આરોગ્ય અગ્રસચિવ વાતો કરી ગયા પણ નિમણૂંક કયારે ?
જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામુહિક આરોગ્ય કેન્દ્રોનાં પુરતા તબીબો સ્ટાફ ન હોવાથી મુશ્કેલી પડી રહી હોવાનું બહાર આવ્યું છે. જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધીને નિરંકુશ થવાની દિશામાં જવા લાગતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ જામનગર દોડી આવ્યા અને મિટિંગ યોજી સમીક્ષા કરી. જામનગરની મુલાકાત પછી રાજકોટમાં સમીક્ષા કરી જયંતિ રવિએ જામનગરમાં વિગતે પરામર્શ કરીને અને રાજકોટની મુલાકાત દરમિયાન જે કાંઈ કહ્યું તેનો સારાંશ એવો થાય કે જ્યાંથી કેસો વધુ આવતા હોય, તે વિસ્તારમાં ટેસ્ટીંગ વધારવું જરૂ રી છે. લક્ષ્ણો નહીં ધરાવતા દર્દીઓને શોધી કાઢવા તેમણે ઓક્સીજનનું પ્રમાણ માપવા અંગેના સૂચનો કર્યા. તેમણે આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન સહિતાની સુવિધા વધારવાની વાતો કરી અને હોમ આઈસોલેશનની સુવિધા વધારવાની જરૃર જણાવી. તેમણે સમાજવાડીઓનો કોવિડ હોસ્પિટલ તરીકે ઉપયોગ કરવા જરૂ ર જણાવી. તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ ઓક્સિજનની સુવિધા વધારવાની વાતો કરી.
ખાટલે મોટી ખોટ જ એ છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પૂરતો સ્ટાફ નથી, મોટાભાગના આરોગ્ય કેન્દ્રો ચાર્જમાં ચાલે છે અને આરોગ્ય કેન્દ્રોમાં એમબીબીએસ ડોક્ટરોની જ તંગી છે, જ્યારે નિષ્ણાત તબીબો નહીંવત સંખ્યામાં છે. આ પ્રકારના સંજોગોમાં માત્ર સાધન-સામગ્રી કે સુવિધા વધારવાથી નહીં ચાલે, પરંતુ તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ પણ વધારવો પડશે. એક તરફ ચોમાસા પછી ઋતુગત બીમારીઓ વધી રહી છે, અને તેના દર્દીઓને પણ પૂરતી તબીબી સેવાઓ આરોગ્ય કેન્દ્રો પૂરી પાડી શકતા નથી, કેટલાક આરોગ્ય કેન્દ્રો તો રવિવારે બંધ જ રહેતા હોવાની રાવ ઊઠી રહી છે, ત્યારે માત્ર સાધન-સુવિધાઓ વધારવાથી કાંઈ ફેર નહીં પડે, તે પહેલા કોવિડ-૧૯ ની પ્રાથમિક સારવાર કરી શકે તેવો સ્ટાફ વધારવો પડશે, જે તાલુકા કક્ષાએ ઊભા કરાતા કોરેન્ટાઈન સેન્ટરો અને રાજ્યમાં ઘણા સ્થળે ઊભી કરેલ કોવિડ-૧૯ હોસ્પિટલોની દૂર્દશાના અહેવાલો પણ મીડિયામાં આવતા હોય છે, ત્યારે પૂરતા તાલીમબદ્ધ સ્ટાફ, તબીબો અને જરૂ રી સાધન-સામગ્રી સાથે ઓક્સિજન સહિતની સુવિધાઓ તથા પીપીઈ કીટ, ગ્લઝ અને કર્મચારીઓની પોતાની સુરક્ષાની સાધન સામગ્રી પણ ફાળવવી જરૂરી છે.