રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ‘વેર-વિખેર’ થવાની દહેશત
ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ત્રીજા ઉમેદવાર તરીકે આજે કોંગ્રેસ તથા ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતની જાહેરાત કરી છે. ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઇરાનીને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવાયા બાદ આજે ત્રીજા ઉમેદવારની જાહેરાત કરી હતી. હવે ગુજરાતની ત્રીજી બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવાનું નિશ્ચિત કરી દેવાયું છે એ સ્પષ્ટ થયું છે. વિતેલા પખવાડિયામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ગુજરાતના ૧૧ વિપક્ષી સભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું પુરવાર થયેલું છે એ સંજોગોમાં સભ્ય સંખ્યાની દૃષ્ટિએ રાજ્યસભાની ૮ ઓગસ્ટે યોજાનારી ચૂંટણીમાં પણ આવો જ દાવ ખેલાશે.
શ્રીકમલમ્ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં મળેલી ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો સાથેની બેઠકમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પૂર્વ કોંગ્રેસ દંડક બળવંતસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્યો ડો.તેજશ્રીબેન પટેલ અને પી.આઇ. પટેલનું સ્વાગત કર્યું હતું. શાહે બળવંતસિંહ રાજપૂતને રાજ્યસભા માટે ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે શુક્રવારે સવારે અગિયાર વાગે ફોર્મ ભરશે તેવી જાહેરાત આ બેઠકમાં કરી તેને વધાવી લેવામાં આવી હતી. અમિતભાઇની ચાણક્ય ચાલથી હવે ૮ ઓગસ્ટે ગુજરાતની ત્રણ બેઠકો માટે મતદાન નિશ્ચિત બન્યું છે. કોંગ્રેસમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સલાહકાર એહમદ પટેલ ગુરુવારે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. આમ, ત્રણ બેઠકો સામે ચાર ઉમેદવારો થતાં સમગ્ર ચૂંટણીની ગોઠવણ તથા ગણતરી રસપ્રદ બની ચૂકી છે.
સંસદીય બાબતોના જાણકારોનું કહેવું છે કે, ગુજરાત વિધાનસભાનું કુલ સંખ્યા બળ ૧૮૨ છે. ભાજપ એક અપક્ષ સાથે ૧૨૧ સભ્યો ધરાવે છે. કોંગ્રેસ પાસે ગુરુવાર સુધી ૫૭ ધારાસભ્યો હતા, શુક્રવારે ત્રણ રાજીનામા પડતાં હવે સંખ્યાબળ ઘટી ૫૪ થયું છે. આ સિવાય એક જીપીપી, એક જેડી યુ, બે એનસીપીના ધારાસભ્યો છે. રાજ્યસભાની ત્રણ બેઠકો પર જીત મેળવવા માટે હવે પ્રત્યેક ઉમેદવારને ૪૬-૪૭ મતની આવશ્યક્તા રહે. સંખ્યાની દૃષ્ટિએ જોઇએ તો ભાજપના ત્રીજા ઉમેદવાર માટેવીસ મત જરૂરી બનશે. આ મત એનસીપી અને કોંગ્રેસમાંથી મેળવવાનો તખ્તો તૈયાર થઇ ચૂક્યો છે એવું સમજાય છે. એક પખવાડિયા પૂર્વે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસ, એનસીપી અને જીપીપીના મળી કુલ ૬૦ સભ્યોમાંથી ૧૧ ધારાસભ્યોએ ભાજપ-એનડીએના ઉમેદવાર રામાનાથ કોવિંદને મત આપ્યા હતા. કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાએ છેડો ફાડી વિરોધપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. પરંતુ પોતાના સમર્થક ધારાસભ્યોને હજુ ખુલીને બહાર આવવા દીધા નથી. આ ધારાસભ્યોની સંખ્યા અઢારથી વીસ અથવા તેનાથી વધારે પણ હોઇ શકે એમ માનવામાં આવે છે. આ સભ્યો ક્રોસ વોટિંગ કરી બળવંતસિંહ રાજપૂતને મત આપે તેવું સ્પષ્ટ મનાય છે. રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોના મત ઉપરાંત આંકડાની ગોઠવણ જ જીત માટે મહત્વની બનતી હોય છે એ સંજોગોમાં કોંગ્રેસના એહમદ પટેલને જીતાડવા માટે કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વને અત્યારથી જ ભારે કવાયત હાથ ધરવી પડશે. કોગ્રેસમાં ૩૫ વર્ષથી છું અને ધારાસભ્ય તરીકે એક્ટિવ હોવા છતાં છેલ્લા કેટલાક વર્ષોથી