પી.ડી.યુ.સિવિલના ચિલ્ડ્રન વિભાગની ઉત્કૃષ્ઠ કામગીરી
એક બાળકને સ્વસ્થ થતા ૨ થી ૩ મહિના લાગતો સમય, સારવારનો ખર્ચ પ્રતિ બાળક રૂ.૨.૫ લાખ
એક તરફ કોરોના સંક્રમણ ભરડો લઈ રહ્યો છે અને હવે નાના બાળકો પણ કોરોનગ્રસ્ત થઈ રહ્યા છે તે સમયે અન્ય ઘાતક રોગ પણ થોડેઘણે અંશે બાળકોમાં જોવા મળી રહ્યા છે. એક સાથે અનેક બાળકોને વાયરલ ઇન્ફેક્શનથી લકવાની અસર થતા ગુલિયાન બારી સિન્ડ્રોમ કે જેને રાજ રોગ કહે છે તેના શિકાર બનવાની અસામાન્ય ઘટના હાલમા જોવા મળી. જેમા આ રોગના શિકાર બન્યા હતા પાંચ બાળકો, અને તેઓ આશરે ૯૦ દિવસની સારવાર બાદ હાલમાં જ સ્વસ્થ બની ઘરે પરત ફર્યાનું જણાવે છે રાજકોટની સિવિલ હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગના હેડ ડો. પંકજ બુચ.
આ રોગ વિશે માહિતી આપતા ડો. બુચ ઉમેરે છે કે, આ રોગમાં શરૂઆતમાં સામાન્ય વાયરલ ઈંફેશન થાય છે. જેમાં શરદી ખાંસી જેવી તકલીફ હોઈ છે. જેની સામે લડવા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જન્મે છે, કેટલાક કિસ્સામાં રોગ સામે લડવાને બદલે તેમના શરીર પર જ હુમલો કરે છે. શરૂઆતમાં પગથી અસર થાય, બાદમાં સમગ્ર શરીર લકવા ગ્રસ્ત થવા માંડે છે. ત્યારબાદ ગળા અને શ્વાશન તંત્ર પર અસર કરી તેમને લકવાગ્રસ્ત કરે છે ત્યારે દર્દીને શ્વાસ લેવાની તકલીફ પડે છે જે માત્ર ૧૪ દિવસની અંદર આ ઘટના બનતી હોવાનું અને તુરતજ સારવાર નો મળે તો દર્દી મૃત્યુ પામે છે તેમ ડો. બુચ જણાવે છે.
રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવા ૫ બાળકોને સઘન સારવાર આપી મોતના મુખમાંથી બહાર લાવતી તજજ્ઞ ડોક્ટર્સની ટીમ સારવાર વિષે જણાવતા કહે છે કે આવા બાળકોને ઈલેક્ટ્રો માયોગ્રામ, નર્વ કંડકશન વેલોસીટી અને મગજના પાણીની તપાસ કરવામાં આવે છે. ઇમ્યુનો ગ્લોબીન થેરાપી નામે જાણિતી સૌથી મહત્વની ટ્રીટમેન્ટમાં આપવામાં આવે છે. તેમજ તેમને વેન્ટિલેટરી મેનેજમેન્ટ દ્વારા ગળામાં કાણું પાડી અને વેન્ટિલેર દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા પુરી પાડવામાં આવે છે. આ સમયે જમવાનું બંધ અને માત્ર નળી વાટે તેઓને ફીડ કરવામાં આવે છે.
શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટિબોડી તત્વો કે જે શરીરને નુકસાન કરતા છે તેમને બ્લોક કરવા ઇન્ટરવેન્સ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનુ ખાસ ઇન્જેક્શન આપવામાં આવે છે. જેની કિંમત રૂ. ૮૦ હજાર થી રૂ. ૧ લાખ સુધીની હોઈ છે. જેની માત્રા બાળકના વજન પરથી નક્કી કરવામાં આવે છે. વેન્ટલીએટરી સિસ્ટમ, અન્ય એન્ટિબોડી ઇન્જેક્શન તથા અન્ય મેડિસિનનો ખર્ચ લગભગ રૂ. ૮ હજાર જેટલો પ્રતિદિન થાય છે. એક બાળક ૭૦ થી ૯૦ દિવસ સારવાર દરમ્યાન હોસ્પિટલમાં રહે છે, તેઓનો સરેરાશ રૂ. ૨.૫૦ લાખનો ખર્ચ થાય છે. જે તમામ ખર્ચ સરકારી હોસ્પિટલ ભોગવે છે તેમ ડો. બુચ જણાવે છે.
જુદી જુદી હોસ્પિટલમાંથી રાજકોટ સિવિલમાં રીફર કરાયેલા બાળકોમાં ગુલિયાન બારી સિન્ડ્રોમની શ્વસનને લગતી ગંભીર બીમારીઓ જોવા મળી હતી. માંગરોળ તાલુકાના આરાધ્યા ભરતભાઈ જેની ઉંમર ત્રણ વર્ષની છે તેમને કુલ ૮૯ દિવસ માટે સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, અને ૨૫ દિવસ માટે વેન્ટિલેટર હેઠળ સારવાર આપવામાં આવી હતી. માળિયા-મિયાણાના સાત વર્ષીય હુસેનભાઇ ૩૮ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને ૨૦ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઉપલેટાના હર્ષ અશ્વિનભાઈ પરમાર કે જે આઠ વર્ષના બાળકને ૧૭ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવેલ હતો. રાજકોટના મિતરાજ ગોસ્વામીને કુલ ૭૮ દિવસ સારવાર આપવામાં આવી હતી તેમને ૨૦ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો અન્ય એક દર્દી મૂળ દાહોદના વતની શિવરાજ લક્ષ્મણ કે જે માત્ર ત્રણ વર્ષના બાળકને કુલ ૭૨ દિવસ સારવાર સાથે ૨૫ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા બાદ આ બાળકોને ફિઝ્યોથેરાપી આપવામાં આવી હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.