રાજ્યના મુખ્ય સચિવે કોરોના અસરગ્રસ્ત 19 જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નાગરિકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું પાલન કરવા સાથે અનલૉક બાદની કામગીરીની ચર્ચા થઈ હતી, ત્યારે આજે ગુજરાતમાં ફરી લોકડાઉન થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે 19 જિલ્લામાં જયાં કોરોના સંક્રમણના કેસ વધ્યા છે તેના જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજીને અનલોકમાં પણ જે નિયમો આપવાના છે તેવા કડક અમલનો આદેશ આવ્યો છે. મુખ્ય સચિવે દરેક જિલ્લા કલેકટર પાસેથી તેમના ક્ષેત્રની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
જો કે તંત્રએ હાલની સ્થિતિ માટે લોકોને જ જવાબદાર ઠેરવ્યા હતા કે લોકો માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી તેવી ફરિયાદ કરી માસ્ક માટેનો હાલનો દંડ રૂા.200થી વધારીને રૂા.1000 સુધી કરવાની ભલામણ કરી હતી. તો કેટલાક અધિકારીઓએ આર્થિક કે ચોક્કસ ક્ષેત્રનું લોકડાઉન પણ જરૂરી હોવાનો અભિપ્રાય આપ્યો હતો.