ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે.
આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ. રાજકોટમાં રક્ષાબંધન માટે તૈયારીઓ પુરજોશમાં છે. જોહર કાર્ડ, જી બી જ્વેલર્સ સહિતના શોરૂમમાં વિશિષ્ટ રાખડીઓનું આગમન થઈ ચૂક્યું છે.
જેમાં ચાંદીની રાખડીની અવનવી ડિઝાઇન આકર્ષી રહી રહી છે. ભાભી માટેની લૂમ્બા રાખડીઓનું પણ વિશાળ કલેકશન જોવા મળે છે. આ ઉપરાંત હેપી રાખી લખેલી ચોકલેટ પણ ઉપલબ્ધ છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે રાખડી બાંધવાની સાથે ભાઈને શુભેચ્છા પાઠવતા કાર્ડનું પણ મહત્વ વધ્યું છે.
આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ. ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.