રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંકની ચૂંટણી
શહેરની બેઠક ઉપર યજ્ઞેશ જોશીની ઉમેદવારી, તેની સામે રાદડીયા પેનલમાંથી અરવિંદ તાળા ઉતરશે
જયેશ રાદડિયાની પેનલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યા : તમામ બેઠક ઉપર વિજય મેળવવાનો દાવો
રાજકોટ તાલુકા બેઠક ઉપર સખીયા બંધુઓ વચ્ચે ખેંચતાણ બાદ અંતે શૈલેષ ગઢિયાનું નામ ફાઇનલ કરાયું
ચૂંટણી બિનહરીફ થશે, જો શરાફીમાં ચૂંટણી થાય તો પણ અમારો બહુમતિથી વિજય: જયેશ રાદડીયા
રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન અને રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં આજરોજ મારી પેનલના ૧૦ ઉમેદવારો ફોર્મ ભર્યા છે. છેલ્લા રર વર્ષથી મારા પિતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના નેતૃત્વ હેઠળ બેંકની કામગીરી કરવામાં આવતી હતી. હરહમેશા ખેડુતો હકક અને હિત માટેની લડાઇ કરી છે. આ બેંકની ચૂંટણીમાં તેમની ગેરહાજરીમાં પણ ખેડૂતોના હકક અને હિતને ઘ્યાનમાં રાખીને હું મારા નિર્ણય કરવાનો છું. હાલના સમયમાં પણ રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય કે ગ્રામ્ય વિસ્તારની મંડળો સુધી કયાંય પણ ચૂંટણી થતી નથી લોકોનો એક મજબુત ભરોસો સહકારી માળખા પર છે. એ માળખાનો ભરોસો અકબંધ જળવાય રહે એ દિશામાં હું મારા માર્યો કરતો રહીશ. આ જ હેતુને ઘ્યાનમાં રાખી હું આ ચૂંટણીમાં આગળ વધી રહ્યો છું.
મારા પિતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા દ્વારા પણ ક્ષેત્રે કામગીરી કરવામાં આવી છે જેમ કે રાજકીય, સહકારી ક્ષેત્રે હોય કે સમાજની દ્રષ્ટિએ એનો લાભ સો ટકા મને મળી રહ્યો છે. અને એમના પગલે પગલે હું ચાલી રહ્યો છું. રાજકોટ જીલ્લા છેલ્લા રર વર્ષથી સહકારી બેંક ક્ષેત્રે વધુ ખેડુત સભા સદસ્યો માટે હિતના કાયમી નિર્ણયો કર્યો છે. તેનો લાભ મળશે અને આવનારા દિવસોમાં ખેડુતો માટે આ બેંકમાંથી નિર્ણયો લેવામાં આવશે. શરાફી અલગ મંડળી આવતી હોય છે. એમાં ખેતી વિષયક મંડળી હોતી નથી તેમાં પણ મારા પ્રયત્નો છે કે એસીટ પણ બિન હરીફ થાય કદાચ ૧૭ બેઠકોમાંથી શરાફી બેઠક પર ચૂંટણી થાય તો પણ એ બેઠકમાં મારી પેનલમાં ઉમેદવાર જીતવાના છે એ પણ બહુમતિ સાથે જીતવાના છે.
૨૦૨૨ સુધીમાં બેંકનું ટન ઓવર રૂ. ૧૦,૦૦૦ કરોડ સુધી પહોંચે તેવું અમારું આયોજન કરીને રાખ્યા છે. વર્ષો વર્ષની બેંકની ડિપોઝીટમાં ઉતરોતર વધારો થતો જાય છે. ચાલુ વર્ષે ટુંકી મુદતનું કપાસ અને મગફળીનું ધીરાણ કર્યુ છેે. રૂ. ૨૪૦૦ કરોડનુ ઝીરો ટકા મુદતે ધીરાણ થયું છે. અત્યાર સુધી બન્ને ખેડુતોના હિત અને ફાયદા માટે જ નિર્ણયો કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં પણ ખેડુતો માંગે એ પ્રકારની લોન, માંગે ત્યારે અને ઓછા વ્યાજે આ બેંકમાંથી આપીને ખેડુતોને મદદરૂપ થવાનો પ્રયત્નો કરશે.
રાજકોટ ડિસ્ટ્રીકટ કો- ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ તમામ ૧૭ બેઠકો માટે વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો કે શહેરી સરાફી બેઠકમાં યજ્ઞેશ જોશીએ ઉમેદવારી નોંધાવતા જયેશ રાદડિયાનો વિજય વિશ્વાસ તૂટશે કે નહીં તે અંગે ચર્ચા જાગી છે. વધુમાં જયેશ રાદડિયાની પેનલે તમામ બેઠકો ઉપર વિજય થવાનો દાવો પણ કર્યો છે. ઉમેદવારી ફોર્મ નોંધવવાનો આવતીકાલે અંતિમ દિવસ હોય ત્યારે બિનહરિફનું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.
રાજકોટ ડિસ્ટ્રીકટ કો- ઓપરેટિવ બેંક લી.ની ચૂંટણી અંગે ગત તા. ૧ જુલાઈના રોજ ધોરાજી પ્રાંતએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જેમાં ખેતી વિષયક અને વિવિધ કાર્યકારી સહકારી મંડળીની ૧૩, બિનખેતી વિષયક શરાફી અને અન્ય મંડળીઓની ૨, માર્કેટિંગ અને પ્રોસેસિંગ મંડળીની ૧ તથા ઈતર મંડળી ૧ મળી કુલ ૧૭ બેઠકો માટે મતદાન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ગત તા. ૬ જુલાઈના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. અને બાદમાં તા. ૭થી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થયું હતું. જેની અંતિમ તારીખ ૧૦ રાખવામાં આવી છે.
