ભાચા ગામની સીમમાં નુકસાન પહોંચાડતા ભૂંડોને જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ
ઉના પંથકના ભાચા ગામની સીમમાં જંગલી ભૂંડોએ તરખાટ મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. જંગલી ભૂંડોએ ભાચા ગામની સીમમાં ઘૂસી મગફળી અને કપાસના પાકને ભારે નુકશાન પહોચાડયું હતુ તેથી ભૂંડોને જંગલ વિસ્તારમાં ખસેડવાની ખેડુતોએ માંગ કરી છે.
ઊના પંથકના ભાચા ગામની સીમમાં જંગલી ભૂંડના ટોળાએ આંતક મચાવ્યો છે અને પાકને વ્યાપક નુકસાન કરતા હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ઊના પંથકમાં સારો વરસાદ થયા બાદ ભાચા ગામ સહિત આસપાસના ગામોના ખેડૂતોએ મગફળી,કપાસનું વાવેતર કર્યું હતું.
પરંતુ ભાચા અને વાજડી ગામની સીમમાં જંગલીભૂંડ મગફળીને ભારે નુકસાન પહોંચાડી રહ્યાં છે.અને સવિતાબેન ભાણજીભાઈ નંદવાણાંના ખેતરમાં વાવેલ મગફળીના પાકને નુકસાન કર્યું હતું.જેથી આ ભૂંડને પકડી જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે અને નુકશાન થયાનું સરકાર વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે.