તમામ ૧૮ વોર્ડમાં ૧૦૨ બાંધકામ સાઈટ પર મચ્છરોની ઉત્પતિ અંગે કોર્પોરેશનનું ચેકિંગ
જુલાઈ માસની ઉજવણી ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે કરવામાં આવી રહી છે. ત્યારે ચોમાસાની સીઝન દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરીયા જેવા રોગચાળાને વકરતો અટકાવવા માટે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના તમામ ૧૮ વોર્ડમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ૧૦૨ બાંધકામ સાઈટો પર મચ્છરોની ઉત્પતિ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૪૩ બાંધકામ સાઈટ પર મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતા બિલ્ડરો પાસેથી રૂા.૪૨૪૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ડેન્ગ્યુ અને મેલેરીયા રોગચાળાને વકરતો અટકાવવા માટે આજે શહેરના ૧૮ વોર્ડમાં ઝુંબેશના ભાગરૂપે ૧૦૩ બાંધકામ સાઈટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
દરમિયાન જીવરાજપાર્કમાં, કુવાડવા રોડ, ભગવતીપરા મેઈન રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયાધાર, શાંતિનગર, શિતલ પાર્ક, પાટીદાર ચોક, ગંગોત્રી મેઈન રોડ, યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્ક, મવડી, શ્યામ નગર મેઈન રોડ, ચીનોઈ રોડ, સખીયાનગર, ગીતાનગર, શ્રમજીવી સોસાયટી, પંચશીલ સોસાયટી, કુંડલીયા કોલેજ પાસે, ગોંડલ રોડ, રેલવે સ્ટેશન મેઈન રોડ, પરસાણાનગર, શ્રીનાથજી મેઈન રોડ, ગીતાંજલી મેઈન રોડ, ભગવતીપરા, લાતીપ્લોટ, દેવપરા, પેડક રોડ, રણછોડનગર, સંતકબીર રોડ, પાટીદાર ચોક અને અમૃતપાર્ક મેઈન રોડ પર ચાલતી ૪૩ બાંધકામ સાઈટ પર મચ્છરોનો ઉપદ્રવ મળી આવતા રૂા.૪૨૪૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.