પાટીદાર અનામત આંદોલનની અસર તળે એક તબકકે લાગતું હતું કે કમળ મુરઝાઇ જશે!!
૧૮ વોર્ડ પૈકી ૧૭ વોર્ડની ૬૮ બેઠકોની મત ગણતરી પૂર્ણ થઇ ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ બંને ૩૪-૩૪ બેઠકો જીત્યા હતા: વોર્ડ નં.૬ની ચારેય બેઠકો પર કમળ ખિલતા ભાજપ સત્તા બચાવવામાં સફળ રહ્યું
વર્તમાન બોડીમાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને ખાસ સમિતિ ચેરમેનોની એક વર્ષની મુદત વધીને અઢી વર્ષ થઇ: ત્રણ ગણી બેઠકો વધી છતાં કોંગ્રેસ સક્ષમ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં રહ્યો નિષ્ફળ
રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની મુદત પૂર્ણ થવાના આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયસર યોજાશે કે કેમ? તેની સામે પણ અનેક પડકારો સર્જાયા છે રાજય ચૂંટણી પંચ દ્વારા સમયસર ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહાપાલિકાની હદ વધારવાની દરખાસ્તને પણ બહાલી આપી દેવામાં આવી છે. વોર્ડ અને બેઠકોની સંખ્યા પણ જાહેર કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૧૫માં યોજાયેલી મહાપાલિકાની સામાન્ય ચૂૂંટણીના પરિણામોની વાત કરવામાં આવે તો પરિણામ એટલે હદે રોમાંચક રહ્યા હતા કે નબળા હ્રદય વાળા વ્યકિત પરિણામનું ઉતાર ચઢાવ પણ જોઇ શકે તેમ ન હતાં શહેરના ૧૮ વોર્ડ પૈકી ૧૭ વોર્ડની ૬૮ બેઠકોની મત ગણતરી પૂર્ણ થઇ ગઇ ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પત્ર ૩૪-૩૪ બેઠકો પર વિજેતા બન્યા હતા સત્તાના સિંહાસન માટે હવે એક માત્ર વોર્ડ નં.૬ ની ચાર બેઠકોના પરિણામ પર મદાર હતો. આ વોર્ડના મતદારો જેના પર રીઝે તે પક્ષને મહાપાલિકાનું સિંહાસન પણ થાય, મત ગણતરીના છેલ્લા રાઉન્ડ સુધી દિલ ધડક ઉતાર-ચઢાવ બાદ અંતે વોર્ડ નં.૬ ની ચારેય બેઠકો પર કમળ ખિલતા ભાજપ સત્તા બચાવવામાં સફળ રહ્યું હતું. એક દશકા બાદ ફરી સત્તા સુખ મળી રહ્યાના કોંગ્રેસના સપના ચકનાચુર થઇ ગયા. સામો કાંઠો ભાજપને પાર ઉતારવામાં મહત્વપૂર્ણ બની રહ્યો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુકત કાર્યકારી અઘ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાતમાં પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે શરૂ કરેલું આદોલન વર્ષ ૨૦૧૫માં ચરમસીમા પર હતું અને આ વર્ષ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા તથા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપે ખાસી એવી નુકશાની વેઠવી પડી હતી. અને કોંગ્રેસને બહુ મોટો ફાયદો થયો હતો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં કોંગ્રેસનું બુલડોઝર ફરી વળ્યું હતું. જો કે શહેરી મતદારોનો ઝુકાવ કમળ તરફી યથાવત રહેતા રાજયની મહાપાલિકાઓમાં સત્તા ટકાવી રાખવામાં ભાજપ સફળ રહ્યું હતું. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં ભાજપે આસાની જ બહુમતિ હાંસલ કરી લીધી હતી. પરંતુ ગુજરાતના રાજકારણના એપી સેન્ટર એવા રાજકોટમાં બહુમતિ હાંસલ કરવામાં ભાજપને મોઢે ફીણ આવી ગયા હતા કોઠારીયા અને વાવડી ગામનો મહાપાલિકામાં સમાવેશ તથા સ્થાનીક સ્વરાજયની જ ચૂંટણીમાં મહિલાઓને ૫૦ ટકા અનામતની જોગવાઇ બાદ પ્રથમ વખત યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીનું પરિણામ એવું તો રોમાંચક રહ્યું હતું કે જાણે ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાનનો મેચ ચાલતો હોય.
