અમેરિકાએ પણ ટીકટોકના ડેટા ઉપર શંકા વ્યકત કરતા બાઈટ ડાન્સ હરકતમાં આવી
ભારતે ૫૯ ચાઈનીઝ એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુક્યા બાદ સમગ્ર વિશ્વમાંથી ડેટા ચોરીનો મુદ્દો ઉછળ્યો છે. ભારતના પગલે અમેરિકાએ પણ સુરક્ષાના કારણોસર ડેટા સિક્યુરીટીના કારણોસર ટીકટોકને પ્રતિબંધીત કરવાનું વિચાર્યું છે. ત્યારે ટીકટોકની જનની બાઈટ ડાન્સ દ્વારા ચીનમાંથી પોતાના હેડ કવાર્ટર અન્ય દેશમાં ખસેડવાની વિચારણા થઈ રહી હોવાનું સામે આવ્યું છે.
તાજેતરમાં બાઈટ ડાન્સનું નવું મેનેજમેન્ટ બોર્ડ રચાયું હતું. જેના વરિષ્ઠ કર્મચારી દ્વારા એપ્લીકેશનના હેડ કવાર્ટરને ચીનની બહાર ખસેડવાની હિમાયત કરવામાં આવી હતી. સામાન્ય રીતે ટીકટોક દ્વારા એકઠા થયેલા ડેટા ચીનને અપાતા હોવાના આક્ષેપ કંપની પર થયો હતો. ટીકટોકની જેમ ઘણી એપ્લીકેશનો ડેટા ચોરીને લઈ જતી હોવાની વાત પણ સામે આવી હતી. આ ગંભીર આક્ષેપો બાદ સમગ્ર વિશ્ર્વમાં અન્ય દેશો પણ ટીકટોક સહિતની ચાઈનીઝ એપ્લીકેશનો પર પ્રતિબંધ લગાવવાની વિચારણા કરી રહ્યાં છે.
નોંધનીય છે કે, લદ્દાખ સરહદે ચીન અને ભારતીય સૈનિકો વચ્ચેની અથડામણ બાદ ચીનના સામાનનો બહિષ્કાર કરવાનો રોષ ફાટી નીકળ્યો હતો. ઠેર-ઠેરથી વિરોધ વંટોળ ઉપડ્યો હતો. ભારતે ચીનના માલના ક્ધટેનર અટકાવ્યા હતા.
ઉપરાંત ચીનના એપ્લીકેશનો ઉપર પણ પ્રતિબંધ મુક્યો હતો. ભારતમાં ટીકટોક ખુબજ લોકપ્રિય એપ્લીકેશન છે. યુવા વર્ગ ટીકટોક પાછળ ઘેલુ છે. ભારતની જેમ અમેરિકા સહિતા દેશોમાં પણ બહોળો યુવાવર્ગ ટીકટોકનો ઉપયોગ કરતો હોય છે. ડેટા ચોરીનો પ્રશ્ન ઉઠ્યો ત્યારે કંપનીએ પોતાના બચાવમાં કહ્યું હતું કે, ટીકટોક ક્યારેય કોઈને ડેટા શેયર કરતું નથી. જો ચીનની સરકાર માંગે તો પણ કંપની દ્વારા ગ્રાહકોનો ડેટા અપાશે નહીં.