નવાઝની એન્ટ્રી થાય ત્યારે સીટીઓ વાગે આનાથી મોટો એવોર્ડ હોય ન શકે
બોલીવૂડના ડ્રામા કિંગ નવાઝુદિન સિદિકીની આત્મકથા ઈનક્રિડિબલ લાઈફ ઓફ ડ્રામા કિંગ બહાર પડશે પત્રકાર રીતુપર્ણા ચેટરજી સાથેની વાતચીત પણ આત્મકથામાં સામેલ છે. આવતા બે મહિનામાં આત્મકથાની બૂક લોંચ થશે.૧૯૯૯માં નવાઝુદિન સિદિકીએ ફિલ્મ સરફરોશથી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડયા ત્યારથી તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ મુન્ના માઈકલ સુધીની સફરની વાત આત્મકથામાં વણી લેવામાં આવી છે. બોલીવૂડમાં નવાઝે કરેલો સંઘર્ષ, તેણે ખાવી પડેલી ઠોકરો અને સારા માઠા અનુભવોનો નીચોડ આત્મકથામાં છે.સામાન્ય રીતે સિનિયર સેલેબ્રિટીઝ આત્મકથા લખતા હોય છે. નવાઝ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આમ સિનિયર નથી પરંતુ. તેમનો અભિનય એટલો પરિપકવ છે કે તેઓ સિનિયરની કેટેગરી આવી ગયા છે. નવાઝની પાસે આજે ફિલ્મોની કમી નથી. તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મો મોમ અને મુન્ના માઈકલના તેમનો કિરદાર બિલ્કુલ હટ કે હોવા છતાં તેમણે હંમેશની માફક નોંધનીય કામ કર્યું છે.તેમની આગામી ફિલ્મોમાં બાબુમોશાય બંદૂકબાઝ, ફોબિયા-૨ વિગેરે સામિલ છે. તેમની પાસે બોલીવૂડ ઉપરાંત હોલીવૂડની પણ ઓફર છે. પરંતુ નવાઝને હોલીવૂડ જવાની ઉતાવળ નથી. ઘર આંગણે જ તેમની પાસે ઘણા બધા પ્રોજેકટ હાથ પર છે.નવાઝે ફાલતુ ફિલ્મોની ઓફર ટાળવા માટે મહેનતાણું વધારી દીદું છે. તેમને હીરોની સમકક્ષ રોલ મળે છે. દાખલા તરીકે ફિલ્મ રઈશમાં શાહ‚ખ ખાન જેવો સુપરસ્ટાર હતો છતા નવાઝુદિનને પૂરતું ફૂટેજ આપવામાં આવ્યું હતુ. ફિલ્મ મુન્ના માઈકલનો રીવ્યૂ કરતી વેળાએ કોસ્મોપ્લેકસનાં સિનેમા હોલમાં નોંધ્યું કે જયારે નવાઝૂદિન સિદિકીની પડદા પર એન્ટ્રી થાય છે. ત્યારે સીટીઓ વાગી હતી. એક ચરિત્ર અભિનેતા માટે આનાથી મોટો એવોર્ડ હોઈ જ ન શકે.