‘શાખ’ બચાવવા કોણ મેદાન મારશે
બેઠકો માટે અનામત જાહેર થતાની સાથે જ અમુક નગરસેવકોના રિપીટના ચાન્સ ઘટી ગયા: ચાર ગામોના મોટા રાજકીય માથાને પણ સાચવવા પડશે: પ૦ ટકાથી વધુની ટિકિટ કપાશે: મહિલાઓ પર વધુ ખતરો
માધાપુર, મુંજકા, મોટા મવા અને ઘંટેશ્ર્વર ચાર ગામોને રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે ચાર ગામો ભવ્યા હોવા છતાં વોર્ડ કે બેઠકમાં વધારો ન થતા હવે સિટીંગ કોર્પોરેટરોની ટિકિટ પર જોખમ ઉભુ થયું છે. કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં કોણ બાહુબલી બની પોતાની ટિકીટ બચાવવામાં સફળ રહે છે. તેના પર અત્યારથી રાજકીય પંડિતો ચોગઠા ગોઠવવા માંડયા છે. ૩ર બેઠકો માટે અનામત જાહેર થતાની સાથે જ કેટલાક કોર્પોરેટરોએ પોતાની તલવારો અત્યારથી જ મ્યાન કરી લીધી છે. અને વોર્ડમાં પણ નિષ્કય થવા માંડયા છે. જયારે કેટલાકે પોતાના રાજકીય આકાઓનું શરણું પકડી લીધું છે. જેથી પોતે બીજી ટર્મમાં પણ ટિકિટ મેળવવામાં સફળ રહે મહિલાઓ પર થોડું વધુ જોખમ ઝળુંબી રહ્યું છે.
રાજકોટની હદમાં ચાર ગામો ભળ્યા હોવા છતાં શહેરી વિકાસ વિભાગ દ્વારા ૧૮ વોર્ડ અને ૭ર બેઠકો યથાવત રાખવામાં આવી છે હવે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ માટે માધાપર, મુંજકા, મોટામવા અને ઘંટેશ્ર્વર આ ચારેય ગામોના મોટા રાજકીય માથાઓને સાચવવા ફરજિયાત જેવું થઇ ગયું છે. જો તેઓને કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ આપવામાં ન આવે તો તે પક્ષ સામે બળવો કરે અને અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવે તો પક્ષને નુકશાની વેઠવી પડે, સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં ૫૦ ટકા મહિલા અનામતની જોગવાઇ હોવાના કારણે હાલ તમામ રાજકીય પક્ષ માટે ખુબ જ મર્યાદિત વિકલ્પ છે. વધારામાં ચાર ગામ ભવ્યા અને બેઠક પણ ન વધી તે ટેન્શન વર્તમાન બોર્ડીમાં ભાજપ ખુબજ પાતળી બહુમતિથી શાસન ચલાવી રહ્યું છે. જો કે બહુમતિ પાતળી હોવા છતાં પાંચ વર્ષમાં એકય વાર કયારેય શાસન પર જોખમ ઉભુ થયું નથી. અને કોંગ્રેસે ભાજપના શાસનને તોડવા માટેના પ્રયાસો પણ કર્યા નથી. ઉલ્ટાના કોંૅગ્રેસના ત્રણ નગર સેવક ઓછા થયા છે. નીતીન રામાણીએ પક્ષ પલ્ટો કર્યો જયારે વોર્ડ નં. ૪ ના કોંગી કોર્પોરેટરનું ચાલુ ટર્મમાં અવસાન થતા આવી પડેલી પેટા ચુંટણીમાં ભાજપની જીત થઇ અને વોર્ડ નં.૧૮ના નગરસેવિકા ધર્મીષ્ઠાબેન જાડેજા સતત ત્રણ બોર્ડમાં ગેરહાજર રહેતા હાલ ગેરલાયક ઠર્યા છે આ અંગે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
જે રીતે રાજકોટ મહાપાલિકાની હદમાં ચાર ગામોને સમાવેશ કરવાની દરખાસ્ત અને ત્યારબાદ વોર્ડ બેઠક અંગે શહેરી-વિકાસ વિભાગ દ્વારા ધડાધડ જાહેરનામા પ્રસિઘ્ધ કરાયા તેના પરથી હાલ એવું લાગે રહ્યું છે કે, ચૂંટણી સમયસર થશે જો આવું થશે તો આગામી બે થી ત્રણ માસમાં ચૂંટણીની તારીખોનું સત્તાવાર એલાન થઇ જશે.
