કુદરતની મહેરબાની, સરકારની નીતિઓ અને ખેડૂતની દૂરંદેશીના કારણે અર્થતંત્રની કરોડરજ્જુ સમાન કૃષિ ટનાટન બની જશે
ભારત ખેતીપ્રધાન દેશ છે તેવું દરેક નાગરિકના મનમાં ઉતરી ચુકયું છે. આ વાત પણ વાસ્તવિક છે. અત્યાર સુધી દેશના અર્થતંત્રમાં ખેતી કે ખેતીને લગતી બાબતોનો ફાળો ૬૫ ટકા સુધીનો રહ્યો છે. એક રીતે એમ પણ કહી શકાય કે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ખેતી જ છે. આવા સમયે મહામારી વચ્ચે આખુ વિશ્વ જ્યારે મંદીના ભરડામાં હોવાનું જણાય છે ત્યારે દેશમાં મોદી સરકારની આગેવાની નીચે ખેતીના માધ્યમથી વિકાસ થશે તેવી અપેક્ષા છે.
આંકડા મુજબ છેલ્લા એક દસકામાં જે રીતે ખેતીનો વિકાસ થયો છે તેનાથી દોઢો વિકાસ હવેથી થશે. ૫ વર્ષ પહેલા ૯ ટકાના દરે ખેતીનો વિકાસ થતો હતો. હવે આ દર વધી ૧૩ ટકાએ પહોંચી જશે. આ પાછળ કુદરતની મહેરબાની એટલે કે, મેઘમહેર જવાબદાર છે. આવી જ રીતે વિસ્થાપિત થયેલા શ્રમિકો પણ હવે પાછા આવતા ખેડૂતોને રાહત થઈ છે. અહીં નોંધનીય છે કે, ચોમાસામાં વાવણી થઈ છે. મહામારીના કારણે શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા હતા. પરંતુ રોજગારીનો વિકલ્પ ન હોવાથી પરત આવવા લાગ્યા છે. જુલાઈ માસ સુધીમાં દેશમાં ૫.૮ કરોડ હેકટર પર વાવણી થઈ હોવાનું સામે આવ્યું હતું. જે ગત વર્ષની ૪ કરોડ હેકટરની સરખામણીએ ઘણી વધુ છે. જુલાઈ, ઓગષ્ટ દરમિયાન પણ વ્યવસ્થિત વરસાદ વરસશે તો ખેડૂતો માટે ચાંદી હી ચાંદી થઈ જશે.
નાણાકીય વર્ષ ૨૦૨૧માં કેન્દ્ર સરકારે અનાજ, કઠોળ અને તેલીબીયા માટે નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવ ૩ થી ૯ ટકા સુધી વધાર્યા હતા. ચાલુ વર્ષે ઉત્પાદન વધુ આવશે અને પુરતો ભાવ મળી રહેશે તો ખેડૂતોની આવકમાં વધારો થશે. જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં નાણાની તરલતા ઉભી થશે.
ખેડૂતોના હાથમાં નાણાં આવતા તરલતા વધશે
ચાલુ વર્ષે ચોમાસુ સારૂ હોવાની આશાએ વાવેતર સારૂ થયું છે અને આ વર્ષે તો બેની જગ્યાએ ખેડૂતો ત્રણ પાક લઈ શકે તેવી પણ શકયતાઓ છે. આવા સંજોગોમાં જો ખેડૂતોનો પાક સારો થશે અને યોગ્ય નાણા મળશે તો તેમના હાથમાં નાણા આવશે અને તેની સીધી અસર બજાર પર થશે. બજારમાં પણ તરલતા વધશે. ખેડૂતોની આવક વધારવામાં લઘુતમ ટેકાના નક્કી કરેલા ભાવ પણ ખુબ અગત્યનો ભાગ ભજવશે.
૨૧ ટકાના વધારા સાથે ૬૯૨ લાખ હેકટર જમીન પર વાવેતર
ચાલુ વર્ષે વાવેતરમાં જંગી વધારો થયો છે. ગત વર્ષે ૫૭૧ લાખ હેકટર જમીન પર ખરીફ પાકનું વાવેતર થયું હતું. જેની સરખામણીએ ચાલુ વર્ષે ૬૯૨ લાખ હેકટર જમીન પર પાકનું વાવેતર થયું હોવાનું આંકડા કહી રહ્યાં છે. જૂનથી ઓગષ્ટ વચ્ચે લોકડાઉન હળવું થતાં વાવેતરમાં પણ વધારો જોવા મળ્યો છે. એકંદરે એમ પણ કહી શકાય કે, કોવિડ-૧૯ની કોઈપણ અસર ખરીફ પાકના વાવેતર ઉપર જોવા મળી નથી.