વોર્ડ નં.૧૩માં અવાર-નવાર ઝીંકાતા પાણીકાપના વિરોધમાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની આગેવાનીમાં આશ્ર્ચર્યજનક કાર્યક્રમ
કોર્પોરેશન દ્વારા એક યા બીજા કારણોસર શહેરના વોર્ડ નં.૧૩માં અવાર-નવાર પાણી કાંપનો કોરડો વિંઝવામાં આવે છે. જેના વિરોધમાં આજે વોર્ડના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ભર ચોમાસે લાદવામાં આવતા પાણીકાપના વિરોધમાં રણચંડી બનેલી મહિલાઓએ માટલા ફોડ્યા હતા અને થાળી વગાડી પાણીકાપનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સાથો સાથ બેનરો પણ ફરકાવ્યા હતા.
કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.૧૩માં અવાર-નવાર પાણીકાપ લાદવામાં આવે છે. વોર્ડના ખોડીયારપરા વિસ્તારમાં આજની તારીખે એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે. અનેક વિસ્તારોમાં અપુરતા કે વધુ પડતા ક્લોરીનેશનના કારણે પાણી દુર્ગંધયુક્ત કે, કળવું હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. ભર ચોમાસે આજે મહાપાલિકા દ્વારા વોર્ડમાં લાદવામાં આવેલા પાણી કાંપના વિરોધમાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરની આંગેવનાીમાં મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી. પાણીકાંપના વિરોધમાં મહિલાઓએ રોડ પર માટલાઓ ફોડ્યા હતા અને થાળી વગાડી પાણીકાપનો વિરોધ કર્યો હતો.
કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યું હતું કે, ભાજપના શાસકો લોકોને નિયમીત પાણી આપવામાં સદંતર નિષ્ફળ રહ્યાં છે. મેયર દ્વારા એવી જાહેરાતો કરવામાં આવે છે કે, શહેરીજનોને પુરતું પાણી અપાય છે પરંતુ આજની તારીખે શહેરના અનેક વિસ્તારોમાં નિયમીત પાણી વિતરણ કરવામાં આવતું નથી. એક યા બીજા કારણોસર છેલ્લા ઘણા સમયથી વોર્ડ નં.૧૩માં પાણીકાપ ઝીંકવામાં આવી રહ્યો છે. જેનાથી ગૃહિણીઓમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. પાણીકાપના વિરોધમાં આજે મહિલાઓ રણચંડી બની રસ્તા પર ઉતરી આવી હતી અને શાસકો સામે રોષપૂર્ણ બેનરો પણ ફરકાવ્યા હતા.