લોન મળતા વ્યવસાય ફરી પૂર્વવત થવાની જાગી હામ
સરકારની ૧ લાખની લોનની આત્મનિર્ભર યોજનાથી વડોદરામાં કટલેરીનો પથારો ચલાવી ગુજરાન ચલાવતા ધર્મિષ્ઠાબેન પ્રજાપતિ આત્મનિર્ભર બન્યા છે. કોરોના મહામારીના પગલે દૈનિક વ્યાપાર કે ધંધો કરીને કે દહાડી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા શ્રમિકોને લોકડાઉન દરમિયાન માઠી અસર પહોંચી હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર-રાજ્ય સરકારે મફત અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી હતી. જેથી કોઈ શ્રમિક-ગરીબને પોતાનું પેટ ભરવા માટે કોઈ મોટી તકલીફ ટળી હતી. લોકડાઉન દરમિયાન મોટાભાગના ધંધા-રોજગાર બંધ રહ્યાં. રોજગારી મેળવવી મુશ્કેલ બની ગઈ હતી. ગરીબ-મધ્યમ વર્ગની જે થોડી-ઘણી બચત હતી તે પણ લોકડાઉન દરમિયાન ઘરખર્ચમાં વપરાઈ ગઈ. આ સંજોગોમાં રાજ્ય સરકારે નાના વ્યવસાયકારો-કારીગર વર્ગ સહિતના સમુદાય માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ની જાહેરાત કરી, આ યોજનાથી આજે અનેક લોકોને બહુ મોટી રાહત મળી છે.
માત્ર બે ટકાના દરે રૂા.૧ લાખ રૂપિયાની લોન મળે. તેમાં પણ પ્રથમ છ માસ સુધી ધિરાણના હપ્તા ભરવામાંથી છૂટ! આ જ યોજનાના લાભાર્થી શ્રીમતી ધર્મિષ્ઠાબેન પ્રજાપતિ રૂા.એક લાખની લોન મળવાના આનંદ સાથે ધંધો-રોજગાર પુન: ધમધમવાનો વિશ્વાસ વ્યક્ત કરે છે.
લોકડાઉન દરમિયાન પડેલી મુશ્કેલી અને પોતાના વ્યવસાય વિશે વાત કરતા ધર્મિષ્ઠાબેન કહે છે કે, વડોદરા શહેરના માંડવી રોડ ઉપર કટલેરીના સામાનનો પથારો અને અન્ય સિઝનલ વ્યવસાય પણ કરું છું. પરંતુ કોરોના વાયરસની મહામારીના લીધે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. જેથી મોટાભાગના ધંધા-વ્યવસાય બંધ થઈ ગયા. આ પરિસ્થિતિમાં ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું.
થોડી નાણાંભીડનો પણ સામનો કરવો પડ્યો. આમ, થોડી-ઘણી મુશ્કેલીઓ સાથે આ સમય પસાર થઈ ગયો. તેવા સમયમાં રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી. આ યોજના હેઠળ લોન માટે શહેરના વાડી વિસ્તારની ભારત કો-ઓપરેટીવ બેન્કમાં અરજી કરી, અને ગણતરીના દિવસોમાં આ લોનની રકમનો ચેક મળી ગયો. તેમ તેમણે હર્ષની લાગણી સાથે જણાવ્યું હતું.
ધર્મિષ્ઠાબેન આ લોનથી મળનારી રાહતો અંગે વાત કરતા કહે છે કે, આ વ્રત તહેવારોના સમયગાળામાં કટલેરીની સાથે સાથે ભગવાનના શ્રૃંગારિત અવનવા વાઘા, ગણપતિની મૂર્તિ, વ્રતમાં વપરાતા પૂજાપાઓ સહિતની સામાનની ખરીદી કરી શકીશું. ઉપરાંત આ લોનના નાણાં ઘરખર્ચમાં પણ એટલા જ મદદરૂપ બની રહેશે.
આ યોજનાથી ખરેખર લોકોની ખૂબ માટી રાહત મળી રહી છે. સાથે જ તેમણે આ વિકટ પરિસ્થિતિમાં આ આર્થિક સહાય મળી તે માટે રાજ્ય સરકાર અને ભારત કો-ઓપરેટીવ બેન્કનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કર્યો હતો.