ચીન અને ભારત વચ્ચે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક જ લેહ પહોંચીને પોતાની રાષ્ટ્ર પરાયણતા અને સબળ નેતૃત્વનો અસાધારણ હિંમત નો પુરાવો આપ્યો છે. ચીન સામે કાયમ ઘૂંટણિયા ટેકવી દેવાની અગાઉની કોંગ્રેસી સરકારની માનસિકતા હવે નહીં ચાલે પરંતુ દેશની રક્ષા કાજે અમે સદાને માટે સુસજ્જ છીએ તેવો સ્પષ્ટ સંદેશ નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે તેવું ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.
રાજુભાઈએ કહ્યું હતી કે, ૧૯૬૨માં પણ ચીને ગદ્દારી કરી દગો કર્યો ત્યારે ભારતના સૈનિકો સક્ષમ હતા હિંમતવાન પરાક્રમી અને શૌર્યવાન હતા પરંતુ સરકારની ઢીલી નીતિ અને ઇચ્છાશક્તિના અભાવને અને કાયરતાપૂર્ણ ગતિવિધિ અને યુદ્ધ વેળાએ આચરવા માં આવેલ નામોશીભરયા પગલાંઓ લીધે ભારતે નીચું જોવું પડ્યું હતું. ત્યાર પછી મનમોહનસિંઘની સરકારમા પણ ચીને આપણને સતત દબાવવાનો પ્રયાસ કર્યો છે. હવે જ્યારે છેલ્લા દોઢ માસથી ચીનની સરહદે ગતિવિધિઓ ચાલે છે ત્યારે આખો દેશ ચિંતામાં હતો. આવા સમયે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લેહ પહોંચીને દેશ અને દુનિયાને ભારતની પ્રચંડ તાકાતનો પરિચય આપી દીધો છે. અત્યાર નું ભારત ભાજપ શાસિત તથા નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ વાળુ ભારત છે ,નહેરુ પરિવાર શાસિત ભારત નથી. હવે ભારત ઈંટ નો જવાબ પથ્થર થી આપશે ફુલમાળા દ્વારા નહીં તે સંદેશો વડાપ્રધાન ના પરાક્રમી પડકાર દ્વારા દરેક ભારત વિરોધીઓ ને મળી ગયો છે.
રાજુભાઇ ઉમેરે છે કે, નરેન્દ્રભાઈએ સ્પષ્ટ કહ્યું કે હવે વિસ્તારવાદી નીતિ નહીં ચાલે, આ વિકાસવાદનો યુગ છે એટલે કે ચીને પોતાની મર્યાદામાં રહેવું જોઈએ તેમણે એવું પણ કહ્યું કે વીરતા શાંતિની પૂર્વશરત છે એટલે અમને જરા પણ નબળા ન માનશો. અમે બંસી ધારી કૃષ્ણને પણ પૂજીએ છીએ અને ચક્રધારી કૃષ્ણની પણ પૂજા કરીએ છીએ. વડાપ્રધાનશ્રીના આ વિધાનો ચોખ્ખો સંદેશો આપે છે કે ભારત કોઈ પણ સ્થિતિનો સામનો કરવા તૈયાર છે.