હુમલો કરનાર શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી
કાલાવડના મકાજી મેઘપર ગામે વિજકર્મી ઉપર ૪ શખ્સોએ કેમ લાઈટ આપતા નથી. તેમ કહીને હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે જીબીઆ ધુઆફુઆ થઈ ગયું છે. જો આ ચારેય શખ્સો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.
પીજીવીસીએલની નિકાવા પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ઈજનેર મિલાથવાદી પોતાના સહકર્મચારીઓ સાથે ફરજ ઉપર મંગલપુર એજી ફીડરમાં ડેમેજ રિસ્ટોરેશનનું કામ કરવા ગયા હતા. ત્યારે મકાજી મેઘપરના હરપાલસિંહ લખુભા જાડેજા, લખધીરસિંહ લખુભા જાડેજા, આલાભાઈ મચ્છાભાઈ ભરવાડ અને એક અજાણ્યા શખ્સ દ્વારા તમે કેમ લાઈટ આપતા નથી તેમ કહીને ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી.
ત્યારબાદ વીજકર્મીને ઢીકા પાટુનો માર માર્યો હતો. આ ચારેય ઈસમો સામે જુનિયર ઈજનેર મિલાપ વાદીએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ જીઇબી એન્જીનિયર્સના સેક્રેટરી જનરલ બીપીનભાઈ શાહે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. અને જીબીઆના જામનગર વર્તુળ સચિવ એ.એમ. સોઢિયાએ પણ ચારેય શખ્સો વિરુદ્ધ ત્વરિત કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. વધુમાં જીબીઆએ જો ત્વરિત કાર્યવાહી નહિ થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.