મારી વફાદારી અંગે શંકા-કુશંકા કરવામાં આવતી હોવાથી અંતે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે એમ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. વિરમગામના ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલે પણ પાટીદારો અંગે અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં ન લેવાતા અને તેમને હરાવવા માટે પાર્ટીમાંથી જ કેટલાક લોકોએ સોપારી લીધી હોવાથી કંટાળીને રાજીનામું આપ્યું હોવાનો ખુલાસો કર્યો છે. વિજાપુરના ધારાસભ્ય પ્રહલાદભાઈ પટેલે કહ્યું કે, હવે કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી તેથી પાર્ટી છોડવાની ફરજ પડી છે.
ગાંધીનગરમાં વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સુપરત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ કોંગ્રેસની નેતાગીરી સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કરતા પક્ષમાં પ્રવર્તી રહેલી ઉકળતા ચરૂ જેવી સ્થિતિનું વર્ણન કર્યું હતું. ડો. તેજશ્રીબેને કહ્યું કે, પક્ષમાં અનેક આંતરિક ડખા ચાલી રહ્યા છે. પાટીદાર સમાજના પ્રશ્નો અને આંદોલન સહિતની માગણી અંગે તેમણે પ્રદેશ સ્તરે અનેક વાર રજૂઆત કરી હતી પરંતુ કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. તેમના મતવિસ્તાર વિરમગામની એક સભામાં પછાત સમાજ માટે આંદોલન ચલાવી રહેલાં અલ્પેશ ઠાકોરે મંચ પરથી તેમની હાજરીમાં કહ્યું હતું કે, આ વખતે વિરમગામની ટિકિટ કોંગ્રેસ નહીં, હું નક્કી કરવાનો છું. તેઓ તેમના પિતાને વિરમગામની બેઠક પરથી ચૂંટણી લડાવવા માગતા હોવાથી અંતે કંટાળીને તેમણે રાજીનામું આપવાની ફરજ પડી છે. વિજાપુરના ધારાસભ્ય પ્રહલાદભાઈ પટેલે પણ પક્ષમાં બધુ સમુસુતરું ન હોવાનું જણાવતાં કહ્યું કે, હવે કોંગ્રેસમાં કંઈ રહ્યું જ ન હોય.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી હતી કે, બપોરે જ્યારે મીડિયા થકી જાણકારી મળી કે વર્ષોથી કોંગ્રેસમાં રહી સંનિષ્ઠ રીતે કામ કરતાં બળવંતસિંહ રાજપૂત, ડો.તેજશ્રીબેન પટેલ અને પી.આઇ. પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા, સભ્યપદ તેમજ છેલ્લે ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા છે એટલે ધારાસભામાં એક સાથે કામ કરતા હોવાના નાતે મેં બળવંતસિંહ રાજપૂતને ફોન કરી ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. વાઘાણીએ કહ્યું કે, તેઓ તરફથી હકારાત્મક સંકેત મળતાં તુરત જ અમારા નેતૃત્વ સાથે, પ્રદેશ આગેવાનો સાથે પરામર્શ કર્યો હતો અને હવે આ ત્રણેય આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કુશળ સંગઠક અમિત શાહના નેતૃત્વનો, ભાજપની વિચાારધારાનો સ્વીકાર કરી વિકાસયાત્રામાં સામેલ થઇ રહ્યા છે તેમનું સ્વાગત કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે, બળવંતસિંહ સાથે વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન અને વિજાપુરના પી.આઇ. પટેલનું પણ ભાજપ સ્વાગત કરે છે. પ્રમુખે ત્રણેયને ભગવો ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપમાં જોડ્યા હતા. વાઘાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ત્રણેય આગેવાનો પોતપોતાના વિસ્તારમાં વર્ષોથી કામ કરતા આવ્યા છે એમના અનુભવનો ભાજપને લાભ મળશે. તેમના જોડાવાથી ભાજપની વિકાસયાત્રામાં નવી શક્તિનો ઉમેરો થશે. આ પછી ત્રણેય પૂર્વ ધારાસભ્યોને વાઘાણી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં લઇ ગયા હતા જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમને આવકાર્યા હતા. અમિતભાઇએ રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર તરીકે રાજપૂતના નામની જાહેરાત કરી હતી.