વિસ્તાર વઘ્યો પણ બેઠક ન વધતા ભાજપ અને કોંગ્રેસના અડધો અડધ સિટીંગ કોર્પોરેટરો પણ ટિકિટનું જોખમ ઉભુ થયું છે. હવે કોણ ફરી હાઇકમાન્ડને મનાવી ટિકિટ લાવવામાં સફળ રહે છે. તો સમય જ બતાવશે જો કે ટિકીટ લાવ્યા બાદ પણ આ વખતે જીતવું લોઢાના ચણા સમાન બની રહેશે. કારણ કે કોરોનાથી લોકોમાં ભયનો માહોલ છે. આવામાં ચૂંટણી વખતે કોરોના કાળ પૂર્ણ થઇ ગયો હશે તો પણ લોકોના મનમાં પેસી ગયેલો ડર સરળતાથી નીકળશે નહીં. જેની અસર મતદાનની ટકાવારી પર સો ટકા પડશે સ્થાનિક ચુંટણીમાં ભલે રાષ્ટ્રીય સમસ્યાની બહુ વધારે પડતી અસર ન થતી હોય પણ વધતા ઓછા પ્રમાણમાં આવી સમસ્યા અસર તો ચોકકસ કરતી હોય છે. પાંચ વર્ષ દરમિયાન સતત લોકોની વચ્ચે રહી પ્રહરી તરીકે કામ કરનાર વ્યકિતને ફરી ટિકિટ મળશે તો તેને જીતવા માટે પક્ષે કે વ્યકિતએ વધુ મહેનત નહી કરવી પડે પણ અજાણ્યા ચહેરાને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે તો પક્ષ માટે મુસિબત સજાશે ૭ર માંથી ૪૧ બેઠકો અનામત જ છે રોકડી માત્ર ૩૧ બેઠકો હાથમાં છે આવામાં સીનીયરો, વર્ષોથી પક્ષ માટે કાળી મજુરી કરતા કાર્યકરોને સાચવવા જે ચાર ગામો ભવ્યા તેના રાજકીય માથાન પણ ટિકિટ આપવી રાજકીય પક્ષ માટે કપરા ચઢાણ સમાન બની રહેશે.
નીતીન ભારદ્વાજ, ઉદય કાનગડ અને ડો. જૈમન ઉપાઘ્યાય અગાઉ જ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી ચૂકયા છે અરવિંદ રૈયાણી ધારાસભ્ય બનતા કોર્પોરેટર પદ ત્યાગશે
ભાજપના કેટલાક સિનિયર કોર્પોરેટરો હવે કોર્પોરેશનની ચૂંટણી નહી લડે તેવી જાહેરાત કરી ચૂકયા છે. તો બીજી તરફ છેલ્લી ત્રણ કે ચાર ટર્મથી ચૂંટણી લડતા સિનિયરોને ઇચ્છા હોવા છતાં પક્ષ નિવૃત કરી દેશે સામા પક્ષે કોંગ્રેસમાં સિનિયરોને ટિકીટ અપાશે કે કપાશે તે અંગે હજુ કહેવું કે કળવું મુશ્કેલ છે. ભાજપના કદાવર નેતા નીતીનભાઇ ભારદ્વાજ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન ઉદયભાઇ કાનગડ અને પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય અગાઉ જ હવે મહાપાલિકાની ચૂંટણી નથી લડવી તેવી જાહેરાત કરી ચૂકયા છે તો અરવિંદભાઇ રૈયાણી હવે ધારાસભ્ય બની ગયા છે. અને હાલ તેઓ ધારાસભ્ય અને કોર્પોરેટર એમ બન્ને પર ભોગવી રહ્યા છે. કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં તેઓ નગરસેવકનું પદ છોડશે તે વાત ફાઇનલ છે. કમલેશ મીરાણી, અનિલ રાઠોડ, બાબુભાઇ આહિર, કશ્યપભાઇ શુકલ જેવા સિનિયરો કોર્પોરેશનની ચૂંટણી લડવા ચોકકસ ઇચ્છુક છે પણ પક્ષ શું આદેશ આપે છે તેના પર તેઓની રાજકીય કારકીર્દી નિર્ભર રહેશે.
