માન. મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીની જાહેરાત
કોરોનાની મહામારીની વર્તમાન સ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોકર્સ ઝોનમાં વ્યવસાય કરતા ગરીબ વર્ગના ધંધાર્થીઓના હિતમાં એક ઉમદા નિર્ણયમાં તેઓના છેલ્લા ત્રણ મહિનાના હોકર્સ ઝોનના ભાડા માફ કરવાનું નક્કી કરવામાં આવેલ હોવાનું માન. મેયરબિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આજે જાહેર કરેલ છે.
આ સંદર્ભમાં વાત કરતા માન. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિ. કમિશનરએ જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા ૯૯ હોકર્સ ઝોનમાં ૪૫૦૦ જેટલા ધંધાર્થીઓ વ્યવસાય કરી રોજીરોટી મેળવે છે. હોકર્સ ઝોનમાં જગ્યા મેળવી વ્યવસાય કરતા આ ધંધાર્થીઓએ દર મહિને રૂ.૫૦૦/-નુ ભાડું ચૂકવવાનું હોય છે. કોરોનાની મહામારી વચ્ચે તા. ૨૫- માર્ચથી મે-૨૦૨૦ના અંત સુધી લોકડાઉનને કારણે આ ધંધાર્થીઓ વ્યવસાય કરી શક્યા ન્હોતા અને આ બધા ધંધાર્થીઓ ખુબ જ નાના વર્ગના હોય જેથી આ બાબતે મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને મ્યુનિ. કમિશનરએ પુખ્ત વિચારણા કરી હતી. આ ચર્ચાના પરિણામ સ્વરૂપે મહાનગરપાલિકાએ આ ધંધાર્થીઓને આર્થિક રાહત આપવાના આશય આ ત્રણ માસ એટલે કે એપ્રિલ, મે, અને જુન ૨૦૨૦ સુધીનું ભાડું માફ કરવાનો ઉમદા નિર્ણય કર્યો છે.
પદાધિકારીઓ અને મ્યુનિ.કમિશનરશ્રીએ વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે, જે ધંધાર્થીઓએ એપ્રિલ-૨૦૨૦ થી જુન-૨૦૨૦ સુધીમાં ભાડું ચૂકવ્યું હશે તેઓને આ રકમ પછીના માસના ભાડામાં મજરે આપવામાં આવશે.