દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જાહેર નિવેદનમાં કોરોના વિસ્ફોટ થયો હોવાનું ગણાવીને લોકડાઉનની માંગ ઉઠાવતા વિવાદ
રાજ્યમાં કોરોનાના કેસો બેફામ વધી રહ્યા છે.દરરોજ કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો અને મૃત્યુંઆંક વધતો જાય છે. ત્યારે ગુજરાતમાં ફરીથી લોકડાઉન કરવાની માંગ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ઉઠી રહી છે. અમદાવાદ બાદ સુરત અને રાજકોટમાં કોરોના વાયરસનો વધતો વ્યાપ જોઈને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યએ ગુજરાતમાં લોકડાઉન કરવાની માંગણી કરી છે. દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ માંગણી કરી છે તેમણે ગુજરાતમાં ૨૧ દિવસનું લોકડાઉન લગાવવા માટે માંગણી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યએ ગુજરાતમાં ફરીથી લોકડાઉન કરવાની માગણી કરી નાંખી છે. તેમણે પોતાના એક નિવેદનમાં ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયાનું કહીને આ માંગણી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે કે ક્યાંક ફરીથી ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ આવશે તો? ગુજરાત કોંગ્રેસના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ રાજ્યની સ્થિતિને જોતા લોકડાઉનની માગ કરી રહી છે. સુરત દિવસેને દિવસે કોરોનાના ભરડામાં ફસાઈ રહ્યું છે. સુરતમાં પણ ઈટલી જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એક વાનમાં ૮થી ૧૦ મૃતદેહોને લઈ જવાની નોબત આવી પડી છે, ત્યારે કોંગ્રેસના સોલંકીએ ગુજરાતમાં ૨૧ દિવસના લોકડાઉનની માગ કરી છે.
શહેરમાં હાલ લોકલ સંક્રમણમાં ધીરે-ધીરે ઘટાડો થઈ રહ્યો છે. જુલાઈ મહિનાથી કેસની સંખ્યા પણ ૧૫૦થી ૨૦૦ની આસપાસ સામે આવે છે. ત્યારે અન્ય શહેરોમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ત્યાના લોકો અમદાવાદ તરફ દોડી રહ્યા છે. જેથી શહેરની પરિસ્થિતી ફરી બગડે નહીં તે માટે તંત્રેએ હવે અમદાવાદમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર આરોગ્ય ટીમ ઉભી રાખશે. તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવતા વાહનનોની ચેકિંગ તેમજ સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે અને હવે રાજ્યમાં કોરોનાનાં રોજનાં ૯૦૦ને પાર કેસો નોંધાઈ રહ્યા છે. વધુમાં ગત લોકડાઉનમાં સામાન્ય પ્રજાની હાલત કફોડી બની હતી. તેવામાં કોંગી ધારાસભ્યએ ફરી લોકડાઉનની માંગ ઉઠાવતા તેઓએ વિવાદ સર્જ્યો છે.