ગુગલ જીઆઈએસ માધ્યમ થકી જમીનની ઈંચે-ઈંચની માહિતી મેળવી શકાશે
દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે અને મજબુત બનાવવા સરકાર વિદેશી રોકાણકારોને આમંત્રિત કરી રહી છે ત્યારે ભારતમાં જમીનની ખરીદી કરવા માટે સરકાર દ્વારા નવી પઘ્ધતિ વિકસાવવામાં આવી છે જેમાં કોઈપણ વિદેશમાં વસતા લોકો ઘર બેઠા ગુગલ જીઆઈએસની મદદથી ભારતની જમીનની ઈંચે-ઈંચની માહિતી મેળવી શકશે. બીજી તરફ વિદેશનાં રોકાણકારો ભારતમાં સહેલાઈથી જમીનની ખરીદી કરી શકે તે માટે વિદેશી કંપનીઓને આકર્ષવામાં પણ આવી રહી છે. વિડીયો કોન્ફરન્સીંગ મારફતે ભારતમાં જમીનની ખરીદી કરવા માટે હવે સરકાર જીઆઈએસ ટુલ્સની મદદ લેવામાં આવશે જેમાં ગુગલ અર્થ વ્યુહ મારફતે કોઈપણ વિદેશી રોકાણકાર જમીનની ખરીદી માટેની તમામ માહિતી એકત્રિત કરી શકશે. આવનારા સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થકી ભારત અમેરિકાનાં સંબંધો વ્યાપારીક રીતે વધુ મજબુત બનાવવા માટે વાટાઘાટો શરૂ કરાશે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં કુલ ૧૦૦થી ૧૫૦ જેટલી ચીજવસ્તુઓ અંગે વ્યાપાર કરવામાં આવશે જેથી આ તમામ ચીજવસ્તુઓ માટે ભારત અમેરિકાને દેશમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરી રહ્યું છે.
આત્મ નિર્ભર ભારત અભિયાન થકી મહતમ વિદેશી રોકાણકારોને ભારતમાં લાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય મુળનાં અને યુએસનાં પ્રતિનિધિ એવા અમી બેરાએ જણાવ્યું હતું કે, ફાર્મા મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં યુ.એસ.ની કંપની ભારતમાં રોકાણ કરવા માટે વિચાર કરી રહી છે અને તે દિશામાં યોગ્ય પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે. ફાર્મા ક્ષેત્ર માટે ભારત વિશ્ર્વનાં અનેક દેશો માટે ઉદાહરણરૂપ સાબિત થશે. વેકસીન બનાવવા માટે ભારત વિશ્ર્વનું સૌથી મોટુ દેશ છે ત્યારે ફાર્મા ક્ષેત્રમાં અમુલ તકો હોવાનાં કારણે અમેરિકા ભારત સાથે ફાર્મા ક્ષેત્રમાં હાથ મિલાવવા જઈ રહ્યું છે. ચાઈના બાદ વિશ્ર્વભરમાં જે ભરોસો ભારતે પ્રસ્થાપિત કર્યો છે તેનાથી માત્ર ફાર્મા ક્ષેત્ર જ નહીં પરંતુ અનેકવિધ ક્ષેત્રને તેની હકારાત્મક અસર જોવા મળશે અને ભારત આર્થિક રીતે મજબુત પણ થશે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્થાનિક કંપનીઓને વધુ પ્રોત્સાહન આપી મેક ઈન ઈન્ડિયાને વેગવંતુ બનાવવા માટે સરકાર હાલ વિચાર કરી રહ્યું છે.