શહેરના ૧૮ પૈકી ૧૭ વોર્ડની ૬૮ બેઠકોની મત ગણતરી પૂર્ણ થઇ ગઇ હતી. ભાજપ ૩૪ બેઠકો પર અને કોંગ્રેસ પણ ૩૪ બેઠકો પર જીત મેળવી ચૂકયું હતું. હવે એક માત્ર વોર્ડ નં.૬ ની ચાર બેઠકો માટે મત ગણતરી બાકી હતી. સાંમા કાંઠો કાયમ માટે ભાજપને ગઢ રહ્યો છે. પરંતુ ર૦૧રની વિધાનસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાં આવતી રાજકોટ પૂર્વની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. બીજી તરફ તમામ વોર્ડના પરિણામ પર રિતસર પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી હતી. શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયા, ઉપરાંત રાજુભાઇ બોરીચા, જે.ડી.ડાંગર, અશ્ર્વિન પાંભર જેવા કદાવર નેતાઓ પણ હારી ચૂકયા હતા. આવામાં ગઢ હોવા છતાં વોર્ડ નં.૬નું પરિણામ શું આવશે તે કહેવું કે કડવું રાજકીય પંડિતો માટે મુશ્કેલ બની ગયું. વોર્ડના ૬ ની મત પેટીઓ ખુલતાની સાથે જ ઉમેદવારો કે રાજકીય અગ્રણીઓ તો ઠીક રાજકોટવાસીઓના જીવ પણ અઘ્ધર તાલ થઇ ગયા. મત ગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપે લીડ હાંસલ કરી લીધી જો કે પરિણામ અંગે હજી એટલી જ રોમાંચકતા યથાવત હતી જેટલી મતપેટી ખુલતા પૂર્વ હતી. મત ગણતરી પૂર્ણ થતાની સાથે જ ભાજપના ચારેય ઉમેદવાર દલસુખભાઇ જાગાણી, દેવુબેન જાદવ, મુકેશભાઇ રાદડીયા અને સજુબેન કલોતરા વિજેતા બન્યા. વોર્ડ નં. ૬ ના મતદારોએ કમળ પર પસંદગીનું કળશ ઢોળતા ભાજપ સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યું. વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ ની ટર્મ માટે જે ભાજપે ૬૯ પૈકી ૫૮ બેઠકોની તોતીંગ લીડ સાથે શાસન ભોગવ્યું હતું. તે ભાજપ માટે હવે ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી પાંચ વર્ષની ટર્મમાં માત્ર ચાર બેઠકોની પાતળી બહુમતિ સાથે સત્તા ભોગવવાની હતી.
૨૦૧૫ની કોર્પોરેટરની ચૂંટણીના પરિણામોમાં શહેરના મોટાભાગના વોર્ડમાં પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી હતી ભાજપના ધુરંધરોને પ્રજાએ ધુળ ચાંટતા કરી દીધા હતા. તો બીજી તરફ જેને કોઇ પોતાના વિસ્તારમાં પણ વ્યવસ્થિત ઓળખતા ન હતા તેવા કોંગ્રેસના કેટલાક ઉભરતા નેતાઓ ચૂંટણી જીતી ગયા અને કોર્પોરેટર બની ગયા. પ્રજાએ કોંગ્રેસને એક સક્ષમ વિપક્ષ બનાવી કોર્પોરેશનમાં મોકલ્યો છતાં પાંચ વર્ષમાં કોંગ્રેસ વિરોધપક્ષની ભૂમિકા ભજવવામાં ઉભો ઉતર્યો હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. આ વખતે મહાપાલિકાની હદમાં નવા ચાર ગામો માધાપર, મુંજકા, મોટામવા અને ઘંટેશ્ર્વર ભળ્યા છે વિસ્તાર ચોકકસ વઘ્યો છે પણ વોર્ડ કે બેઠકો ન વધતા આગામી ચૂંટણીના પરિણામો પણ રોમાંચક રહે તેવું લાગી રહ્યું છે. વર્તમાન બોડીમાં મેયરની માફક રાજય સરકારે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તથા ખાસ સમિતિઓના ચેરમેનની મુદત એક વર્ષથી વધારી અઢી વર્ષ કરી નાંખી હતી.
