વિશ્વના આર્થિક પાટનગર સમાન હોંગકોંગ પર ચીનનો સામ્યવાદી પંજો વિશ્વ માટે સમસ્યા સર્જશે
૯૯ વર્ષ સુધી બ્રિટન પાસે લીઝ પર રહેલા હોંગકોંગની સ્વતંત્ર્તા ઉપર ડ્રેગને તરાપ મારી છે. ચીનને ૧૯૯૭માં બ્રિટને હોંગકોંગ પરત આપ્યું હતું. ત્યારબાદ ચીને યેનકેન પ્રકારે હોંગકોંગ ઉપર સામ્યવાદી સકંજો કસવા પ્રયત્નો કર્યા હતા. હોંગકોંગ વિશ્વના ટોચના આર્થિક કેપીટલ પૈકીનું એક છે. જ્યાંથી ખુબ મોટા આર્થિક ટ્રાન્જેકશન થતાં હોય છે. વિશ્વમાં ટોચના ૧૦ શેરબજારોમાં હોંગકોંગ પાંચમો ક્રમ ધરાવે છે. જેથી હોંગકોંગનો કારોબાર આખા વિશ્વ માટે જરૂરી છે. ત્યારે ચીન દ્વારા હોંગકોંગને ભરડામાં લેવા થતાં પ્રયત્ન સામે ઓસ્ટ્રેલીયા, કેનેડા બાદ હવે બ્રિટને પણ હુંકાર કર્યો છે.
બ્રિટને હોંગકોંગને અત્યાર સુધી ખાસ દરજ્જો આપતી સંધીઓ તોડી કાઢી છે. હોંગકોંગ સાથે ઝડપી આર્થિક વેપાર થાય તે માટે બ્રિટને કેટલીક રાહતો આપી હતી. આવી જ રીતે ઓસ્ટ્રેલીયા અને કેનેડાએ પણ હોંગકોંગ સાથે આગવી સંધીઓ ધરાવતા હતા. પરંતુ જ્યારથી ચીને હોંગકોંગમાં નવો સુરક્ષા કાયદો અમલમાં મુક્યો ત્યારથી વાત વણસી ગઈ છે.
નોંધનીય છે કે, ૨૦૧૫માં બ્રિટનમાં ડેવીડ કેમરોનની સરકાર સમયે ચીન અને બ્રિટન વચ્ચે સંબંધો ખુબ સારા હતા. પરંતુ ત્યારબાદ તબક્કાવાર આ સંબંધો બગડ્યા છે. જે હોંગકોંગને બ્રિટને પરત આપ્યું હતું તે હોંગકોંગને અપાયેલો ખાસ દરજ્જો છીનવી લેવાશે.
હોંગકોંગ વૈશ્વિક અર્થતંત્રના પાટનગર સમાન રહ્યું છે. મુક્ત વ્યાપાર માટે હોંગકોંગ ચાવીરૂપ ભૂમિકા ભજવતું આવ્યું છે. ચીન હોંગકોંગ ઉપર દાવો કરતું હોય ત્યારે ખુદ હોંગકોંગના નાગરિકો જ ચાઈનીઝ તરીકે ઓળખાવવા તૈયાર નથી. હોંગકોંગની પ્રજાને આઝાદી પસંદ છે. બીજી તરફ ચીનનું વલણ આઝાદી માટેનું નથી. ચીનનો સામ્યવાદી પંજો હોંગકોંગ ઉપર પડશે તો ભયંકર આર્થિક તકલીફોમાંથી વિશ્વને પસાર થવું પડશે.