ભાજપે રાજકીય દાવ જીતવા સોગઠી મારી: ૮મીએ ખાસ સત્ર
કોંગ્રેસના ૩ આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસ આઘાતમાં છે. ત્યારે વધુ ૧૭ થી ૧૮ ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક આઘાત લાગી રહ્યાં છે. જેના પરિણામે ભાજપ ગેલમાં આવી ગયું છે. ગુજરાતના રાજકારણમાં આવેલા ગરમાવા વચ્ચે રાજયસભા ચૂંટણીમાં વધુને વધુ ધારાસભ્યો જોડાય તેવા હેતુથી એક દિવસ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું છે. ૮ ઓગસ્ટે યોજાનારા આ સત્રમાં મોટાપાયે ઉથલ-પાથલ જોવા મળશે.
કોંગ્રેસમાં ચાલી રહેલા બખડજંતર વચ્ચે અહેમદ પટેલની ચિંતામાં વધારો થયો છે. તેમાં પણ ભાજપે પટેલની સામે બળવંતસિંહને ઉમેદવાર જાહેર કર્યા છે. આ પરિસ્થિતિમાં હવે કોંગ્રેસને ૮મી ઓગસ્ટે ખાસ સત્રમાં મોટો ઝટકો મળે તેવા સંકેતોના અણસાર આવી રહ્યાં છે.
ડેમેજ કંટ્રોલ માટે રાજકોટ કેમ્પમાં ‘સચવાયેલા’ ધારાસભ્યોમાંથી એક પલાયન
કોંગ્રેસના ત્રણ સભ્યો ભાજપમાં જોડાય જતા કોંગ્રેસે ડેમેજ કંટ્રોલની કામગીરી શ‚ કરી છે. જેના ભાગ‚પે સૌરાષ્ટ્રના ૮ ધારાસભ્યોને રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્યના ઘરે ભેગા કરી ખાનગી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે જસદણના એક ધારાસભ્ય આ સુરક્ષા કવચને માત આપીને જામનગરના કેમ્પમાં બેસી ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે આ ધારાસભ્યને પલાયન કરી દેવામાં આવ્યા કે તે પલાયન થઈ ગયા તે દિશામાં તપાસ જ‚રી છે.
અહેમદ પટેલે રાજયસભાનું ફોર્મ ભર્યાના ૨૪ કલાકની અંદર જ ત્રણ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે હજુ પણ વધુ ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારીમાં હોવાનો અણસાર આવતા કોંગ્રેસ હાઈકમાન્ડે હવાતીયા મારવાનું શ‚ કર્યું છે. રાજયસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલ-પાથલ આવી રહી છે. જેના પગલે હવે કોંગ્રેસ મુકત ગુજરાતના ભાજપના સુત્રને સાકાર ન થવા દેવા માટે પ્રયાસો શ‚ કર્યા છે. તેવામાં કોંગ્રેસને કોંગ્રેસીઓ જ કોરી ખાતા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં અહેમદ પટેલને કોઈ વિરોધીઓની નહીં પરંતુ તેના આસપાસના નેતાઓની હાજરી જ તોડી પાડશે તેવા અણસાર પણ દેખાઈ રહ્યાં છે.