બાદમાં તા.૧૧ના રોજ ઉમેદવારી પત્ર ચકાસવામાં આવનાર છે. અને તા.૧૩ના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો દિવસ જાહેર કરાયો છે. તા.૧૬ના રોજ હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કર્યા બાદ તા. ૨૬ના રોજ મતદાન જાહેર કરવામાં આવ્યું છે. અને તા.૨૭ના રોજ મતગણતરી અને પરિણામ જાહેર કરવામાં આવનાર છે.
આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ચૂંટણીને લગતા દાવપેંચ શરૂ થઈ ગયા છે. રાજકોટ તાલુકાની બેઠક માટે ડી.કે.સખીયા અને વિજય સખીયા માટે ખેંચતાણ ચાલી રહી હતી. જો કે અંતે આ બેઠક ઉપર શૈલેષ ગઢિયાનું નામ ફાઇનલ થયું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ જયેશ રાદડિયા પેનલ દ્વારા ૧૭ પૈકી ૧૨ બેઠકો બિન હરીફ જીતવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ગ્રામ્ય સરાફી પર ધનજી કુંડલિયાએ ફોર્મ ભર્યું છે. જામકંડોરણા બેઠક પર લલિત રાદડિયાએ ફોર્મ ભર્યું છે. ઈતર બેઠક પર મગનભાઈ ધોણિયાએ ફોર્મ ભર્યું છે અને રૂપાંતર બેઠક પર જયેશ રાદડીયાએ ફોર્મ ભર્યું છે. મોરબીમાંથી મગન વડાવિયા, પડધરીમાંથી ડાયાભાઇ પીપળિયા, જસદણમાં અરવિંદ તોગડિયા, ગોંડલમાંથી પ્રવીણ રૈયાણી, જેતપુરમાં ગોરધન ધામેલિયા, ધોરાજીમાં વિનુ વૈષ્ણવ, ઉપલેટામાં હરિ ઠુંમર, માળિયામાંથી અમૃત વિડજા અને વાંકાનેરમાંથી જાવેદ પીરજાદા, લોધિકામાંથી વિરભદ્રસિંહ જાડેજા, ટંકારા બેઠક પરથી વાઘજી બોડાના પુત્ર દલસુખ બોડાએ ફોર્મ ભર્યું છે.
રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં બન્ને રાદડિયા બંધુ સહિત તેમની પેનલના ૧૭ ઉમેદવારે આજે વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ૧૭ બેઠકોમાંથી હાલની સ્થિતિ પ્રમાણે શહેર સરાફી બેઠકમાં ચૂંટણી યોજાઇ તેવી શકયતા સેવાઇ રહી છે. રાજકોટ શહેરની બેઠકમાં અરવિંદ તાળાની સામે યજ્ઞેશ જોશીએ ગઇકાલે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી છે. માટે આ બેઠકમાં તો ચૂંટણી નક્કી છે. વધુમાં યજ્ઞેશ જોશી રાદડિયાનો ૧૭ બેઠકનો વિજય વિશ્વાસ તોડશે કે કેમ તેવી ચર્ચાએ જોર પકડયું છે.
જયેશભાઈ તમામ ૧૭ બેઠકોને બિનહરીફ કરાવશે તેવો યજ્ઞેશ જોશીને આશાવાદ: જરૂર પડયે લડી લેવાની તૈયારી
આરડીસી બેંકની બિનખેતી વિષયક શરાફી મંડળીની બેઠક પરથી બેંકના પૂર્વ ડીરેકટર યજ્ઞેશભાઈ જોષીએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી છે. યજ્ઞેશભાઈએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણી માટે ઉમેદવારી ભરાવવાની પ્રક્રિયા પૂન: શરૂ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ફોર્મ ભરાય જશે ત્યારબાદ જ કહી શકાય આગળનાં દ્રશ્યો કેવા રહેશે મને લાગે વળગે છે ત્યાં સુધી હું બીન ખેતી વિષયક શરાફી મંડળીઓનાં જૂથમાં વિઠ્ઠલભાઈની સાથે ૧૯૯૫થી ૨૦૧૫ સુધી ડાયરેકટર તરીકે સેવાઓ આપી છે.વિઠ્ઠલભાઈ સાથે રહીને જ શરાફી મંડળીના પ્રશ્ર્નો ઉકેલવાના ભરપૂર પ્રયત્નો કરી અને પરિણામ લક્ષી કાર્યો કર્યા છે. અમે વ્યાજનો દર અને શરાફી મંડળીના જે કાય પ્રશ્ર્નો હોય એ બધા પ્રશ્ર્નોનો ઉકેલ અમે સારી રીતે લખાવ્યા છીએ મારી શકિત એ વિઠ્ઠલભાઈએ બરોબર ઓળખી હતી એટલે જ તેમને મને સાથે રાખ્યા હતા હાલમાં અને આગામી દિવસોમાં જયેશભાઈ રાદડીયા સક્ષમ રીતે રાજકોટ જિલ્લા સહકારી બેંકનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. ત્યારે મને આશા છે શરાફી સહિતની આખી ચૂંટણી તેઓ બીન હરીફ જીતશે જો કોઈ મુશ્કેલી ઉભી થાશે તો મે મારૂ ફોર્મ ભરી આપ્યું છે અને યજ્ઞેશ જોષી ચૂંટણી લડશે જ.