સામા પક્ષે કોંગ્રેસમાં ગણીને માત્ર ૩ કોર્પોરેટરો સિનિયરની વ્યાખ્યામાં બંધ બેસે છે. જેમાં વશરામ સાગઠીયા, અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાનો સમાવેશ થાય છે. આવામાં આ ત્રણેયનો ટિકિટ સામે હાલ કોઇ જોખમ દેખાતું નથી.
કોંગ્રેસ અશોક ડાંગરની વ્યૂહરચનાથી લડશે, ‘આપ’ પણ ઝંપલાવશે: જંગ આસાન નહીં રહે
મહાપાલિકાના ૪૭ વર્ષના કાર્યકાળમાં ભાજપ છેલ્લા ૪ર વર્ષથી શાસન ભોગવી રહ્યું છે. વચ્ચે માત્ર પાંચ વર્ષ કોંગ્રેસનું શાસન આવ્યું હતું. ૨૦૧૫ ની ચૂંટણી ભારે રોમાંચક રહી હતી. અંતિમ ઘડી સુધી ભાજપ અને કોંગ્રેસ બરાબરી પર ચાલી રહ્યા હતા. વોર્ડ નં. ૬માં ચારેય બેઠકો પર ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા બનતા કમળ ચાર બેઠકોની પાતળી બહુમતિ સાથે સત્તા પર આવ્યું હતું. આ વખતની ચૂંટણી પણ ભાજપ માટે આસાન નહી રહે, કારણ કે હાલ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે અશોક ડાંગર જે ભાજપની એક એક વ્યુહ રચનાથી સારી પેઠે વાકેફ છે બીજી તરફ ત્રીજા મોરચા તરીકે ‘આપ’ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવશે. ભલે રાજકોટની જનતાએ ભાજપ અને કોંગ્રેસ સિવાય કયારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી અને ૪૭ વર્ષમાં અન્ય પક્ષ કે અપક્ષ ઉમેદવાર કયારેય ચૂંટાયો નથી છતાં ‘આપ’ની છાપ હાલ એક નખશીખ પ્રમાણીક પક્ષ
તરીકે પ્રસ્થાપીત થઇ ગઇ છે. અને ‘આપ’ રાજકોટની બાગડોર સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન અને એક સમયે ભાજપની વ્યહુ રચના ઘડવામાં માહિર ગણાતા રાજભા ઝાલાને સોંપી છે. આવામાં મહાપાલિકાની આગામી ચૂંટણી ભાજપ માટે આસાન નહી રહે., લોકડાઉન – કોરોનાથી શાસકો સામે શહેરીજનોમાં થોડા ઘણો રોષ પણ જોવા મળી રહ્યો છે. આવામાં ભાજપને ટિકીટ ફાળવણીથી લઇ ચૂૂંટણીની વ્યહુ રચના સુધીમાં એક એક કદમ ખુબ જ ફુંકી ફૂુંકીને રાખવું પડે.