શાહ પાર્કના બોગસ તબીબ પાસેથી પોલીસે રૂ.૧,૦૪,૧૭૭ની તારીખ પૂર્ણ થયેલી દવાઓ કબ્જે કરી : બીજાના નામનું મેડિકલ પણ ચલાવતો’તો
મુળીના દેવપરા ગામે ૧૦ વર્ષથી માત્ર નવ ધોરણ ભણેલો ડીગ્રી વગરનો તબીબ ક્લિનીક ખોલી પ્રેકટીસ કરતો હોવાની જાણ થતાં મુળી પોલીસે દરોડો પાડી તબીબની ધરપકડ કરી રૂા.૧,૦૪,૧૭૭ની એલોપેથી દવા કબ્જે કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મુળીના દેવપરા ગામે ક્લિનીક ખોલી તબીબ પ્રેકટીસ કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.ના પી.આઈ. એસ.બી.સોલંકીએ, એ.એસ. આઈ. ઘનશ્યામ મસીયાવાએ દરોડો પાડી બોગસ તબીબ ગોવિંદ રણછોડ પઢેરીયા (ઉ.વ.૪૦) (રહે.શાહ પાર્ક સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી એલોપેથી દવાઓ કિંમત રૂા.૧,૦૪,૧૭૭ની કબ્જે કરી હતી. આ અંગે મુળી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, તાલુકા હેલ્થ ઓફિસર દર્શન પટેલને ધ્યાને આવતા પી.એચ.સી.ના ડો. પ્રિન્સિબા ચુડાસમાને લેખીતમાં જાણ કરી હતી. બનાવ અંગે એસ.ઓ.જી.ની ટીમને જાણ કરાતા પોલીસે દરોડો પાડ્યો હતો. આરોગ્ય ટીમની તપાસમાં પણ કોઈપણ જાતની ડીગ્રી વગર ૧૦ વર્ષથી એલોપેથિક દવા આપતો હતો અને મેડિકલ સ્ટોર પણ અન્યના નામે પોતે ચલાવતો હોવાનું ખુલવા પામ્યું હતું. જ્યારે મેડિકલ સ્ટોરમાંથી તારીખ પૂર્ણ થયેલી દવાઓ પણ મળી આવતા ડ્રગ ઈન્સ્પેકટર સુરેન્દ્રનગરને લેખીતમાં તાલુકા હેલ્થ ઓફિસરે જાણ કરી હતી.