સંજયનગરના રહેવાસીઓનું આંદોલન
ત્રણ વર્ષે એક ઈંટ પણ મુકાઈ નથી: યોજનાના કોન્ટ્રાકટરે ભાડું પણ નહીં ચૂકવતા રહેવાસીઓ કાળઝાળ
બેઘર લોકોના કોંગ્રેસે હાથ પકડતા આંદોલન વેગ પકડી રહ્યું છે
શહેરના સંજયનગરના રહેવાસીઓનો આવાસનો પ્રશ્ન ત્રણ વર્ષથી નહીં ઉકેલાતા કોંગ્રેસની આગેવાની હેઠળ ચાલતા આંદોલનમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ તથા પ્રવકતા શ્વેતા મહેતાએ જણાવ્યું હતું કે, સંજય નગર વિકાસ મંડળ સમિતિ દ્વારા સંજય નગર આવાસ યોજનામાં વ્યાપિત કોર્પોરેશનના કૌભાંડ વિરૂધ્ધ પ્રભુભાઈ સોલંકી તથા સીમાબેન રાઠોડના નેતૃત્વમાં ચાલતા આંદોલન અંતર્ગત કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલના નેતૃત્વમાં કોર્પોરેટર અનિલ પરમાર, પવન ગુપ્તા, અજય ભરવાડ, હર્ષલ અકોલકર તેમજ વોર્ડ નંબર ૪, ૫, અને ૬ના તમામ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.
સંજયનગર આવાસ યોજનામાં ૨૦૧૭થી કોર્પોરેશન દ્વારા લાભાર્થીઓને તથા કોર્પોરેશનની તિજોરીને નુકશાન પહોંચાડીને ૨૦૦૦ કરોડનું કૌભાંડ કોના ઈશારે અને કોના ફાયદા માટે કરવામાં આવ્યું છે? તેવા સવાલો કોંગ્રેસે ઉઠાવ્યા છે.
૩ વર્ષ પહેલાં વારશિયા રિંગ રોડ પર આવેલ સંજયનગર આવાસમાં આવેલ ૧૮૫૦ કાચા પાકા મકાન કોર્પોરેશ દ્વારા તોડી પાડવામાં આવ્યા અને ગુજરાત સરકાર દ્વારા બનાવેલ સ્લમ રિહેબીલીટેશનની સુધારેલ જોગવાઈઓ મુજબ આ મકાનો તોડી બિલ્ડરને પીપીપી હેઠળ સોંપી દેવામાં આવ્યો. ૩ વર્ષ પછી પણ એક ઇટ પણ નહીં મૂકી શકનાર બિલ્ડરને કયા મેરીટ પર આ પ્રોજેકટ આપવામાં આવ્યો ? કોર્પોરેશનની અણઆવડતને કારણે ૨૦૦૦ કરોડનું આ કૌભાંડ આચરવામાં આવ્યું ? શહેર કોંગ્રેસ દ્વારા આ કૌભાંડ ઉઘાડું પાડવામાં આવ્યું. સત્તાધારીઓ દ્વારા ૧૬ લાખ સ્કવેર ફૂટ જમીન બિલ્ડરને કોઈ પણ કરાર વગર પધરાવી દીધી અને લાભાર્થીઓને રઝળતા કરી મૂક્યા હતા. સ્માર્ટ સિટી અંતર્ગત આ પ્રોજેકટની હજી કોઈ શરૂઆત થઈ નથી અને બિલ્ડર સાથે સંજયનગરના રહીશો સાથે થયેલ કરાર મુજબ દર મહિને ૨ હજાર રૂપિયા ભાડું ચૂકવવાની બાબતે રહીશોને ધક્કા ખાઈ રહ્યાં છે.
કૌભાંડ આચરતા સત્તાધીશો સામે શહેર કોંગ્રેસ તથા સંજયનગર વિકાસ મંડળની એક જ માંગણી છે કે સમય મર્યાદાની અંદર આ પ્રોજેકટ પૂરો થયો નથી. જેથી આ કોન્ટ્રાકટ તાત્કાલિક રદ કરી કોર્પોરેશન આ પ્રોજેકટ પોતાના હસ્તક લે જેથી લાભાર્થીઓને માત્ર ૩૫૦ ફૂટની શ્વાસ રૂંધાઇ જાય એવી ઓરડી નહીં પરંતુ ૬૦૦ફૂટનું મકાન બનાવી આપી શકાય આ કામગીરીથી ખાલી પડેલી કોર્પોરેશનની તિજોરીમાં ૧૫૦૦ થી ૧૬૦૦ કરોડની આવક થાય. તેમ કોંગ્રેસે જણાવ્યું છે.