલિકા વિસ્તારોમાં હાલ ૫૧૫ જેટલી ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યાનું તંત્રએ જણાવ્યું છે.
જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શન તળે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા મંગળવારે ૧૨ લાખથી વધુ વસ્તીને આવરી લેતી સર્વેલન્સની કામગીરી આદરી ૪૦,૧૦૩ લોકોનું સર્વેલન્સ કરાયું હોવાનો તંત્રએ દાવો કર્યો છે. જયારે આ તમામ કામગીરી એક સપ્તાહમાં જ પુરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.