નાનામવા રોડ, ડી.એચ.કોલેજ, મવડી ચોકડી, બાલાજી હોલ અને દોશી હોસ્પિટલ સહિતનાં વિસ્તારમાં ચેકિંગ: એક સ્થળેથી થડા જપ્ત કરાયા
કોરોનાનાં સંક્રમણને વકરતા અટકાવવા માટે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા એક જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે જેમાં ચા અને પાનની દુકાનો પર લોકોનાં ટોળા એકઠા કરવાના બદલે ટેક અવે સિસ્ટમથી વેપાર કરવા સુચના આપવામાં આવી છે છતાં શહેરભરમાં ચા અને પાનનાં ગલ્લાઓ પર ટોળા એકત્ર થતા હોવાનું જોવા મળી રહ્યું છે. આજે સતત બીજા દિવસે કોર્પોરેશન દ્વારા ચા અને પાનનાં ગલ્લાઓ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખુદ ડીએમસી એ.આર.સિંહ ફિલ્ડમાં ઉતર્યા હતા અને આજે ૭ સહિત ત્રણ દિવસમાં ૧૭ દુકાનોને સીલ કરી દીધી હતી. ચારથી વધુ લોકો જોવા મળશે તે દુકાનો સીલ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આજે સવારથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ. આર. સિંહની આગેવાનીમાં જગ્યા રોકાણ શાખા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ચા-પાનનાં ગલ્લાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત નાનામવા રોડ પર દ્વારકાધીશ ટી સ્ટોલ, ડી.એચ.કોલેજમાં જાફર ટી સ્ટોલ, મવડી ચોકડી ખાતે ખોડિયાર પાન, ખોડિયાર કોલ્ડ્રીંકસ, ખોડિયાર ટી એન્ડ ખોડિયાર વડાપાઉ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે રવેચી ટી સ્ટોલ અને ગોપાલ ટીને સીલ કરી દેવામાં આવી હતી જયારે દોશી હોસ્પિટલ પાસેથી ચાનાં બે થડા જપ્ત કરી લેવામાં આવ્યા હતા. ચા કે પાનની દુકાનો પર ૪ કે તેથી વધુ વ્યકિતઓ જોવા મળશે તો દુકાનને ૩ દિવસ માટે સીલ કરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચચારવામાં આવી છે.
છેલ્લા ત્રણ દિવસથી ચેકિંગ ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત ભાવનગર રોડ, માર્કેટીંગ યાર્ડ વિસ્તાર, ચુનારાવાડ રોડ, ૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે, અટીકા ફાટક, રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, ફુલછાબ ચોક સહિતનાં વિસ્તારોમાં બે દિવસમાં ૬ દુકાનો સીલ કરવામાં આવી હતી.