બે બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઇ જે જીતવામાં ભાજપ રહ્યો સફળ
કોર્પોરેશનની વર્તમાન બોડીમાં બે વર જનરલ બોર્ડ ખંડિત થયું હતું. બે વાર પેટા ચૂંટણી આવી જેમાં ભાજપ જીતવામાં સફળ રહ્યું. વોર્ડ નં.૪ ના કોંગ્રેસના કોર્પોરેટર અર્જુનભાઇ ડાંગરના અકાળે અવસાનના કારણે આ વોર્ડની એક બેઠક ખાલી પડી જેના માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરેશભાઇ પીપળીયા જીત્યા અને ભાજપની સભ્ય સંખ્યા ૩૮ થી વધુ ૩૯ થઇ દરમિયાન વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતીનભાઇ રામાણીએ કોંગ્રેસનો સાથ છોડી નગર સેવક પદેથી રાજીનામુ આપ્યું તેઓ ભાજપમાં જોડાયા, વોર્ડ નં.૧૩ ની એક બેઠક માટે પેટા ચૂંટણીમાં નીતીન રામાણી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઇ ફરી નગરસેવક બન્યા. આમ બે વાર યોજાયેલી પેટચ ચૂંટણીમાં કોંગ્રેસને બે બેઠકોની વધી આ ઉપરાંત વોર્ડ નં.૧૮ ના કોંગી નગરસેવિકા ધર્મીષ્ઠા મયુરસિંહ જાડેજા જનરલ બોર્ડની ત્રણ બેઠકોમાં સતત ગેરહાજર રહેતા તેઓને કોર્પોરેટર પદથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જો કે હાલ આ વિવાદનો હાલ કોર્ટ કેસ ચાલી રહ્યો છે. જેના કારણે મહાપાલિકામાં ૭ર નહી પરંતુ ૭૧ કોર્પોરેટર મુજબ જ કામગીરી ચાલે છે.
પાતળી બહુમતિ છતાં ભાજપે કર્યુ વટભેર શાસન
રાજકોટ મહાપાલિકાની વર્ષ ૨૦૧૫માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને ૩૮ બેઠકો અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળી હતી. ચાર બેઠકોની પાતળી બહુમતિ સાથે ફરી શાસનધુરા સંભાળનાર ભાજપ સામે અનેક પડકારો હતા કોંગ્રેસ મજબૂત બનીને આવ્યું હતું. પોતાના બે ચાર કોર્પોરેટરો તુટે તો પણ મહાપાલિકા હાથમાંથી સરકી જાય તેવી દહેશત પણ જણાતી હતી કોઇ સભ્ય બળવો ન કરે તેની પણ સતત તકેદારી રાખવાની હતી. છતાં ભાજપે પાતળી બહુમતિ સાથે પણ વટભેર શાસન કર્યુ હતું. સ્ટેન્ડીંગ કમિટીની બેઠક હોય કે જનરલ બોર્ડ એક પણ વખત કયારેય એવું લાગ્યું ન હતું કે ભાજપ પાસે પાતળ બહુમતી છે પોતાની મરજી મુજબ બોર્ડ ચલાવું અને દરખાસ્ત પણ મંજુર કરાવી. જો આટલી પાતળી બહુમતિ સાથે કોંગ્રેસ સત્તા પર આવ્યું હોત તો ભાજપ કે પુરૂ એક વર્ષ પણ કોંગ્રેસને શાસન ચલાવવા દીધું ન હોત તેવી ચર્ચા પણ લોકમુખે થતી હતી. વર્તમાન બોડીની પાંચ વર્ષ પૈકી સાડાચાર વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આટલા સમયગાળામાં એક પણ વખત પાતળી બહુમતિ છતાં ભાજપના શાસન પર કોઇ સામાન્ય ખતરાનો ઓછાયો પણ પડયો નથી.
