કોરોનાનો કહેર વધતા તંત્ર કડક બન્યું
૩૧ જુલાઈ સુધી જાહેર કરાયેલા સુચનોનું પાલન નહીં કરનારા દંડાશે
કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધતા જૂનાગઢ જિલ્લામાં આરોગ્યના માપદંડ જાળવવા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાએ ૩૧ જુલાઈ સુધી દિશાનિર્દેશો લાગુ કર્યા છે. જેનું ફરજિયાતપણે પાલન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લાનાં એન્ટ્રી પોઈન્ટ પર વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. અહીં સુરત, અમદાવાદ, વડોદરા અને બહારનાં રાજ્યોમાંથી આવતા લોકોનુ સઘન ચેકીંગ કરવા સાથે કોરોનાના વ્યાપને રોકવા ૧૪ દિવસ ક્વોરાન્ટાઇન કરવામાં આવશે તથા જૂનાગઢ જિલ્લાના લોકોની સુખાકારી માટે આરોગ્ય વિષયક તમામ પગલા લેવાશે. તેમ જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘીએ જણાવ્યુ છે.
કોવિડ-૧૯ મહામારી રોકવા સરકાર દ્વારા તા. ૩૧ જુલાઈ સુધિ દિશા નિર્દેશો જારી કર્યા છે. આ દિશા નિર્દેશોના પાલન સાથે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વ્યાપને રોકવા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સાથે માસ્કનો ઉપયોગ ફરજીયાત કરવા તેમજ સેનીટાઇઝરના ઉપયોગ સહિતના અરોગ્યના માપદંડ જાળવવા જૂનાગઢ જિલ્લાના લોકોને જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘી, જિલ્લા પોલીસ વડા સૌરભસીંઘ અને જિલ્લા વિકાસ અધીકારી પ્રવિણ ચૌધરીએ અનુરોધ કર્યો છે.
જિલ્લાના તમામ જાહેર સ્થળોએ માસ્કથી મોં ઢાકવું ફરજિયાત છે. જેનું ઉલ્લંઘન કરનારને રૂ. ૨૦૦નો દંડ કરવામાં આવી રહયો છે. જાહેર સ્થળોએ કામના સ્થળોએ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવાનું છે. તેમજ જાહેર સ્થળોએ ૫ કે તેથી વધુ લોકોએ ભેગા ન થવા દેવા, કામકાજના સ્થળોએ બે શીફટ વચ્ચે જરૂરી અંતર રાખવું, જાહેર સ્થળોએ થૂંકવું ગુન્હો છે, કામકાજના સ્થળોએ પ્રવેશ અને બહાર નીકળવાના તમામ પોંઈટ તેમજ કોમન વિસ્તારોમાં થર્મલ સ્કેનીંગ, હેન્ડ વોશ, તથા હાથથી સ્પર્શ કર્યા વગર ઉપયોગમાં લઈ શકાય તેવા સેનીટાઈઝરની સુવિધા કરવા જણાવાયુ છે.
જિલ્લામાં રાત્રીના ૧૦ કલાક થી ૫ કલાક સુધી કર્ફયુંની કડક અમલવારી કરવામાં આવી રહી છે. જિલ્લામાં આવેલ તમામ હોટલ, રેસ્ટોરન્ટ, લારીઓ, ખાણીપીણીના સ્થળો, વાણંદની દુકાનો, બ્યુટી પાર્લર, બેન્કો, ગેરેજ, સહિતના તમામ દુકાનો એકમો સોશ્યલ ડિસ્ટન્સ અને સેનીટાઈઝેશનની તકેદારી રાખવાની છે. ખાસ કરીને ચા-પાનની દુકાન સહિતના સ્થળોએ એકઠા થતા તેમજ આરોગ્યના માપદંડના પાલનમાં બેદરકારી રાખનાર સામે જિલ્લાતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ જિલ્લા કલેકટરે જણાવ્યુ હતુ.
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કુલ પાંચસો જેટલા કેસ નોંધાયા છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ આરોગ્ય વિષયક ઘનીષ્ઠ પગલાઓ લેવામાં આવી રહયા છે. છેક અંદરના ગ્રામ્ય વિતારોમાં પણ મેડીકલ કેમ્પ યોજવા સાથે સ્વાસ્થય વર્ધક ઉકાળાનું વિતરણ સહિતના પગલાઓ લેવામાં આવી રહયા છે. આમ છતા કોરોનાના કેસ વધી રહયા છે, ત્યારે લોકો વધુ જાગૃત બનવા સાથે કોરોનાને રોકવા આરોગ્યના તમામ માપદંડ અંગે વિશેષ તકેદારી લે તે જરૂરી છે.
સમગ્ર જિલ્લામાં ઓડિટોરિયમ, ટાઉનહોલ, બગીચાઓ, ચોપાટી, સક્કરબાગ સહિતના તમામ પ્રવાસન સ્થળો બંધ છે. આવા સ્થળોએ લોકોને ન જવા જિલ્લા વિસ્તારમાં સમુહ લગ્નો, મેળાવડા તથા લોકમેળા કે જે પ્રસંગે મોટી વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહિ. ઉપરાંત સમગ્ર જિલ્લામાં લોક ક્લ્યાણ અને સલામતીને ધ્યાને લઈને ૬૫ વર્ષ થી વધુ ઉંમરની વ્યકિતઓ, બીમાર, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકોએ ઘરમાં જ રહેવું ફરજીયાત છે. આવશ્યક કામ માટે બહાર જવું પડે ત્યારે આરોગ્ય વિભાગના દિશા નિર્દેશોનું ખાસ પાલન કરવા અને આ તમામ નિયમો પગલા લોકોની સુખાકારી માટે લેવામાં આવી રહયા તેમા સહયોગી થવા જિલ્લા કલકેટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધીકારીએ યાદીમાં જણાવ્યું છે.