ભૂજમાં અઢી ઈંચ, ગઢડા, સાયલા, ઉનામાં બે ઈંચ:જાફરાબાદમાં દોઢ, જામજોધપુર, ભાણવડ, વેરાવળ, ખંભાળીયામાં એક ઈંચ વરસાદ
છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૧૫૬ તાલુકાઓમાં વરસાદ:૧૪ જળાશયોમાં નવા નીરની આવક
ભારે વરસાદ પડે તેવી એકપણ સિસ્ટમ હાલ સક્રિય નથી અને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ આપવામાં આવી નથી છતાં રાજકોટમાં ગઇકાલે બપોરે અનરાધાર બે ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો. વેસ્ટ ઝોનમાં જાણે બારે મેધ ખાંગા થયા હોય તેવો માહોલ થોડીવાર માટે જોવા મળ્યો હતો. છેલ્લા ર૪ કલાક દરમિયાન રાજયના ૧૫૬ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. ૧૪ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે.રાજકોટમાં ગઇકાલે સવારે સુર્ય નારાયણ પુર બહારમાં ખીલ્યા હતા. બપોરે ૧ર વાગ્યે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કયુૃ હતું. થોડીવારમાં અર્ધા ઇંચ વરસાદ વરસી ગયા બાદ મેઘાએ વિરામ લીધો હતો. દરમિયાન સાંજે પાંચ વાગ્યે ફરી મેઘાના મંડાણ થયા હતા અને શહેરમાં અનરાધાર બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ફાયર બ્રિગેડના રેકોર્ડ પર આજે સવારે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૩૦ મીમી (મોસમનો કુલ ૩૪૫ મીમી વરસાદ) વેસ્ટ ઝોનમાં ૪૭ મીમી (મોસમનો કુલ ૩૪૫ મીમી વરસાદ) અને ઇસ્ટ ઝોનમાં ૧૮ મી.મી. (મોસમનો ુલ ૩૪૯ મીમી) વરસાદ પડયો હતો. આજ સુધી શહેરમાં મૌસમનો કુલ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે વેસ્ટ ઝોનમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરીયાદો ઉઠવા પામી હતી. શેરીઓમાં જાણે નદીઓ ચાલવા લાગી હોય તેવું લાગી રહ્યું છે.
છેલ્લા ર૪ કલાક દરમિયાન રાજયના ૩ર જિલ્લાના ૧પ૬ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. સૌથી વધુ વરસાદ કચ્છના ભુજમાં ૬૦ મી.મી. વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કચ્છના માંડવીમાં ૧૮ મીમી, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ૪૩ મીમી, થાનમાં ૧૯ મીમી, વઢવાણમાં
૧૨મી.મી., ચોટીલામાં ૧૧ મી.મી., રાજકોટ જિલ્લાના વીંછીયામાં ર૦ મીમી, પડધરીમાં ૧૬ મીમી, લોધિકામાં ૧૧ મીમી, મોરબી જિલ્લાના ટંકારામાં ર૧ મીમી, વાંકાનેરમાં ૧૭ મીમી, મોરબીમાં ૮ મીમી, જામનગર જિલ્લાના ધ્રોલમાં ર૮ મીમી, જામજોધપુરમાં ર૮ મીમી, જોડીયામાં ૧પ મીમી, કાલાવાડમાં ૧ર મીમી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રપ મીમી, ખંભાળીયામાં રર મીમી, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૧૩ મીમી, કોડીનારમાં ૧૭ મીમી, સુત્રાપાડામાં ૧૮ મીમી, તાલાલામાઁ ૧૮ મીમી, ઉનામાં ૪ર મીમી, અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ૩૧ મીમી, રાજુલામાં ૧૭ મીમી, લાઠામાં ૧૦ મીમી, ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં ૧ર મીમી વરસાદ પડયો છે. જયારે ગઢડામાં ૪૫ મીમી વરસાદ પડયો હતો. આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં મોસમનો કુલ ૫૭.૨૫ ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જયારે રાજયમાં ૨૯.૨૯ ટકા વરસાદ વરસી ગયો છે.વરસાદના કારણે છેલ્લા ર૪ કલાક દરમિયાન ૮ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. જેમાં ફોફળ ડેમમાં ૦.૧૦ ફુટ, ડોડીમાં ૦.૦૭ ફુટ, ન્યારી-૧ ડેમમાં ૦.૧૬ ફુટ, ફાડદેગ બેટીમાં ૦.૩૩ ફુટ, ભાદર-ર ડેમાં ૦.૧૫ ફુટ ડેમી-૧ માં ૦.૧૩ ફુટ, ઘોડાધ્રોઇમાં ૦.૪૯ ફુટ, ડેમી-૩માં ૦.૮૨ ફુટ, આજી-૪માં ૦.૮૨ ફુટ પાણીની આવક થવા પામી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર રાજયમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે આવતીકાલે સાર્વત્રીક હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી આપવામાં આવી છે.