કચ્છ પર વેલમાર્ક લોપ્રેશર સર્જાયું સાથો સાથ સૌરાષ્ટ્ર પર અપરએર સાયકલોનીક સરકયુલેશન પણ સક્રિય: ૪૮ કલાક સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની સંભાવના: દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદનું જોર વધુ રહેશે: રાજકોટ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ ટુ
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ચોમાસું સક્રિય થઈ જવા પામ્યું છે. છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ભારે વરસાદમાં રાહત અને બચાવ કાર્ય માટે અલગ-અલગ ૪ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈયાર કરી દેવામાં આવી છે. આજે સવારથી સૌરાષ્ટ્રનાં મોટાભાગના જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર હાલ કચ્છ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે સાથો-સાથ સૌરાષ્ટ્ર પર અપરએર સાયકલોનીક સરકયુલેશન પણ સક્રિય છે જેની અસરનાં કારણે આગામી ૪૮ કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે જયારે દરિયાકાંઠા વિસ્તાર જેવા કે જુનાગઢ, પોરબંદર, વેરાવળ, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીનાં કારણે રાજકોટ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં એનડીઆરએફની એક-એક ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વેલમાર્ક લો-પ્રેશર અને સાયકલોનીક સરકયુલેશન ઉપરાંત મોનસુન ટ્રફ કચ્છથી લઈ બંગાળની ખાડી સુધી વિસ્તરેલો છે. આજે બપોર બાદ મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ પડવાનું શરૂ થઈ જશે. ગઈકાલે આખીરાત વરસાદ વરસ્યા બાદ આજે સવારથી રાજયનાં ૧૧૨ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. ગીર-સોમનાથ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ, પોરબંદર સહિતનાં મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો હોવાનાં અહેવાલો મળી રહ્યા છે. આ લખાય રહ્યું છે ત્યારે રાજકોટ શહેરમાં પણ વરસાદ પડી રહ્યો છે.