પ્રારંભે બજાર ઉંચકાયા બાદ વેચવાલીનું મોજુ ફરી વળતા ટોચના શેર તૂટ્યા
ભારતીય શેરબજારમાં આજે ૪૯૦ પોઈન્ટની અફરા-તફરી જોવા મળી હતી. ખુલતાની સાથે જ બજાર ૨૫૦ પોઈન્ટ ચડ્યા બાદ ધીમીગતિએ કારોબાર થયો હતો. બજારમાં ૪૯૦ પોઈન્ટનો સરેરાશ ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારબાદ વેચવાલીનો માહોલ જામતા બજાર એક તબક્કે તૂટી ગયું હતું. ટ્રેડીંગ દિવસના અંતિમ ચરણમાં બજાર માત્ર ૬૦ પોઈન્ટ ઉંચકાયું હતું. આખા દિવસમાં ૪૯૦ પોઈન્ટની અફરા-તફરી જોવા મળી હતી. નિફટીમાં પણ પ્રારંભીક લેવાલી બાદ ધોવાણ જોવા મળ્યું હતું. ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઈન્ફોસીસ અને ઈન્ડુસીસ સહિતના શેરમાં તેજી જોવાઈ હતી. જો કે, બપોર સુધીમાં વેચવાલીનો માહોલ જામ્યો હતો. પ્રોફીટ બુકિંગ શરૂ થતા બજાર નીચે ધકેલાયું હતું. આજે ટેક મહિન્દ્રા ૨.૭૫ ટકા વધીને રૂા.૫૮૪ નજીક જોવા મળ્યો હતો. જો કે, એચડીએફસીમાં ૦.૭ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. ઓઈલ-ગેસ-ટેકનોલોજી-ઓટોમેટીવ-ટેલીકોમ અને કેમીકલ સેકટરના સેલમાં આજે રોકાણકારોએ રસ દાખવ્યો હતો. આ લખાય છે ત્યારે ટેક મહિન્દ્રા ૫ ટકા વધીને ૫૯૭ નજીક ટ્રેડ થઈ રહ્યો છે. એસસીએલ ૩.૫૧ ટકા, ભારતીય ટેક ૧.૯૫ ટકા, ઈન્ફોસીસ ૧.૮૬ ટકા, આઈટીસી ૧.૭૦ ટકા અને ટાટા સ્ટીલ ૧ ટકા જેટલા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આજે બજાજ ફાયનાન્સ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ અને કોટક મહિન્દ્રામાં ગાબડા જોવા મળ્યા હતા. આખુ બેન્કિંગ, ફાયનાન્સ સેકટર તૂટી પડ્યું હતું. વેચવાલીનું મોજુ ફરી વળતા આ સેકટરના શેરમાં કડાકો બોલી ગયો હતો.
રિલાયન્સનું માર્કેટ કેપ ૧૨.૩૧ લાખ કરોડ: બુધવારે એજીએમ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. ના શેર આજ સુધીનું સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. આજે રિલાયન્સના શેર રૂા.૧૯૪૭ની સપાટી નજીક પહોંચ્યા હતા. આ સાથે જ કંપનીનું માર્કેટ કેપીટલાઈઝેશન રૂા.૧૨.૩૧ લાખ કરોડના સ્તરે પહોંચ્યું છે. આજે બજાર ખુલતાની સાથે જ રિલાયન્સનો શેર શુક્રવારની સરખામણીએ રૂા.૩૦ વધીને ખુલ્યો હતો. આ પહેલા ગત ૧૦ જુલાઈએ કંપનીની માર્કેટ કેપ રૂા.૧૧.૯૦ લાખ કરોડની હતી. રિલાયન્સની વાર્ષિક સાધારણ સભા ૧૫ જુલાઈ એટલે કે આગામી બુધવારે મળનારી છેે. આ બેઠકમાં કંપની તરફથી મોટી જાહેરાત થાય તેવી શકયતા છે. આંકડા મુજબ ગત ૧૫ જૂનથી અત્યાર સુધીમાં રિલાયન્સના ભાવ ૨૦.૫૫ ટકા વધ્યા છે.