કાકા, આત્મીય, જીલમીલ, પૂજા, મહાલક્ષ્મી, વસુંધરા અને શ્રી કિશાન બ્રાન્ડ મગફળી તેલના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલાયા: મીઠામાં કન્ટેન્ટ કરતા આયોડીનનું પ્રમાણ વધુ, ગોળમાં સલ્ફાઈટ વધુ માત્રામાં મળ્યા
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળોએથી લેવામાં આવેલા ગોળ અને મીઠાના નમુના પરિક્ષણ દરમિયાન નાપાસ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. આજે ગુંદાવાડી, કાલાવડ રોડ, જૂનુ માર્કેટીંગ યાર્ડ, મવડી વિસ્તાર અને પારેવડી ચોકમાંથી અલગ અલગ ૭ સ્થળેથી સિંગતેલના નમુના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ અંગે આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે મવડી મેઈન રોડ પર લાભ એજન્સીમાંથી કાકા ફિલ્ટર ગ્રાઉન્ડ નટ ઓઈલ, કાલાવડ રોડ પર બાલાજી ઓઈલ ઈન્ડ.માંથી જીલમીલ બ્રાન્ડ મગફળીનું તેલ, પેડક રોડ પર માધવ એન્ટરપ્રાઈઝમાંથી આત્મીય સિંગતેલ, ગુંદાવાડી મેઈન રોડ પર ઉમિયા એજન્સીમાંથી પૂજા સિંગતેલ, જૂનું માર્કેટીંગ યાર્ડમાં જય ખોડીયાર ટ્રેડર્સમાંથી મહાલક્ષ્મી બ્રાન્ડ ગ્રાઉન્ડ નટ ઓઈલ અને કનૈયા અનાજ ભંડારમાંથી શ્રી કિશાન બ્રાન્ડસીંગતેલ તથા પારેવડી ચોકમાં મેસર્સ વ્રજલાલ મંગલજીને ત્યાંથી વસુંધરા ગોલ્ડ ગ્રાઉન્ડ નટ ઓઈલનો નમુનો લઈ પરિક્ષણ અર્થે વડોદરા સ્થિત સરકારી લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યો છે.
ફૂડ વિભાગ દ્વારા અગાઉ દાણાપીઠ ચોકમાં સદગુરૂ સોલ્ટમાંથી અંકુર સંપૂર્ણ નમક, સંતકબીર રોડ પર તાજ સપ્લાયરમાંથી રિફાઈન્ડ આયોડાઈસ સોલ્ડ અને ભાવનગર રોડ પર જયનાથ પેટ્રોલ પંપની બાજુમાં જી ટી સોલ્ટ સપ્લાયમાંથી દાંડી રિફાઈન આયોડાઈસ સોલ્ટનો નમુનો લેવામાં આવ્યો હતો. પરિક્ષણ દરમિયાન આ ત્રણેય નમકમાં ક્ધટેન્ટ કરતા આયોડીનનું પ્રમાણ વધુ માત્રામાં મળી આવતા નમૂનો ફેઈલ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેનાલ રોડ પર ૧-ગુંદાવાડીમાં મેસર્સ પટેલ હંસરાજભાઈ ડાયાભાઈને ત્યાંથી રાજભોગ નેચરલ ગોળના નમૂનો લેવાયો હતો. જેમાં એફએસએસએઆઈનો લોગો ન હતો. ૨૦-ન્યુ જાગનાથ પ્લોટમાં બાટવીયા બ્રધર્સમાંથી લુઝ કોલાપુરી ગોળ અને કોઠારીયા રોડ પર જીગ્નેશ ટ્રેડમાંથી પારસમણી ગોળનો નમુનો લેવાયો હતો જેમાં પરિક્ષર દરમિયાન સલ્ફાઈટ ક્ધટેન્ટ કરતા વધુ માત્રામાં મળી આવતા નમુનો ફેઈલ ગયો છે.
આરોગ્ય શાખા દ્વારા શહેરના કનકરોડ, ૮૦ ફૂટ રોડ, મવડી ચોક, બાપાસીતારામ ચોક, કેકેવી ચોક, કાલાવડ રોડ, ટાગોર રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ૭ કિલો દાઝયા તેલનો નાશ કરવામાં આવ્યો હતો અને ફરસાણના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.