ધોરાજીના ભાદર-2 ડેમ પાસેની ઘટના : ડેમના બે દરવાજા ખોલાયા હોવા છતાં ત્યાંથી થોડા અંતરે જ લોકો માછીમારી કરતા નજરે પડ્યા
ધોરાજીમાં તંત્ર અંધારામાં હોવાની એક ઘટના સામે આવી છે. જેમાં ભાદર-2 ડેમમાં પાણી છોડવામાં આવ્યું હોવા છતાં નદીમાં ઉતરીને અમુક શખ્સો દ્વારા માછીમારી કરવામાં આવી રહી હતી. જો કે આ ઘટનાથી ઓફિસમાં બેસવા ટેવાયેલા અધિકારીઓને કોઈ જાણ ન હોવાનું જાણવા મળ્યું છે.
વરસાદને પગલે ભાદર-2 ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઇ હતી. જેથી ગત રોજ ભાદર-2 ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જો કે આ દરવાજા ખોલાતા પાણીનો ધસમસતો પ્રવાહ હેઠવાસમાં આવી રહ્યો હતો. તેમ છતાં નદીમાં ચારથી પાંચ શખ્સો જીવના જોખમે માછીમારી કરતા નજરે પડ્યા હતા. ભાદર નદી બે કાંઠે વહી રહી હતી. પાણીના ભારે પ્રવાહથી નદીએ જોખમી રૂપ ધારણ કર્યું હતું.
તેમ છતાં અમુક શખ્સો જીવના જોખમેં માછીમારી કરી રહ્યા હતા. જો કે આ વાત ઓફિસમાં બેસવા ટેવાયેલા તંત્રના વાહકોને ખબર ન હતી. પગ ઉપર પગ ચડાવીને બેસતા અધિકારીઓ આ ઘટનાથી અંધારામાં જ રહી ગયા હતા. ડેમના દરવાજા ખોલાયા હોવા છતાં માછીમારી કરી રહેલા લોકો કદાચ જો નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા હોત અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોન બનત તે પ્રશ્ન સર્જાયો છે.
ઉલ્લેખનીય છે કે ડેમના દરવાજા ખોલાયા તેને થોડા જ અંતરે માછીમારી કરવામાં આવી રહી હતી. હવે આગામી દિવસોમાં આવી ઘટના ન બને તેની અધિકારીઓ દ્વારા તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.