વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરતમાં અંદાજે રૂ.૩૫ કરોડથી વધુના ખર્ચે કોવિડ હોસ્પિટલનું ઇ-ઉદ્ઘાટન

કોવિડ મહામારી સામે લડવા સુરતના નગરજનો માટે હાલ ૨૫૦૦ સરકારી અને ૮૦૦ ખાનગી એમ કુલ ૩૪૦૦ કોવિડ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે. આ સિવાય પણ આગામી સમયમાં જરૂર પડશે તો વધુ કોવિડ બેડ રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતની ૧૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલના ઈ-લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર ખાતેથી જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અંદાજે રૂ. ૩૫ કરોડથી વધુના ખર્ચે માત્ર ૧૫ દિવસમાં તૈયાર કરાયેલી સુરતની ૧૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઈ-લોકાર્પણ પ્રસંગે અધ્યક્ષ તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે હંમેશા આપત્તિને અવસરમાં બદલવાની ખૂમારી રાખી છે. તત્કાલિન મુખ્યમંત્રીઅને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત ખાતે આ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. આ નવીન હોસ્પિટલમાં ICU યુનિટ, ઓક્સિજનની લાઈન, અધ્યતન બિલ્ડીંગ જેવી આધુનિક સુવિધાઓ દર્દીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. કોરોના કાયમી નથી એટલે કોરોના બાદ આ હોસ્પિટલમાં બાળકો અને મહિલાઓ માટે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં કોરોના હારશે અને ગુજરાત જીતશે એવા પ્રયાસ સાથે આપણે સોશ્યલ ડિસ્ટંસિંગ, માસ્ક, હેન્ડ સેનિટાઈઝરના ઉપયોગથી લોકોમાં જાગૃતિ લાવીને સંક્રમણ અટકાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ.

રાજ્યમાં આજે વિવિધ જિલ્લાઓમાં કુલ ૭૫ હજાર કોવિડ બેડ, હોમ આઈસોલેશન જેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. એટલે કે સુરત સહિત ગુજરાતના લોકોએ કોરોના સામે ગભરાવાની જરૂર નથી પણ તેની સામે સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે. સુરત ખાતે હાલમાં કુલ ૨૫૦ વેન્ટીલેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને જરૂર પડશે તો વધુ વેન્ટીલેટર આપવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં ધન્વતરી રથ, આયુર્વેદીક દવાઓ અને હોમ આઈસોલેશનમાં રહેલા લોકોને પણ ઘરે ઘરે જઈને સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે. સુરત પાછું ખૂબ સુરત બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું હતું કે, સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા આજે કેન્દ્રના ત્રણ તજજ્ઞ ડોક્ટરોની ટીમ પણ સુરત અને અમદાવાદની મુલાકાતે આવી છે જેના માર્ગદર્શનથી આગળની વ્યૂહરચના ઘડવામાં આવશે તેમ જણાવી મુખ્યમંત્રીએ આ પ્રસંગે યુદ્ધના ધોરણે આ હોસ્પિટલને તૈયાર કરવા બદલ સૌને શુભેચ્છાઓ આપી હતી.

નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલે આ પ્રસંગે આ કપરા કાળમાં સુવર્ણ અક્ષરે લખી શકાય તેવી ૧૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલ માત્ર ૧૫ દિવસમાં જ તૈયાર કરવા બદલ મુખ્યમંત્રી સહિત તમામનો આભાર માન્યો હતો.  તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારની સંપૂર્ણ જવાબદારી છે કે સુરત સહિત રાજ્યના તમામ નાગરિકોને પૂરતી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા છેલ્લા ૧૭ સપ્તાહથી રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર કમીટીની બેઠક યોજવામાં આવે છે. જેમાં લેવાયેલ નિર્ણયોનો ત્વરિત અમલ કરવામાં આવે છે. ગત તારીખ ૧ જુલાઈનો રોજ મુખ્યમંત્રીએ સુરત ખાતે બેઠક યોજીને તાત્કાલિક અસરથી આ નવીન ૧૦૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો જે આજે મૂર્તિમંત થયો છે. સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમ જણાવી ખૂબ ટૂંકા ગાળામાં આ હોસ્પિટલ તૈયાર કરવા બદલ તમામ અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે સુરત ખાતેથી રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી  કિશોરભાઈ કાનાણી દ્વારા મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી વતી આ નવીન કોવિડ હોસ્પિટલની તક્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.