ભારતીય ખેલાડીઓ ઓગસ્ટનાં ત્રીજા સપ્તાહથી ટ્રેનીંગ કેમ્પમાં જોડાશે
વૈશ્ર્વિક મહામારી કોરોના બાદ જે લોકડાઉનની સ્થિતિ જોવા મળી છે તેનાથી ખેલ જગતને ખુબ જ માઠી અસરનો સામનો કરવો પડયો છે. આઈપીએલનું જે આયોજન દર વર્ષે થતું હોય છે તેને મુલત્વી રાખવામાં આવ્યું હતું. કયાંક ખેલાડીઓનાં સ્વાસ્થ્યને પણ ધ્યાન લેવામાં આવ્યું છે. હાલ દુબઈ ખાતે ૨૬ સપ્ટેમ્બરથી ૬ નવેમ્બર સુધી આઈપીએલનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઈપીએલનાં આયોજન માટે ન્યુઝીલેન્ડે પણ રસ દાખવ્યો હતો પરંતુ બીસીસીઆઈએ તેમની પસંદગી દુબઈ પર રાખી છે. ભારત માટે બીસીસીઆઈ કોસ્ટ ઈફેકટીવ પણ માનવામાં આવે છે. એવી જ રીતે હાલ દુબઈની આર્થિક સ્થિતિ પણ અત્યંત ડામાડોળ જોવા મળી રહી છે ત્યારે આઈપીએલનું આયોજન થતા દુબઈ અને બીસીસીઆઈને તેનો ઘણો ફાયદો પણ પહોંચશે.
૨૬મી સપ્ટેમ્બરથી શરૂ થતા આઈપીએલમાં ઘણા નવા રંગરૂપ પણ જોવા મળશે અને જે રીતે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનું પણ યથાવત રીતે પાલન કરાશે. દુબઈમાં સપ્ટેમ્બરથી નવેમ્બર માસ દરમ્યાન ઠંડી તથા ગરમી ઓછી હોય છે જે ક્રિકેટનાં વાતાવરણ માટે અત્યંત સાનુકુળ અને પ્રતિકુળ સમય પણ માનવામાં આવે છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો દુબઈ સટ્ટોડીયાનું સ્વર્ગ અને મુખ્ય કેન્દ્ર છે ત્યારે ૨૬મી સપ્ટેમ્બરથી યોજાનારી ૧૩મી આઈપીએલ સિઝનમાં લંડનનાં સટ્ટોડીયાઓ દુબઈમાં ધામા નાખશે. બીસીસીઆઈ દ્વારા એશિયા કપને પણ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આઈપીએલ હવે માત્ર મનોરંજન નહીં પરંતુ અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટેનું એક માધ્યમ બની ગયું છે. દેશનાં અર્થતંત્રમાં જે રૂ પિયો ફરતો જોવા મળે છે તે કયાંકને કયાંક આઈપીએલનાં કારણે પણ ફરતો હોવાનું સુત્રો દ્વારા સામે આવ્યું છે. વૈશ્ર્વિક મહામારી કોરોનાથી જે આઈપીએલ ન રમાવવાના વાદળો ઘેરાતા હતા તે વાદળો હવે ઘટી ચુકયા છે અને બીસીસીઆઈ સહિત દુબઈને પણ ખુબ મોટો આર્થિક લાભ પણ થશે તેવું ચિત્ર પણ સામે આવ્યું છે. બીસીસીઆઈને એપેક્ષ કાઉન્સીલની મહત્વની બેઠક આજે યોજાનાર છે જેમાં ભારતીય ક્રિકેટનાં ભાવીને લગતા અનેકવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે જેમાં આગામી આઈપીએલ અને ડોમેસ્ટીક ક્રિકેટનો પણ સમાવેશ કરવાનું નકકી કરાશે. હાલ બીસીસીઆઈ તેના કરારબંધ ખેલાડીઓ માટે દુબઈમાં નેશનલ કેમ્પ યોજવાની પણ તૈયારી કરી રહ્યું છે ત્યારે બોર્ડ દ્વારા આ નિર્ણય એજ સમય દરમિયાન લેવામાં આવશે જયારે યુનાઈટેડ આરબ અમીરાત એટલે કે યુએઈને આઈપીએલની ૧૩મી સીઝનની યજમાની મળી જાય. જે અંગે આજે એપેક્ષ કાઉન્સીલની બેઠકમાં નિર્ણય લેવાશે.