અહેમદ પટેલની સંસદમાંથી એક્ઝિટ કરાવવા તખ્તો તૈયાર: શાહની રાજ્યસભામાં એન્ટ્રી અહેમદભાઈને હંફાવવાનો પેંતરો
ગુજરાતના રાજકારણમાં છેલ્લા ૨ મહિનાથી સતત ઉથલ-પાથલ થઈ રહી છે. તેમાં પણ શંકરસિંહના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે નવા પાસાઓ દેખાઈ રહ્યાં છે. જેમાં વાઘેલા અને અમીત શાહ મળીને અહેમદ પટેલનો ઘડો લાડવો કરવાના હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે.
એહમદભાઈએ મંગળવારે અમદાવાદમાં ધારાસભ્યો સાથેની બેઠક બાદ મોડી સાંજે શંકરસિંહના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને જઈને બાપુની મુલાકાત લીધી હતી. એકતબક્કે તેમણે રાજ્યસભામાં ઉમેદવારી કરવા બાપુને કહ્યું હતું. જો કે, બાપુએ આદરથી તેમને ઉમેદવારી કરવા અને મત આપવાનો વિશ્વાસ આપ્યો હતો. એહમદભાઈએ જણાવ્યું કે, શંકરસિંહના શબ્દો પર મને સંપૂર્ણ ભરોસો છે. એહમદભાઈ પટેલ બુધવારે ઉમેદવારીપત્ર ભરવા ગયા ત્યારે કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, એનસીપીના ધારાસભ્ય જયંત પટેલ(બોસ્કી), જેડી(યુ)ના ધારાસભ્ય છોટુ વસાવા સહિતના ધારાસભ્યો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, એહમદભાઈની ઉમેદવારી સમયે એક સમયના તેમના વફાદાર એવા કોંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસના દંડક બલવંતસિંહ રાજપૂત સહિતના અનેક ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. આ સંજોગોમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જ ધારાસભ્યો દ્વારા ક્રોસવોટિંગ થવાની જોરદાર અટકળો વહેતી થઈ હતી.
કોંગ્રેસના ઉમેદવાર તરીકે એહમદભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી તેના ગણતરીના કલાકોમાં જ સિદ્ધપુરના કોંગી ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત કે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ અથવા તો સી.કે.રાઉલજી રાજ્યસભાની ચૂંટણીમાં એહમદભાઈ વિરુદ્ધ દાવેદારી કરીને ચૂંટણી લડશે તેવો ઘટસ્ફોટ થયો છે. અપક્ષ ઉમેદવાર તરીકે શંકરસિંહ વાઘેલાના ઈશારે જો કોઈ બળવાખોર ઉમેદવાર ચૂંટણી લડે તો કોંગ્રેસની જીત સામે પ્રશ્નાર્થ ઊભો થશે એ શકયતા નકારાતી નથી. તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અગિયાર ધારાસભ્યોએ કરેલા ક્રોસ વોટિંગથી કોંગ્રેસની છાવણીમાં ગભરાટનો માહોલ છવાયો છે. સિદ્ધપુરના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસના દંડક બલવંતસિંહ રાજપૂત આમ તો વરિષ્ઠ નેતા એહમદભાઈ પટેલના વિશ્વાસુ મનાતા હતા. જો કે, શંકરસિંહના પુત્ર અને બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાના વેવાઈ થાય છે. મહેન્દ્રસિંહ વાઘેલાના દીકરા અને બલવંતસિંહની દીકરીના લગ્ન થયા છે. એ સંબંધે રાજપૂત અને શંકરસિંહ વેવાઈ થાય છે. બલવંતસિંહ રાજપૂત છેલ્લા કેટલાયે સમયથી કોંગ્રેસની આંતરિક ખેંચતાણથી દુ:ખી હતા.
રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સરપ્રાઇઝ એન્ટ્રી મારતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપનો પેંતરો કોંગ્રેસના મહારથી અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદભાઇ પટેલને હંફાવવાનો કે હરાવવાનો હોય તેમ સ્પષ્ટ જણાય છે. અમિતભાઇ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મ્ૃતિ ઇરાનીને રિપીટ કરવામાં આવ્યા છે તે બાબત આશ્ચર્યજનક નથી, પરંતુ ગુજરાતમાંથી અમિતભાઇ વિધાનસભા છોડી સંસદમાં જાય તો આવનારા દિવસોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી બને એવી અટકળો પણ વેગવંતી બની છે. અમિતભાઇ અને સ્મૃતિ ઇરાનીનો વિજય સ્પષ્ટ છે. રાજ્યસભામાં પ્રવેશ્યા બાદ જો અમિતભાઇ નારણપુરાની બેઠક પરથી રાજીનામું આપશે તો વિધાનસભાની ચૂંટણીમાં માત્ર છ માસનો જ સમય બાકી રહેતો હોવાથી પેટા ચૂંટણીનો પ્રશ્ન પણ ઉપસ્થિત થશે નહીં.
અમિતભાઇ શુક્રવારે સવારે ગાંધીનગર પહોંચશે જ્યારે કેન્દ્રીયપ્રધાન ઇરાની ગુરુવારે સાંજે કોબા ખાતે મળનારી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપશે અને શુક્રવારે અમિતભાઇ સાથે જ ફોર્મ ભરશે. અમિત શાહ આગામી ૨૦૧૭ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાના નથી તેવી જાહેરાત અગાઉ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરી ચૂક્યા છે. અમિત શાહના રાજ્યસભાના ઉમેદવાર જાહેર થવા સાથે જ પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે. અહીં નોંધવુ જરૂરી છે કે, હાલ રાજ્યસભાના સભ્યોમાંથી અરુણ જેટલી અને સ્મૃતિ ઇરાની કેન્દ્રીય કેબિનેટમાં છે. લોકસભાના સભ્યોમાંથી કેન્દ્રીય રાજ્યપ્રધાનોમાં પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, હરિભાઇ ચૌધરી, જશવંતસિંહ ભાભોર પદભાર સંભાળી રહ્યા છે. આમ, છ પ્રધાનો ગુજરાતના છે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકના જંગની શતરંજ ગોઠવાઇ છે પણ તેમાં પડદા પાછળ વિધાનસભા ચૂંટણીના સોગઠાં પણ રમાઇ રહ્યાં છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની તો મેદાનમાં છે જ પણ ખરો ખેલ તો એ છે કે ભાજપમાંથી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સંસદમાં એન્ટ્રી થાય અને બીજી તરફ રાજ્યસભામાં ચાર ટર્મથી પ્રતિનિધિત્વ કરી ચૂકેલા એહમદ પટેલની આ વખતે એક્ઝિટ જ થઇ જાય તેવી બાજી ગોઠવાઇ રહી છે. આ બાજીનું સુકાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે પણ તેની સફળતાનો ઘણો આધાર શંકરસિંહ વાઘેલા પોતે બળવંતસિંહ રાજપૂત મારફત કેવી ચાલ રમે છે તેના પર છે.
ગેહલોત આક્ષેપો પાછા ખેંચે, નહીં તો રાજ્યસભાની ચૂંટણી પહેલાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ: બાપુ
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાને એનડીએ સરકાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ CBIઅને EDદ્વારા બ્લેકમેઈલિંગ કરતા હોવાથી તેમણે કોંગ્રેસ છોડી હોવાના કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતના આક્ષેપને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ફગાવી વળતો હુમલો કરતાં કોંગીજનોને તેમની હદમાં રહેવાની ચીમકી આપી છે. અશોક ગેહલોત તેમની સામેના આક્ષેપ પાછા ન ખેંચે તો રાજ્યસભાની ચૂંટણી પહેલાં ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેવાની ધમકી શંકરસિંહે ઉચ્ચારી છે. અગાઉ રાહુલ ગાંધી સમક્ષ પ્રમુખપદેથી ભરતસિંહ સોલંકીને હટાવવામાં સૂર પૂરાવનારા કોંગ્રેસના સિનિયર નેતાઓએ નૈતિકતા કોરાણે મૂકીને આજે તેમની સાથે થઈ ગયા હોવાનો ઘટસ્ફોટ શંકરસિંહે કર્યો છે.
