દર્દીઓનો રાફડો ફાટતા તંત્ર દ્વારા ખાટલા ખાલી કરાવવા વહેલા ડીસ્ચાર્જ કર્યાનો આક્ષેપો
સમગ્ર ભારતમાં હાલમાં કોરોના કહેર વર્તાવ્યો છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યામાં એકાએક ઉછાળો આવ્યો છે અને સરેરાશ ૩૫ થી ૪૦ દર્દીઓ કોરોના પોઝિટિવ જાહેર થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફુટતા હવે તંત્ર દ્વારા ખાટલાની તંગી ઊભી ન થાય તે માટે ડિસ્ચાર્જની સંખ્યા વધારવામાં આવી હોવાનું કોરોનાના દર્દી દ્વારા આક્ષેપ પણ થઈ રહ્યો છે.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં દાખલ કરવામાં આવેલા એક મહિલાના પતિ એ પત્રકારોને જણાવ્યા અનુસાર તેમના પત્નીને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા અને બાદમાં ડિસ્ચાર્જ કરી સરકારી એમ્બ્યુલન્સ દ્વારા તેમના ગામમાં પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ આ મહિલાની તબિયત સારી ન હોવાથી અને બાદમાં વધુ લથડતા ફરી તેમને એડમીટ કરવા પડયા હોવાની સાથે મહિલાના પતિ તેમના દર્દી નાતંદુરસ્ત હોવા છતાં માત્ર ડિસ્ચાર્જ ની સંખ્યા વધારવા માટે જિલ્લાના આરોગ્ય વિભાગ, તંત્ર કે સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા ડિસ્ચાર્જ કરી દેવાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તો બીજી બાજુ કોરોના ગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ તેના એક પુત્ર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તબીબો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે, અને તેના પિતા ૧૧ દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા અને છેલ્લા ચાર દિવસથી તેમના પિતાની તબિયત અંગે પૂછપરછ કરતા તેમના પિતાની તબિયત સારી હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું અને એકા એક તેના પિતાનું મૃત્યુ થયું હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે તેના પિતાની તબિયત સારી હતી પરંતુ તંત્રની આરોગ્ય ટીમની બેદરકારીને કારણે તેના પિતાનું મોત થયા હોવાનો સનસનીખેજ આક્ષેપો થવા પામ્યો છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ૩૫ થી ૪૦ દર્દીઓ એકા ટિવ જાહેર થઈ રહ્યા છે અને સિવિલ હોસ્પિટલ તથા ભવનાથ ખાતે ઉભા કરાયેલા કોવિડ સેન્ટર અને શહેરમાં પર્સનલ હોમ તથા ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે બીજી તરફ કોરોના ગ્રસ્ત દર્દીઓને પણ મોટા પ્રમાણમાં ડીસ ચાર્જ કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોરોના ગ્રસ્ત થયેલા દર્દીના પરિવારજનો દ્વારા પૂરતી સારવાર આપ્યા સિવાય અને દર્દી સંપૂર્ણ સ્વસ્થ ન હોવા છતાં ડિસ્ચાર્જ કરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે.