સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો વ્યાપ વધતા આ સંક્ર્મણને નાથવા માટે વહિવટી તંત્ર દ્રારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે અને લોકોને કોરોનાથી બચવા સાવેચત કરવામાં આવી રહ્યા છે ત્યારે ધાર્મિક આસ્થા અને અનુષ્ઠાનનો મહિમા ધરાવતો પવિત્ર શ્રાવણ શરૂ થઇ ગયો છે. જેને લઇ શ્રધ્ધાળુઓમાં મહાદેવના મંદિરમાં જઇને ભક્તિ કરવાનો મહિમા છે.
પરંતુ ચાલુ સાલે કોરોનાનો સંક્રમણ વધતા સાબરકાંઠા કલેકટર શ્રી સી.જે.પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના પ્રસિધ્ધ અને શ્રધ્ધાળુઓ દર્શનાર્થે જાય છે તેવા ચાર મહાદેવ મંદિરના ટ્રસ્ટીગણ સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં કલેકટર સી.જે.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના ઇડર તાલુકાના જાદરમાં આવેલા મુધણેશ્વર મંદિર, આરસોડિયાનું સપ્તેશ્વર મંદિર, વિજયનગરનું શારણેશ્વર તેમજ હિંમતનગરના ભોલેશ્વર મંદિર ખાતે શ્રધ્ધાળુઓ વિશેષમાત્રામાં ઉપસ્થિત રહેતા હોય છે.
જેને લઇ કોરોનાના સંક્રમણ વધવાની શક્યતાને નકારી શકાય નહિ જેથી મંદિર સંપૂર્ણ પણ બંધ કરાય તો રોગચાળાને કાબૂમાં લઇ શકાય જેમાં તમામ મંદિરના ટ્રસ્ટી ગણે સહમતિ દાખવી હતી અને શ્રાવણમાં ખાસ કરીને સોમવારનું વિશેષ મહત્વ છે તે દરમિયાન કોઇપણ પ્રકારના મેળા કે આ સમયગાળામાં આવતા સાતમ અને જનમાષ્ટીના મેળાને પણ બંધ રાખવા માટે તૈયારી બતાવી હતી.
કલેકટર શ્રીએ શ્રાવણના પવિત્રમાસમાં શ્રધ્ધાળુઓને ઘરે જ આરાધના કરવાના અનુરોધ કર્યો છે.તેમ છંતા જો શ્રધ્ધાળુઓની લાગણી ન દુભાય તે માટે મહાદેવના દર્શન કરવા ઇચ્છતા ભક્તગણો કોરોના ગાઇડ લાઇનનો અમલ કરી ફરજીયાત માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટસીંગ સાથે દર્શનનો લ્હાવો લઇ શકશે.
નદિના તટે આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ચૌલક્રિયા, મૃત્યુ પછીના કર્મકાંડ સહિતની તમામ વિધીઓ તેમજ દશામાની તેમજ ગણેશ મૂર્તિ વિસર્જન નહિ કરી શકાય તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં અધિક કલેકટર શ્રી એચ.આર.મોદી તેમજ મંદિરના ટ્રસ્ટી ગણના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.