કાયદાના રક્ષણ કરનારાઓએ આંદોલનથી દૂર રહેવા તાકીદ

સરકારની ટીકા કરતી પોસ્ટ વાયરલ કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાશે

ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ માટે સોશ્યલ મિડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ વાયરલ કરવા સામે રાજયના પોલીસ વડા દ્વારા પ્રતિબંધ લાદી આચાર સહિતા લાગુ કરવામાં આવી છે. સોશ્યલ મિડિયા ઉપર સરકાર વિરૂધ્ધ ટીકા ટીપણી કરતી પોસ્ટ કરી અતિરેક કરનાર કાયદાના રક્ષકો ઉપર અંકુશ ફરમાવતો પરિપત્ર જારી કર્યો છે. પ્રતિબંધ ફરમાવતા પરિપત્રનો ભંગ કરનાર પોલીસ અધિકારી કે કર્મચારી સામે શિક્ષાત્મક પગલા લેવાના આદેશ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

રાજયના પોલીસ કર્મચારીઓ દ્વારા પગાર વધારા માટે સોશ્યલ મિડિયાના માધ્યમથી શરૂ કરાયેલી ઝુંબેશ સામે કડક માર્ગ દશિકા જારી કરવામાં આવતો રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પરિપત્ર બહાર પાડી સરકાર સામે બાયો ચડાવવાની ચળવળ ચલાવનાર પોલીસ અધિકાર અને કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો સ્પષ્ટ હુકમ કર્યો છે.

પોલીસ સ્ટાફ પાસેથી આઠ કલાકથી વધુ નોકરી લેવામાં આવે છે. શનિ-રવિ અને જાહેર રજાના દિવસોમાં લેવામાં આવતી નોકરી સામે પગાર ચુકવવામાં આવે છે પરંતુ પોલીસને હજી સુધી સાતમા પગાર પંચ લાગુ કરવામાં આવ્યું ન હોવા અંગે કેટલીક વાંધાજનક પોસ્ટ વાયરલ પોલીસ દ્વારા કરવામાં આવતી હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે તેઓ દ્વારા સરકાર વિરૂધ્ધ ગુપ્ત રીતે ચળવળ ચાલતી હોવાનું પોલીસ વડા શિવાનંદ ઝાના ધ્યાને આવતા પોલીસ અધિકારી અને કર્મચારી માટે આચાર સહિતા બાર પાડવામાં આવી છે.

પોલીસ કર્મચારીઓને હાલ કાયદા હેઠળ સરકાર વિરૂધ્ધ કોઇ પણ ટીપણી કરતી પોસ્ટ વાયરલ કરવા સામે પ્રતિબંધ હોવા છતાં કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા વોટસએપ ગૃપ બનાવી સોશ્યલ મિડિયાના માધ્યમથી વાયરલ કરતા હોવાથી પોલીસ કર્મચારીઓને ગેર માર્ગે દોરી હિંસક આંદોલન થાય તેમ જણાતા પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારી માટે આચાર સહિતા લાગુ કરવામાં આવી છે આચાર સહિતાનો ભંગ કરનાર પોલીસ અધિકારી કે કર્મચારી સામે શિક્ષાત્મક પગલા લેવાનો પણ ડીજીપી શિવાનંદ ઝાએ આદેશ જારી કર્યો છે.

શિક્ષકોને ૨૮૦૦નો પે ગ્રેડ સ્થગિત કરાયા બાદ સોશ્યલ મિડિયામાં પોલીસ કર્મચારીઓનો ગ્રેડ પે વધારવાની માગ સાથે ચાલી રહેલા આંદોલનને રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગેર બંધારણીય અને ખાખી યુનિફોર્મની વિરૂધ્ધની પ્રવૃતિ ગણાવી છે. તેઓએ જણાવ્યું કે પોલીસની નોકરી ગૌરવપ્રદ છે, તેના પર ડાગ લાગે તે ચલાવી લેવાશે નહી, પોલીસની નોકરીને દેશ-સમાજ સામે માટેની સેવા ગણાવી પોલીસે માત્ર પગારની ચિંતા કરનારે પોલીસની નોકરી ન કરવી જોઇએ તેમ જણાવ્યું હતું. બીજી તરફ પોલીસમાં જોડાયેલા એટલે કે એલઆરડીઓને ઉશ્કેરવાના ગુનામાં ગાંધીનગર સેકટર નંબર ૭ પોલીસે કમલેશ સોલંકી, ભોજા ભરવાડ અને હસમુખ સકસેનાની ધરપકડ કરી છે. નવા ધારાધોરણ મુજબ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ સોશ્યલ મિડિયા પર કોઇ રાજકીય નિવેદન અથવા અભિપ્રાય રજુ કરવાજોઇએ નહી કોઇ જુથ અથવા મંચોનો ભાગ ન હોય શકે પોલીસ ધર્મ, જાતિ અને પેટા જાતિને ઉશ્કેરણી થાય તેવી પોસ્ટ વાયરલ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જો કે આ બાબતે આઇબીના સક્ષમ અધિકારીને છુટ આપવામાં આવી છે.

પોલીસ અધિકારી અને કર્મચારીઓને સલાહ આપતા ડીજીપી શિવાનંદ ઝાએ રાષ્ટ્ર હીતની વિરૂધ્ધ ચાલી રહેલી તપાસ અથવા ભવિષ્ટની કામગીરી કામગીરી અંગે ટીકા ટીપણી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

રાજયમાં આ પૂર્વે પોલીસ દ્વારા યુનિયન બનાવવામાં આવ્યું હતું ત્યારે પણ સરકાર દ્વારા યુનિયનને વિખેરી નાખવા કાર્યવાહી કરી હતી. પોલીસ શિસ્તનો એક ભાગ છે જેના કારણે જ ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન થાય છે તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય તેમ હોવાથી પોલીસ દ્વારા યુનિયન બનાવવું કે સોશ્યલ મિડિયાના માધ્યમથી ઉશ્કેરણી થાય કે સરકાર વિરૂધ્ધ ચળવળ થાય તેવી પ્રવૃતિને ગેરબંધારણીય ગણવામાં આવી છે. આવી પ્રવૃતિમાં ભાગ લેનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્પષ્ટ આદેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.