પોલીસે ‘ગોરપદુ’કરતા બ્રાહ્મણોનો ધંધો જોખમમાં
હિન્દી ફિલ્મમાં પોલીસ અધિકારીઓ વિલનનો હાથો બનીને કામ કરે તેવી અદાથી મહિલા ફોજદાર ડોડીયાએ ખૌફ બતાવ્યાનો આક્ષેપ
ડોડીયા મેડમની દાદાગીરી સામે કાર્યવાહી કરવા મુખ્ય મંત્રી, ડિસ્ટ્રિક જજ અને પોલીસ કમિશનરને યુવક કરી ફરિયાદ
પોલીસ મથકમાં સ્ટેમ્પ મગાવી નોટરીને બોલાવી બળજબરીથી લગ્ન કરાવવાની મહિલા ફોજદાર ડોડીયાએ રૂ.૨૦ હજાર ‘દક્ષિણા’ લીધી?
લગ્ન સામાન્ય રીતે પાર્ટી પ્લોટ, મંદિર, કોર્ટમાં, મેરેજ હોલ અથવા ઘર આંગળે થતા હોય છે. પરંતુ રાજકોટના મહિલા પોલીસ મથકમાં મહિલા ફોજદારે યુવતીની તરફદારી કરી યુવકના ધરાર લગ્ન કરાવ્યાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ મથકમાં ધરાર લગ્ન કરાવનાર મહિલા ફોજદારે રૂા.૨૦ હજાર ‘દક્ષિણા’ લીધાના યુવકના પરિવારજનો દ્વારા મુખ્ય મંત્રી, ડીસ્ટ્રીક જજ અને પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ થતા સનસનાટી મચી ગઇ છે.
તુડ મીજાજી સ્વભાવ અને પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજતા મહિલા ફોજદાર ડોડીયા સામે કડક કાર્યવાહી કરવા હર્ષ હસમુખભાઇ મેઘાણીએ માગણી કરી પોતાના ધરાર લગ્ન કરાવ્યાનો અને બળજબરીથી રૂા.૨૦ હજાર પડાવ્યાનો ચોકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગીરનાર સોસાયટીમાં રહેતા હર્ષ મેઘાણીને હાર્દિ હિતેશ વ્યાસ સાથે ફેન્ડસીપ હતી. હર્ષ મેઘાણીની જ્ઞાતિની યુવતી સાથે માતા-પિતાએ સગાઇ કરતા હાર્દિએ પોતે તેને પ્રેમ કરતી હોવાનો એકરાર કરી પોતાની સાથે લગ્ન કરવા દબાણ કર્યુ હતુ. સગાઇ નહી તોડે તો તેને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ફીટ કરવાની ધમકી દઇ ગત તા.૧૬મીએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આપી હતી.
અરજીની તપાસ મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ. ડોડીયાને સોપવામાં આવી હતી. તપાસ અર્થે હર્ષ મેઘાણી, તેના પિતા હસમુખભાઇ અને એડવોકેટ બનેવી બોલાવતા તેઓ ગયા ત્યારે હર્ષ મેઘાણીને બળાત્કાર ગુજાર્યા અંગેની અરજી હાર્દિએ આપી છે તે અંગે ગુનો નોંધવા મેઘાણી પરિવારને પોલીસની ભાષામાં દબડાવી ગુનો ન નોંધાયો હોવા છતાં મહિલા ફોજદાર ડોડીયા હાર્દિની તરફેણ કરી આરોપી જેવું વર્તન કર્યુ હતું.
હિન્દી ફિલ્મમાં પોલીસ અધિકારીઓ વિલનનો હાથો બનીને કામ કરતા હોય તે રીતે મહિલા ફોજદાર ડોડીયાએ ખાખીનો ખૌફ બતાવી હર્ષ મેઘાણીને લગ્ન માટે મજબુર કર્યોનો આક્ષેપ કર્યો છે. લગ્ન નહી કરે તો બળાત્કારનો ગુનો નોંધી જેલ હવાલે કરવા ડરાવી ધમકાવ્યાનો અને પોલીસ મથકમાં જ સ્ટેમ્પ પેપર મગાવી, નોટરી બોલાવી હાર્દિ વ્યાસ અને હર્ષ મેઘાણીના મહિલા પોલીસ મથકમાં લગ્ન કરાવી દીધા હતા.
જો કે, મહિલા ફોજદાર ડોડીયાએ લગ્ન કરાવી આપ્યાની ગોર અદા દક્ષિણી લે તે રીતે હર્ષ મેઘાણી પાસેથી રૂા.૨૦ હજારની દક્ષિણા લીધાનો પણ અરજીમાં આક્ષેપ કરાયો છે.
મહિલા પોલીસ મથકમાં હર્ષ મેઘાણી અને હાર્દિ વ્યાસના થયેલા ધરાર લગ્નમાં ફોટોગ્રાફર કે વીડિયો શુટીંગની સગવડ ન હોવાથી હર્ષ મેઘાણીએ પોતાના યાદગાર અને ધરાર થયેલા લગ્નની યાદી સમાન મહિલા પોલીસ મથકના સીસીટીવી ફુટેજ મેળવવા આરટીઆઇમાં અરજી કરી છે.
મહિલા પોલીસ મથકમાં હર્ષ મેઘાણી અને હાર્દિ વ્યાસના ધરાર લગ્ન મહિલા ફોજદાર ડોડીયાએ કરાવ્યાની અન્ય પોલીસ સ્ટાફને જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સામાન્ય રકમ માટે મહિલા ફોજદાર ડોડીયા કંઇ હદે અને કંઈ રીતે કાર્યવાહી કરી તે અંગે ચર્ચા સાથે ચકચાર જગાડી છે. મહિલા ફોજદાર ડોડીયાના કરતુત અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ છુટતા દક્ષિણા મેળવનાર મહિલા ફોજદાર ડોડીયા સામે કડક કાર્યવાહીના નિર્દેશ મળી રહ્યા છે.