ચાલુ વર્ષમાં સરસવ અને સીંગદાણાની મોટાપ્રમાણમાં ખરીદી કરી: ૩૦ હજાર અમુલ સ્ટોર પર ખાદ્યતેલ મળી શકશે
વિશ્વભરમાં અનેકવિધ દેશો દુધ ઉત્પાદનમાં પોતાની સર્વોપરીતા સાબિત કરી છે ત્યારે ભારત વર્ષની વાત કરવામાં આવે તો દુધ ઉત્પાદનમાં હાલ સર્વોપરી રહેલું અમુલ લોકોનાં મુખે ચર્ચાઈ રહ્યું છે. અમુલ કંપનીની જ ટેગલાઈન છે કે દુધ પિતા હે ઈન્ડિયા. ડેરી ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે અમુલ દ્વારા જે મહેનત કરવામાં આવી છે તેનું પરિણામ હાલ ભારત વર્ષ ભોગવી રહ્યું છે અને તેનો લાભ પણ મેળવી રહ્યું છે. અનેકવિધ ઉધોગો તેના યથાવત ઉધોગની સાથોસાથ અન્ય ઉધોગો સાથે જોડાતા હોય છે એવી જ રીતે અમુલે પણ ડેરી ઉધોગમાં રહી ખાદ્યતેલનાં ક્ષેત્રમાં પોતાનો પગદંડો સ્થાપિત કરવા માટે મેદાને આવ્યું છે જે રીતે અમુલ દુધ ઉત્પાદનમાં પોતાની સર્વોપરીતા સાબિત કરી છે તેવી જ રીતે હવે અમુલ ખાદ્યતેલમાં સર્વોપરી થવા માટે મેદાનમાં ઉતર્યું છે. અમુલે તેલ વ્યવસાયમાં આવતાની સાથે જ તેને તેની બ્રાન્ડનું નામ જન્મય રાખેલું છે. જન્મય નામનાં જો મતલબ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો તેનો મતલબ ‘નવજાત’ સામે આવે છે. બીજી તરફ અમુલ ગુજરાતમાં રહી ખાદ્યતેલ વ્યવસાયને આગળ વધારશે. દુધ અને ડેરી પ્રોડકટ માટે દેશ અને દુનિયામાં જાણીતું નામ બની ગયેલી અમુલ હવે કો-ઓપરેટીવ ડેરીમાંથી એફએમસીજી કંપની બનવા તરફ આગળ વધી રહી છે.
અમુલે ૯ જુલાઈનાં રોજ જન્મય બ્રાન્ડની સાથે પાંચ પ્રકારનાં ખાદ્ય તેલોને બજારમાં મુકયા છે. આ અંગે અમુલનાં મેનેજીંગ ડિરેકટર આર.એસ.સોઢીએ ટવીટ કરતા જણાવ્યું હતું કે, બનાસ, નોર્થ ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં તેલીબીયા ઉત્પાદક ખેડુતોને સારું વળતર આપવા માટે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને જન્મયનાં બ્રાન્ડનેમ સાથે બજારમાં મુકયા છે. અમુલ સિંગતેલ, કપાસીયા તેલ, સનફલાવર એટલે સુર્યમુખી, સોયાબીન અને રાયડાનું તેલ બજારમાં મુકયું છે. આ તેલ એક લીટરનાં પાઉચ પેક, ૫ લીટરનાં જારપેક અને ૧૫ કિલોનાં ટીન પેકેજમાં ઉપલબ્ધ રહેશે. બીજી તરફ તેલીબીયાની ઉપજ લેનાર લોકો માટે અમુલ તેના ડેરી મોડલનું પુનરાવર્તન કરવાની તૈયારી કરી રહ્યું છે જે દુધ ઉત્પાદકોને વધુ મહેનતાણું પણ ચુકવશે. અમુલનાં એમ.ડી. આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીનો જે આત્મનિર્ભર બનવાનો જે લક્ષ્ય સાધવામાં આવ્યો છે તેને પરીપૂર્ણ કરવા માટે હાલ અમુલ ખાદ્યતેલ ક્ષેત્રે મેદાનમાં ઉતર્યું છે અને સ્થાનિક તેલ ઉત્પાદન કરતા મિલરોને વિશેષરૂપથી પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. ૧૯૯૦માં ધારા બ્રાન્ડ સાથે મસ્ટર્ડ તથા અન્ય તેલોનું માર્કેટીંગ ડેરી કો-ઓપરેટીવ દ્વારા કરવામાં આવ્યું છે.
ભારત ખાદ્યતેલની આયાત કરતો વિશ્ર્વનો સૌથી મોટો દેશ છે જેના ભાગરૂપે ભારતે ૭૫ હજાર કરોડ રૂપિયાનું ખાદ્યતેલ પ્રતિ વર્ષ આયાત કરવું પડે છે. હાલ ભારત ખાદ્યતેલ જે આયાત કરે છે તે ૬૫ ટકા જેટલો હિસ્સો પણ ધરાવે છે ત્યારે દેશનાં આયાત ખર્ચમાં ઘટાડો કરવા માટે સરકાર આત્મનિર્ભર બનવા તરફ વિચાર કરી રહ્યું છે. ૧૯૯૦માં ભારતે ખાદ્યતેલની આયાત પરની નીતિને ઘણી સરળ પણ બનાવી હતી પરંતુ હાલનાં સમયમાં આયાત પર રોક મુકી સ્થાનિક સ્તર પર ખાદ્યતેલનું ઉત્પાદન કરવામાં આવે તો દેશની અર્થવ્યવસ્થાને ઘણોખરો ફાયદો પણ પહોંચી શકે છે. પાલનપુર ખાતે આવેલી અમુલની બનાસકાંઠા ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર યુનિયન પ્રતિ દિવસ ૨૦૦ ટન તેલિબિયાનું પ્રોસેસ કરી રહ્યું છે. અમુલનાં એમ.ડી. આર.એસ.સોઢીનાં જણાવ્યા પ્રમાણે આ તમામ ખાદ્યતેલનાં અમુલ ૩૦ હજાર સ્ટોર પર વેચાણ કરવામાં આવશે. અંતમાં તેમનાં જણાવ્યા મુજબ ભારતમાં ૨૫ ટકા જેટલું સીંગતેલ અને સરસવ તેલનો ઉપયોગ થઈ રહ્યો છે જેમાં ૩૬ લાખ દુધઉત્પાદકો ગુજરાત કો-ઓપરેટીવ મિલકત માર્કેટીંગ ફેડરેશન સાથે જોડાયેલા છે ત્યારે ડેરી પ્રોડકટ બાદ અમુલ હવે ખાદ્યતેલ ક્ષેત્રમાં આવી પોતાની સર્વોપરીતા સાબિત કરશે.