બાહુબલીઓ આખી પેનલ સાથે જીત્યા જેથી ભાજપ સત્તામાં આવ્યો
ભાજપના બાહુબલી નેતાઓ ૨૦૧૫ની ચૂંટણીમાં પોતાની તાકાતના અત્યારે આપી પેનલને વિજેતા બનાવવામાં સફળ રહ્યા જેના કારણે ફરી મહાપાલિકામાં કમળ ખીલ્યુ તેવું રાજકીય પંડિતોનું માનવું છે. વોર્ડ નં.૧ માં બાબુભાઇ આહિર, વોર્ડ નં.પ માં અરવિંદભાઇ રૈયાણી અને અનિલભાઇ રાઠોડ, વોર્ડ નં.૭ માં કશ્યપભાઇ શુકલ, વોર્ડ નં.૮ માં નીતિનભાઇ ભારદ્વાજ, વોર્ડ નં.૯ માં કમલેશભાઇ મિરાણી અને વોર્ડ નં.૧૪ માં ઉદયભાઇ કાનગડ તથા ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય જેવા સિનિયરો, પોતાની લોકપ્રિયતાના કારણે વોર્ડમાં આપી પેનલ એટલે કે ચારેય બેઠકો જીતાડવામાં સફળ રહ્યા હતા. જેના કારણે પાટીદાર આંદોલનની વ્યાપક અસર છતાં ભાજપ પાતળી તો પાતળી બહુમતિ સાથે ફરી સત્તામાં આવવામાં સફળ રહ્યું.
પ્રજાની કઠણાઇ: કોંગ્રેસ પાંચ વર્ષમાં બીજા વિપક્ષી નેતા પણ નકકી ન કરી શક્યો!!
વિરોધ પક્ષને લોકશાહીનો આત્મા ગણવામાં આવતો હોય છે, શાસકો સત્તાના મદમાં સાચા-ખોટા નિર્ણય લ્યે તો તેને અટકાવવાની જવાબદારી વિરોધ પક્ષની હોય છે. ૨૦૧૫ની ચૂંટણીમાં કોંગ્રેસ ૩૪ બેઠકો જીત એક મજબુત વિપક્ષ સાથે કોર્પોરેશનમાં આવ્યું હતું. ત્યારે એવું લાગતું હતું કે આ વખતે પંજો પાંચ વર્ષમાં કમળને હંફાવી દેશે પરંતુ પ્રજાની કઠણાઇ ગણો કે કમનસીબી આવું કશું થયું નહી. ટર્મના આરંભે જયારે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા તરીકે વશરામભાઇ સાગઠીયાની નિમણુંક કરી ત્યારે એવી ડંફાશો હાંફી હતી કે મેયરની મુદત પૂર્ણ થજતા વિરોધ પક્ષના નેતાની મુદત પણ પૂર્ણ થઇ જશે અને નવા નેતાની નિમણુંક કરી દેવામાં આવશે આજે મેયરની મુદત પૂર્ણ થયા બાદ મહિલા મેયર તરીકે બિનાબેન આચાર્ય સત્તારૂઢ થઇ ગયા છે બે વર્ષથી વધુ સમય વિતી ગયો હોવા છતાં કોંગ્રેસ વિરોધ પક્ષના નવા નેતા નકકી કરી શકયું નથી. એટલું જ નહી નીતીન રામાણીના રાજીનામા બાદ સ્ટેન્ડીંગ કમિટીના એક સભય તરીકે કોંગ્રેસે પોતાના એક નામ સુચવવાનું છે પણ આજ સુધી કોંગ્રેસ આ નામ પણ આપી શકી નથી જેના કારણે છેલ્લા ઘણા સમયથી સ્ટેન્ડીંગ કમિટી પણ ૧ર સભ્યોના બદલે ૧૧ સભ્યોથી ચાલી રહી છે.