જિલ્લામાં એક અઠવાડિયામાં કોરોનાની સદી : કુલ આંક ૫૦૦ને પાર
સૌરાષ્ટ્રમાં એક દિવસમાં વધુ ૧૦૦ કોરોનાગ્રસ્ત : દિવમાં એક સાથે ૧૦ લોકો કોરોનાની ઝપટે
રાજકોટ શહેર સહિત જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશનના કારણે કોરોના વાયરસનો ફેલાવો બેકાબુ બન્યો છે. રાજકોટ શહેરમાં આજ રોજ વધુ ૧૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨ લોકો કોરોના સંક્રમણમાં સપડાયા છે. જ્યારે સિટી અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૫૦૦ને પાર પહોંચી છે. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ દર્દીઓના ભોગ વાયરસે લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓમાં કોરોનાના ૧૦૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં એક દિવસમાં વધુ ૧૦ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે.
રાજકોટમાં એક તરફ મેઘની મહેર તો બીજી તરફ કોરોનાનો કહેર વરસી રહ્યો હોય તેમ કોરોના લોકલ ટ્રાન્સમિશનના કારણે સતત પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.જુલાઈ માસના પ્રથમ અઠવાડિયે જ કોરોનાના ૧૦૦ થી વધુ પોઝિટિવ કેસ સાથે મૃત્યુદરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ સિટીમાં આજ રોજ કોરોનાના વધુ ૧૨ પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૦૦ની નજીક પહોંચી છે. રાજકોટ તાલુકા વિસ્તારમાં એક પુરુષ અને ધોરાજીના એક પુરુષ કોરોના સંક્રમણમાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ દર્દીઓના ભોગ વાયરસે લીધા છે. જ્યારે ગઈ કાલે રાજકોટમાં સારવાર લઇ રહેલા ધીરુભાઈ ચાણસ્મા (ઉ.૬૫), મોરબીના રમણિકભાઈ પિત્રોડા (ઉ.૪૮), જેતપુરના ભીખુભાઇ શામજીભાઈ (ઉ.૬૦), વીંછીયાના અમીનાબેન (ઉ.૬૦) અને સુરેન્દ્રનગરના સુરજીતભાઈ રોય(ઉ.૨૯) કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા છે.
સૌરાષ્ટ્રમાં પણ લોકલ ટ્રાન્સમિશનના કારણે કોરોના બેકાબુ બન્યો હોય તેમ એક જ દિવસમાં કોરોનાના ૧૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જૂનાગઢ ૧૦, અમરેલી ૧૦, સોમનાથ ૯, જામનગર ૮, મોરબી ૫, પોરબંદર ૪ અને દ્વારકામાં પણ કોરોના વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. લાલપુર ખાતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભુખુભાઈ ભેંસદડીયા (ઉ.૬૫) કોરોના સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે વિરોધપક્ષના નેતાના ભાઈ પણ કોરોના સંક્રમણમાં સપડાયા છે.
જૂનાગઢમાં પણ કોરોના સંક્રમણ સતત વધતું રહ્યું છે. જૂનાગઢ સિટીમાં ૫ અને જિલ્લામાં ૬ મળી કુલ ૧૧ કોરોના પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા છે.શહેરમાં જૂનાગઢ નેમિનાથ મઢી પાસે ૩૯ વર્ષીય પુરુષ, બ્રહ્મસમાજ વાડી પાસે ૨૫ વર્ષીય યુવાન, સથવાર સમાજ પાસે ઝાંઝરડા રોડ પર ૨૭ વર્ષનો યુવાન, પટેલ સમાજ ટીમબાવાડી ખાતે ૧૦ વર્ષીય બાળકી અને સુદામા પાર્કમાં ૩૧ વર્ષની મહિલા કોરોના ઝપટે ચડી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ ખાડિયા, વિજાપુર, મેંદરડા, રાજેશરા અને માળીયા હાટીનામાં વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. માંગરોળ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારી કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. દિવમાં ગઈ કાલે એસબીઆઈ બેંકના એક સાથે ૭ કર્મચારી કોરોનાની ઝપટે ચડતા ફફડાટ મચી ગયો છે. તેમજ સોમનાથ ગેસ એજન્સીના ૧ કર્મચારી, ૨ શાકભાજીના ધંધાર્થી સહિત દિવમાં એક દિવસમાં વધુ ૧૦ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે.એક સાથે કોરોનામાં ૧૦ પોઝિટિવ કેસ નોંધાતા દિવ કલેકટર સલોની રોય સહિતનાઓ સૂચનો પાઠવી હતી.