ટીસીએસ પણ ક્રિપ્ટોકરન્સી બજારમાં ઉતારવા સજ્જ: બીટકોઈન સહિતની ડિજીટલ કરન્સીની વિશ્વસનીયતા ઉપર પ્રશ્ન
ગઈકાલે ટ્વીટર એકાઉન્ટ હેક કરીને ક્રિપ્ટોકરન્સી માંગવાનું ષડયંત્ર હેકરોએ રચી કાઢ્યું હતું. આ ષડયંત્રમાં લાખો-કરોડોના ક્રિપ્ટોકરન્સી ચૂકવાઈ ગયા છે. હેકરોએ બીલગેટ્સ, એલન મસ્ક, બરાક ઓબામા સહિતની જાણીતી હસ્તીઓના એકાઉન્ટ હેક કરી તેમાં ૧૦૦૦ ડોલરના ૨૦૦૦ ડોલર કરી આપવામાં આવશે તેવા મેસેજ કર્યા હતા. આ મેસેજથી લાખો લોકો ભરમાઈ ગયા હતા અને કેટલાકે તો બીટકોઈન મોકલ્યા પણ હતા. આ ઘટના બાદ બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નોઉઠી રહ્યાં છે. જેના પરિણામે બીટકોઈનમાં ૨ ટકાનું ગાબડુ પડી ગયું હતું. અત્યારે બીટકોઈનનો આંતરરાષ્ટ્રીય ભાવ ૯૦૩૭ ડોલરનો છે. હવે જો બીટકોઈન આંતરરાષ્ટ્રીય બજારમાં ૯૦૦૦નો સપોટ તોડશે તો બીટકોઈન હજુ નીચે પટકાશે. એક સમયે લોકો માલામાલ થવા માટે બીટકોઈનની ખરીદી કરતા હતા. હવે બીટકોઈનનો ભાવ નીચે સરી રહ્યો છે. બીટકોઈન બાદ અનેક કંપનીઓએ પોતાની ડિજીટલ કરન્સી બજારમાં ઉતારી હતી. બીટકોઈનનો હિસાબ વૈશ્વિક સ્તરે રાખવો મુશ્કેલ છે ત્યારે કાળા નાણાની લેવડ-દેવડ પણ બીટકોઈનથી થઈ શકે તેવો ભય સરકારને હતો. આમ તો બીટકોઈન માટે અલગથી જ વોલેટ બનાવવામાં આવે છે છતાં પણ તેના પર હજુ વિશ્ર્વાસ કરવો લોકો માટે મુશ્કેલ છે. દરમિયાન ભારતીય ટીસીએસ પણ પોતાની ક્રિપ્ટોકરન્સી બજારમાં ઉતારવા તૈયારી કરી રહી છે. વર્તમાન સમયે બીટકોઈનની કિંમત ૯૦૦૦ ડોલરથી ઘટી ચૂકી છે. ધીમીગતિએ બીટકોઈનનું બજાર નીચે પટકાય તેવી ધારણા છે. ગઈકાલે હેકરોના કારણે લોકોએ ૧.૨૦ લાખ ડોલર ગુમાવ્યા હતા. આવી રીતે હેકરો દ્વારા બીટકોઈનને ખંડણી તરીકે માંગવાની વાત સામે આવતા બીટકોઈનની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉભો થયો છે. સાયબર એટેકમાં રહી ગયેલા છીંડા હવે ડિજીટલ કરન્સીને પણ જોખમમાં મુકી રહ્યાં છે. નવા જમાનાના ડાકુઓ ખંડણી તરીકે ક્રિપ્ટોકરન્સી માંગતા હોવાની વાત સામે આવતા હવે આવા ડાકુઓને રોકવા મુશ્કેલ છે.