શ્રીલંકા અને યુએઈ બાદ ન્યુઝીલેન્ડે આઈપીએલની મેજબાની કરવાની ઈચ્છા વ્યકત કરી
વૈશ્વિક મહામારી કોરોનાનાં પગલે અનેકવિધ ક્ષેત્રને તેની અસરનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેલજગતને પણ કોરોના ભરખી ગયું હોય તેવું ચિત્ર ઉદભવિત થયું છે. ટી-૨૦ વર્લ્ડકપ રમાવવો કે નહીં એવી જ રીતે એશિયાકપ રમાવવો કે નહીં તે મુખ્ય પ્રશ્ન હાલ બીસીસીઆઈ અને આઈસીસી સામે આવ્યો છે ત્યારે બીસીસીઆઈનાં ચેરમેન સૌરગ ગાંગુલીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, એશિયાકપ ઉપર હવે વાદળો ઘેરાયા છે પરંતુ આઈપીએલ માટે હવે સોનાનો સુરજ ઉગશે. ક્રિકેટ દેશનાં અર્થતંત્રને વિકસિત કરવા માટે અને મજબુત કરવા ઘણીખરી રીતે ઉપયોગી નિવડે છે.
આઈપીએલ દરમિયાન ટીવી રાઈટસ ૧૨૦૦ કરોડમાં વેચાતા હોય છે જે સીધી જ આવક બીસીસીઆઈને થાય છે. બીજી તરફ આઈપીએલની તમામ ફ્રેન્ચાઈઝીની નેટવર્ક કરોડો રૂપિયાની પણ થઈ ગઈ છે ત્યારે બીસીસીઆઈ માટે આઈપીએલ ટુર્નામેન્ટ અત્યંત મહત્વકાંક્ષી અને મહત્વપૂર્ણ ઈવેન્ટ છે. બીજી તરફ વિશ્વ આખામાં કોરોનાનો કહેર જે રીતે સાર્વત્રિક વ્યાપ્યો છે ત્યારે આઈપીએલ ભારતમાં રમાડવી કે કેમ ? તેના ઉપર હાલ ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ શ્રીલંકા અને યુનાઈટેડ અરબ એમીરેટઝે આઈપીએલની મીજબાની કરવાની ઈચ્છા પણ વ્યકત કરી છે ત્યારે ન્યુઝીલેન્ડ પણ બીસીસીઆઈને ઈચ્છા વ્યકત કરતા જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડ પણ આઈપીએલ હોસ્ટ કરવા સજજ છે. આ તમામ ચિત્રને જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, એશિયાકપ રમાઈ કે ન રમાય પરંતુ આઈપીએલ ચોકકસ રીતે રમાશે.
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવાર(૮ જુલાઈ)ના ઘોષણા કરી કે એશિયા કપ ૨૦૨૦ રદ્દ થઈ ગયો છે. આ ઘોષણા એશિયન ક્રિકેટ કાઉન્સિલની ૯ જુલાઈના રોજ યોજાનારી મીટિંગના એક દિવસ પહેલા થઈ ગઈ છે. ગાંગુલીએ આ નિર્ણય વિશે વધુ કંઈ ન જણાવ્યું. તેમણે કહ્યું કે, એશિયા કપ કેન્સલ થઈ ગયો છે. ગાંગુલીએ એ ન જણાવ્યું કે, આ નિર્ણય એશિયા ક્રિકેટ કાઉન્સિલે લીધો છે કે નહીં. એ કહેવું મુશ્કેલ છે કે, શું આ ભારતની પ્રથમ ઈન્ટરનેશનલ સીરિઝ હશે કે નહીં. અમે અમારી તૈયારી કરી ચૂક્યા છીએ પણ સરકારના નિયમો બાબતે કંઈ નથી કરી શકતા. અમે કોઈ ઉતાવળમાં નથી. ખેલાડીઓનું સ્વાસ્થ્ય અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અમે દર મહિને સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ.આ ટૂર્નામેન્ટ યૂનાઈટેડ આરબ અમીરાતમાં સપ્ટેમ્બરમાં રમાવાની હતી. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું મેજબાન હતું પણ ભારતે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આ ટૂર્નામેન્ટની મેજબાની બદલવામાં આવી. બીસીસીઆઈએ પહેલા કહ્યું હતું કે, જો આ ટૂર્નામેન્ટ અન્ય દેશમાં યોજવામાં આવે તો તેને એ વાતથી કોઈ વાંધો નથી કે, પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું વાસ્તવિક મેજબાન રહે. ગાંગુલીએ બીસીસીઆઈનો એ અભિગમ પણ સ્પષ્ટ કર્યો છે આઈસીસી દ્વારા આ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ પર નિર્ણય બાદ આ વર્ષની આઈપીએલ યોજાઈ શકે છે.