ચોમાસુ પૂર્ણ થવામાં હજુ અઢી મહિના બાકી, સૌરાષ્ટ્રમાં આગામી ઉનાળા સુધી પાણીની ઘટ નહિ રહે
ગુજરાતમાં સરેરાશ માત્ર 35.32 ટકા જ વરસાદ નોંધાયો : સૌથી ઓછો નોર્થ ગુજરાતમાં 22.23 ટકા અને સૌથી વધુ કચ્છમાં 83.34 ટકા વરસાદ
સૌરાષ્ટ્રમાં ચોમાસાના માત્ર દોઢ મહિનામાં જ 64.39 ટકા વરસાદ નોંધાયો છે. જોકે હજુ ચોમાસાના અઢી મહિના બાકી હોય આગામી ઉનાળામાં પાણીની ઘટ નહિ રહે. આમ સૌરાષ્ટ્રમાં ખુબ સારો વરસાદ નોંધાયો છે. પરંતુ હવે મેઘરાજા હેતની બદલે કહેર વરસાવશે તો અતિવૃષ્ટિ સર્જાય તેવા પણ ભણકારા સંભળાય રહ્યા છે.
જૂન મહિનાથી શરૂ થયેલા ચોમાસામા મેઘરાજા એકંદરે સમગ્ર રાજ્યમાં મનમૂકીને વરસ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી.આ 35.32 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં વિસ્તૃત માહિતી જોઇએ તો કચ્છ વિસ્તાર 84.34 ટકા વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો છે. જ્યારે નોર્થ ગુજરાતની માહિતી જોઇએ તો પાટણમાં 25.12 ટકા, બનાસકાંઠામાં 19.40 ટકા, મહેસાણામાં 21 ટકા, સાબરકાંઠામાં 22.40 ટકા, અરવલ્લીમાં 20.89 ટકા અને ગાંધીનગરમાં 30.07 ટકા મળી નોર્થ ગુજરાતમાં 22.23 ટકા વરસાદ નોંધાયો છે.
ઇસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં અમદાવાદમાં 32.41 ટકા, ખેડામાં 28.51 ટકા, આણંદમાં 21.07 ટકા, વડોદરામાં 22.31 ટકા, છોટા ઉદેપુરમાં 18.58 ટકા, પંચમહાલમાં 22.23 ટકા, મહીસાગરમાં 24.13 ટકા, દાહોદમાં 12.57 ટકા મળી કુલ 22.89 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં જોઈએ તો સુરેન્દ્રનગરમાં 39.56 ટકા, રાજકોટમાં 57.95 ટકા, મોરબીમાં 57.83 ટકા, જામનગરમાં 98.76 ટકા, દેવભૂમિ દ્વારકામાં 154.18 ટકા, પોરબંદરમાં 105.58 ટકા, જૂનાગઢમાં 64.61 ટકા, ગીર સોમનાથમાં 58.69 ટકા, અમરેલીમાં 60.42 ટકા, ભાવનગરમાં 38.76 ટકા અને બોટાદમાં 56.29 ટકા વરસાદ નોંધાયો છે.
સાઉથ ગુજરાતમાં ભરૂચમાં 29.53 ટકા, નર્મદામાં 20.36 ટકા, તાપીમાં 18.41 ટકા, સુરતમાં 28.45 ટકા, નવસારીમાં 21.35 ટકા, વલસાડમાં 21.90 ટકા અને ડાંગમાં 22.86 ટકા મળી સરેરાશ કુલ 35.32 ટકા વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રની વિગતો જોઈએ તો સૌરાષ્ટ્રમાં 64.39 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હોય આવતા ઉનાળા સુધી પાણીની ચિંતા ટળી છે. જો કે પોરબંદર અને દેવભૂમિ દ્વારકામા 100 ટકાથી ઉપર વરસાદ નોંધાઇ ચુક્યો છે.
સૌરાષ્ટ્રના બે જિલ્લામાં અતિવૃષ્ટિ : દેવભૂમિ દ્વારકામાં સિઝનનો 154 ટકા અને પોરબંદરમાં 105 ટકા વરસાદ
સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્રના બે જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જે બે જિલ્લા દેવભૂમિ દ્વારકા અને પોરબંદર છે. દેવભૂમિ દ્વારકામાં સિઝનનો 154.18 ટકા વરસાદ પડી ગયો છે. જેમાં ભણવડમાં 123.78, દ્વારકામાં 157.95, કલ્યાણપુરમાં 142.41 ટકા, ખંભાળીયામાં 190.95 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે પોરબંદરમાં સીઝનનો 105.58 ટકા વરસાદ પડી ગયો છે.જેમાં કુતિયાણામાં 107.48 ટકા, પોરબંદરમાં 107.73 ટકા અને રાણાવાવમાં 101.75 ટકા વરસાદ નોંધાયો છે.