અમુક સેવકો ગાદિપતિ શ્યામ નારાયણ લંપટ હોવાનુ ગણાવી તેમના વિરોધમાં ઉતર્યા, અમુકે તેમની તરફેણ કરી સમગ્ર ઘટનાને કાવતરૂ ગણાવ્યું
વંથલીના ખોરાસામાં આવેલ સુપ્રિધ્ધિ વ્યંકટેશ મંદિરનાં ગાદિપતિ વિવાદમાં સપડાયા છે. અમુક સેવકોએ તેમને લં૫ટ ગણાવી તેમનો વિરોધ કર્યો છે તો અમુકે તેમની તરફેણ કરી સમગ્ર ઘટનાને કાવતરૂ ગણાવ્યુ છે.
વંથલી તાલુકાના ખોરાસા (આહિર) ગામે આવેલ ભગવાન વ્યંકટેશ મંદિરના ગાદીપતિ લંપટ શ્યામ નારાયણને મંદિરના પદ પરથી ઉતારવા અને કડક કાર્યવાહી કરવા અંગે આજરોજ વેરાવળના સેવકો દ્વારા પ્રાંત અઘિકારીને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવેલ છે. આ ઉપરાંત બે દિવસ પૂર્વે સોમનાથ દર્શનાર્થે આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ સેવકોએ આ બાબતે રૂબરૂ મળી આવેદન પત્ર પાઠવી ઘટતી કાર્યવાહી કરાવવા જરૂરી આદેશ આપવા માંગણી કરી હતી.
આજે વેરાવળમાં સેવકો કિરીટભાઇ ઉનડકટ, રમેશભાઇ ભુપ્તા, પ્રદિપભાઇ ઠકરાર, નાનુભાઇ ઉનડકટર, ભરતભાઇ ગઢીયા, સુરેશભાઇ ઉનડકટર, રોહીતભાઇ પટ્ટ, નિરંજનભાઇ ઉનડકટ, રાજુભાઇ ઠકરાર સહિતના સેવકોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, અમો સેવકો બધા અમારા દાદા-પરદાદાના વખતથી વૈષ્ણવ (તિરૂપતિ બાલાજી) રામનુજ સંપ્રદાય ધર્મ પાળીએ છીએ. છેલ્લા ઘણા લાંબા સમયથી વંથલી તાલુકાના ખોરાસા (આહિર) ગામે આવેલ ભગવાન વ્યંકટેશ મંદિરના હિત માટે મંદિરના ટ્રસ્ટીઓ વર્તમાન લંપટ ગાદીપતિ શ્યામનારાયણએ મંદિરની જગ્યા પચાવી પાડવા માટે ષડયંત્ર રચી કરેલ કોશીષની સામે કાયદાકીય લડાઇ લડી રહયા છે
પરંતુ હાલના ગાદિપતિ શ્યામનારાયણ સાધુના નામ પર કલંક હોય તેમ ગુંડા જેવું વર્તન કરી રહેલ છે. તાજેતરમાં આ લંપટ સ્વામી શ્યામનારાયણની એક હિન્દીભાષી મહિલા પાસે અભદ્ર માંગણી કરતો ઓડીયો કલીપ સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ હોય જે અમારા ઘ્યાને આવેલ છે.
આ ઓડીયો કલીપ સાંભળીને અમારી લાગણી તથા ધર્મ પ્રત્યેની આસ્થા દુભાણી છે.
જીગ્નેશભાઇ ભટ્ટ ( સેવક, પ્રાંચી તીથઁ) એ જણાવેલ કે પ્રાંચી તીથઁ ના તીથઁ ગોર અને ખોરાસા તીરૂ પતી મંદિરના સેવક છેલ્લા ૨૦ વષઁ થી આ જગ્યા સાથે સંકળાયેલા છે તેમજ તેમની સાથેના આજુબાજુના ૩૦ જેટલા ગામો પણ આ જગ્યા સાથે જોડાયેલા છે અને મહંત દ્વારા આ જગ્યાનો હાલ ઘણો વિકાસ કયોઁ છે અને આ જગ્યા પર હાલના મહંત જ શોભી શકે.
પ્રવિણભાઇ ગજેસરીયા ( સેવક, ધાવા ગીર ) એ જણાવેલ કે તાલાલા તાલુકાનાં સેવકગણ દ્રારા રોષ જોવા મળ્યો અને સ્વામીજી પવિત્ર અને સજ્જન મહંત છે અને બે લાખથી વધુ સેવકો આ જગ્યા સાથે જોડાયેલા છે અને જોડાયેલા રહીશું અને સંપૂણઁ સ્વામીજીના સમથઁન મા આવેદનપત્ર અપાયુ હતું.
અમૃતભાઇ ટાટમીયા ( સેવક, ધાવા ગીર) , એ જણાવેલ કે આ જગ્યાનો વિકાસ મહંતના આવ્યા પછી એટલો બધો વધ્યો છે કે અહી ભજન , ભોજન અને ભકિતનો અનેરો સંગમ બારેમાસ જોવા મળે છે .બહેનો દ્રારા દરરોજ સત્સંગ પણ અહી થાય છે દરેક તહેવારની પરંપરાગત ઉજવણી પણ અહી કરવામા આવે છે ત્યારે અમૂક વિધ્નસંતોષીઓ દ્વારા મંદિર તથા મહંતના વિરોધ કરવામા આવી રહ્યો છે જે કયારેય પણ સહન કરવામા નહી આવે અને લાખો સેવકો મહંતના સમથઁન મા છીએ અને રહીશું.