શંકરસિંહે મંગળવારે મીડિયા સમક્ષ કોંગ્રેસ પ્રભારીના આક્ષેપોને ફગાવતા કહ્યું કે, તેમનું જાહેર જીવન પારદર્શી રહ્યું છે. તેઓ ક્યારેય કોઈના દબાણમાં આવ્યો નથી કે તેમણે ક્યારેય કોઈનું બ્લેકમેઈલિંગ કે બાર્ગેનિંગ કર્યું નથી. કોંગ્રેસ પ્રભારીના નિવેદન અંગે ધમકીના સૂરમાં કહ્યું કે, હજુ હું કોંગ્રેસના ધારાસભ્યપદે છું, રાજ્યસભામાં કોંગ્રેસ જીતે તેવું ઈચ્છું છું. મારો મત એહમદભાઈને આપવાનો નિર્ણય કર્યો છે, પરંતુ ગેહલોતની આ બયાનબાજી યોગ્ય નથી. તેમણે કહ્યું કે, તેમના ઘરે CBIની સર્ચમાં સોના-ચાંદીના સિક્કા કે જમીન લે-વેચના દસ્તાવેજો નહીં પરંતુ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની રોકડ સિવાય કંઈ મળ્યું નથી. ગેહલોતને CBIની નવેસરથી તપાસ કરાવવાનો પડકાર ફેંકતા તેમણે કહ્યું કે, ગેહલોતને ગુજરાતના મુખ્યપ્રધાન બનવું હોય તો બને પરંતુ જાણીજોઈને મતલબ વિનાના ઉચ્ચારણો કરવાનો તેમને અધિકાર નથી. મે રાજકીય પાર્ટી છોડી છે, રાજકારણ નહીં, પાર્ટીના બંધન બધાને સાથે રાખવા માટે હોય છે ત્યારે કોંગ્રેસ પ્રભારી અને કોંગ્રેસના અન્ય નેતાઓ તેમની મર્યાદામાં રહે.
અહેમદભાઇને ચૂંટણી જીતવા માટે કમસેકમ ૪૬ એકડની જરૂર
સામાન્ય રીતે રાજ્ય સભાની ચૂંટણીમાં ગુજરાતના ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા આવ્યા છે. રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ભાજપના બે ઉમેદવારોની જીત સ્પષ્ટ જણાય છે. જો કોંગ્રેસમાંથી કોઇ બળવાખોર ઉમેદવારી કરે તો કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઇ પટેલને કમસેકમ ૪૬ મતો જીત માટે મેળવવા આવશ્યક છે.
ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮૨ મતદારો છે. તે પૈકી ભાજપનું સંખ્યાબળ ૧૨૧ જ્યારે કોંગ્રેસ પાસે ૫૭ ધારાસભ્યો ઉપરાંત એનસીપીના ૨ ધારાસભ્યો ટેકો આપે તેવી શક્યતા છે. જ્યારે બે અપક્ષ ધારાસભ્યો ભાજપને મત આપે એવી શક્યતા જણાય છે.
તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના પગલે ભાજપને ૧૩૩ અને કોંગ્રેસને ૪૭ મતો મળ્યા હતાં. જો ભાજપ પોતાના બે ઉમેદવારને ૪૬-૪૬ મત પ્રથમ પ્રેફરન્સના ફાળવે તો કુલ ૯૨ મતે બન્ને ઉમેદવારો ચૂંટણી જીતી જાય અને ભાજપ પાસે ૪૧ મતો વધારાના રહે. આ સંજોગામાં જો શંકરસિંહ વાઘેલાનું બળવાખોર જૂથ કોંગ્રેસી છાવણીમાં ગાબડુ પાડે તો કોંગ્રેસ માટે કફોડી સ્થિતિ થઇ શકે. ટૂંકમાં એહમદભાઇને સલામત રીતે જીતવા કમસેકમ ૪૬ મતો મેળવવા જરૂરી છે. ગુજરાતમાં ભાજપ લોકસભામાં ૨૬માંથી ૨૬ જ્યારે રાજ્યસભામાં ૧૧માંથી ૯ બેઠકો ધરાવે છે.એહમદભાઈ ઉપરાંત મધુસૂદન મિસ્ત્રી માત્ર બેજ સાંસદ રાજ્યસભામાં છે ત્યારે આ બેઠક જીતવા એહમદભાઈ એડીથી માંડીને ચોટીનું પૂરે પૂરું જોર લગાવશે જ્યારે સામે પક્ષે અમિતભાઈથી માંડીને શંકરસિંહ વાઘેલા જૂનો રાજકીય સ્કોર સેટલ કરવા એહમદભાઈને હંફાવવાની પૂરી કોશિશ કરશે.