મહાપાલિકાના અધિકારીઓ બાંધકામ પરવાનગીના નાણાની ઉઘરાણી ન કરતા હોવાની ભાજપના એક જૂથમાં ચર્ચા
જૂનાગઢ મનપા તંત્ર સામે એક પછી એક અનેક આંગળી ચિંધાઈ રહી છે, ત્યારે જૂનાગઢના અમુક મોટા માથા અને લાગવગયા આસામીઓએ ઓનલાઇન બાંધકામ મંજૂરી મેળવી લીધા બાદ હજુ સુધી બાંધકામ મંજૂરી માટે ભરવાપાત્ર રકમ રૂ. ૫.૫૪ કરોડ ભરી ન હોવાનું અને જૂનાગઢ મનપાના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ ખરાઈ કે ચેકિંગ કરવામાં ન આવતા હોવાની વાત ખુદ ભાજપના એક જૂથમાં ચર્ચાઈ રહી છે.
જૂનાગઢ મનપાની બાંધકામ શાખા આમ જોઈએ તો સાવ ખાડે જવા પામી છે, વગર વિચારીએ શહેરમાં આયોજન વગર આડેધડ રોડ તોડવા, બનાવવા, ફરી તોડવાની પ્રક્રિયામાં પ્રજાના પરસેવાની બેફામ વેડફાઈ રહી છે, તો બીજી બાજુ મનપાનાને મળેલ સરકારી ગ્રાન્ટ ના કામો યોગ્ય કરાવતા નથી, અથવા યોગ્ય રીતે વપરાતી ના હોવાની અને અપાયેલા કોન્ટ્રાક્ટ ઉપર બાંધકામ શાખાના અધિકારીઓ દ્વારા પૂરતી નજર કે જે ચકાસણી કરાવાતી ન હોવાની સાથે લોટ, પાણીને, લાકડા જેવા કામોમાં પણ પુરા પેમેન્ટ કરી દેવામાં આવતા હોવાની અનેક ફરિયાદો લોકોમાંથી સંભળાઈ રહી છે.
બીજી બાજુ જૂનાગઢમાં સામાન્ય લોકો પાસેથી મકાનના બાંધકામની મંજૂરી માટે બાંધકામ શાખાના અધિકારી દ્વારા રૂપિયા લેવાતા હોવાના આક્ષેપો પણ ખુદ ભાજપના જ એક અગ્રણીએ વારંવાર કર્યા છે છતાં પણ મોટું પેટ ધરાવતા બાંધકામ શાખાના અધિકારીઓ હોતી હૈ ચાલતી હૈ ની નીતિ અપનાવી રહ્યા છે.
બાંધકામ શાખાની સામે પ્રજાજનોની સાથે ખુદ ભાજપના જ પદાધિકારીઓ, અગ્રણીઓ દ્વારા બોર્ડમાં પણ આટલી આંગળીઓ ચિંધાયા બાદ બાંધકામ શાખાના અધિકારીઓની ચાલતી લોલમલોલ અને પોલંપોલ વચ્ચે એક ગંભીર બેદરકારીની વાત સામે આવી રહી છે.
જેમાં સને ૨૦૧૭ થી બાંધકામની મંજૂરી ઓનલાઈન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં ૩૧૦૮ અરજીઓ થવા પામી હતી, જેમાંથી મનપામાં લાગવગ ન ધરાવતા સામાન્ય આસામીઓી એ નિયત કરેલી બાંધકામ મંજૂરીની ફી ભરી દીધી છે, પરંતુ સત્તાધીશો, અધિકારીઓ સાથે સારા સંબંધ ધરાવતા અમુક લોકો અને મોટા ગજાના બિલ્ડરો દ્વારા હજુ ૫.૫૪ કરોડ જેટલી રકમ ભરવામાં આવી નથી, આવા જૂનાગઢમાં ૨૬૪ આસામીઓ છે, અને તેમાંના મોટાભાગના આસામીઓએ તો બાંધકામ પૂર્ણ પણ કરી લીધેલ છે.
સરકાર અને તંત્રના નિયમો મુજબ જો બાંધકામની નિયત ફી ભરવામાં આવી ન હોય તો આવા બાંધકામ થતાં હોય તેને અટકાવવાની અથવા તો તોડી પાડવા સુધીની કાર્યવાહી મનપા દ્વારા કરી શકાય છે, પરંતુ જૂનાગઢ મનપાના બાંધકામ શાખાના એન્જિનિયર અને તેમના અધિકારીઓ દ્વારા આવી કોઈ જ તપાસ કે સ્થળ ખરાઈ કરવામાં આવતું ન હોવાથી અથવા તો બિલ્ડર લોબીના વશમાં આવી કે સત્તાધીશો અને લાગતા-વળગતા લોકોની શેહ શરમને કારણે પોતાની ફરજ ભૂલી કોઇ જ કાર્યવાહી થયેલ નથી, અને એના કારણે જૂનાગઢ મનપામાં ૨૬૪ આસામીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ મોટાભાગના લોકોએ બાંધકામ પૂર્ણ કરી લીધા છતાં પણ રૂપિયા ૫.૫૪ કરોડ ભર્યા નથી.
એક તરફ જૂનાગઢ મનપા આર્થિક કટોકટી ભોગવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ કાયદેસરના થતાં રૂપિયા મેળવવામાં મનપાના અધિકારીઓ અસહ્ય બેદરકારી કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢ મનપાના કમિશનર આ બાબતે સત્વરે યોગ્ય કરાવે તે જરૂરી જ નહીં પરંતુ આવશ્યક બન્યું છે, અને જો મનપા કડકાઈ દાખવશે તો જ મનપાની તિજોરીમાં આ મસ મોટી રકમ આવી શકે તેમ છે.
જો કે, ભાજપાની એક લોબીમાં થતી ચર્ચા મુજબ ભાજપના અમુક સત્તાધીશો અને ભાજપ પક્ષના પદાધિકારીઓ દ્વારા તેમના લાગતા વળગતા બિલ્ડરો અને આસામીઓને રાહત આપવા માટે બાકી રકમના હપ્તા કરી દેવાની વેતરણમાં હોવાની વાત પણ મનપા કચેરીમાં ગણગણાઈ રહી છે, ત્યારે મનપા કમિશનર આ બાબતે કડકાઈ સાથે બાંધકામની ફી તુરત વસૂલ કરાવે અથવા તો રૂપિયા ન ભરનાર આસામીઓ સામે કડક પગલાં ભરે તેવી જૂનાગઢવાસી ઓમાંથી લોક માંગ ઉઠવા પામી છે.